ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીની (PM Modi) ઉપસ્થિતિમાં આગામી તા.10,11 અને 12મી જાન્યુ.ના રોજ ગાંધીનગરમાં (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે 10મી શ્રેણીની વાયબ્રન્ટ ગુજરાત (Vibrant gujarat) ગ્લોબલ સમિટ (Global summit) યોજાનાર છે. જેના પગલે આજે ગાંધીનગરમાં મૂડીરોકાણ માટે સતત એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. તદઅનુસાર ટેક્ષટાઇલ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, પેકેજીંગ ઉદ્યોગ માટે ટકાઉ પર્યાવરણીય પ્રોજેક્ટનાં ક્ષેત્રોમાં કુલ રૂ. 1000 કરોડના સંભવિત મૂડી રોકાણ અને 10 હજારથી વધુ રોજગાર અવસર ઉપલબ્ધ કરાવતા MoU થયા હતા.
આ MoU અનુસાર અમદાવાદ જિલ્લાના કેરાલા GIDCમાં કંપોઝિટ ટેક્ષટાઇલ યુનિટ કાર્યરત કરવા માટે એલ.બી.ટેક્ષ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 450 કરોડનું રોકાણ કરવામાં આવશે તથા અંદાજે ૧,૦૦૦ જેટલી રોજગારી પ્રાપ્ત થશે. આ એકમ જાન્યુઆરી-2024 સુધીમાં કાર્યરત થશે. ઉપરાંત માંડલ તાલુકાના માનપુરામાં ૧૫૫ હેક્ટર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવા માટે રૂ. 288.75 કરોડના રોકાણો માટેના MoU મેસ્કોટ સાઉથ એશિયા એલ.એલ.પી. એ કર્યા હતા. આ પાર્કમાં બે હજાર લોકોને રોજગારી મળશે અને માર્ચ-૨૦૨૬ સુધીમાં પાર્ક કાર્યરત થવાનો છે. નવસારીના જલાલપોર તાલુકાના વેસ્મા અને કાળાકાછા ખાતે 3.34 લાખ ચોરસ મીટર વિસ્તારમાં એક ઔદ્યોગિક પાર્ક માટે આંતર માળખાકીય સુવિધાઓ વિકસાવવા અંગે રૂ. 99.12 કરોડના રોકાણો સાથે MoU થયા છે. 209પ્લોટની ઉપલબ્ધિ સામે અંદાજે 6 હજાર રોજગારીની તકો અહીં ઉપલબ્ધ થશે અને માર્ચ-2025 સુધીમાં તે કાર્યરત થશે.
આ ત્રણ MoU ઉપરાંત રૂ.161.78 કરોડના રોકાણો સાથે FIBC જમ્બો બેગના ઉત્પાદન માટે PET બોટલ્સના રિસાયક્લીંગ અંગે પેકેમ ઉમાશ્રી પ્રાઇવેટ લિમિટેડ અને બ્રાઝિલની કંપની વચ્ચેનાં સંયુક્ત સાહસ પ્રોજેક્ટ શરૂ કરવા અંગે પણ MoU થયા હતા. અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા રોડ, ગાંગડમાં ૫૪ હજાર ચોરસ મીટરમાં આકાર પામનારો આ ટકાઉ પર્યાવરણીય પ્રોજેક્ટ ઓક્ટોબર-2024માં શરૂ થશે તથા પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને 1100 લોકોને રોજગારી આપશે. આ પ્રોજેક્ટ FIBCના ઉત્પાદન માટે બોટલના રિસાયક્લિંગ માટે ટકાઉ પર્યાવરણીય પ્રોજેક્ટ જમ્બો બેગ્સ PET (PET બોટલ ટુ બેગ) નો પ્રોજેક્ટ છે.
રાજ્યમાં ઉદ્યોગકારોને મુશ્કેલી ન પડે તેવું વાતાવરણ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અત્રે ઉલ્લેખનીય છે કે, વાયબ્રન્ટ સમિટ-૨૦૨૪નાં પૂર્વાધરૂપે પ્રતિ સપ્તાહે યોજવામાં આવતા MoU સાઈનીંગ ઉપક્રમની ચાર કડીમાં રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ રૂ.7374 કરોડના રોકાણોના 15 MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ 10,800 થી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે. તદઅનુસાર, ટેક્ષટાઈલ સેક્ટરમાં-2100, એન્જિનિયરીંગ સેક્ટરમાં-700, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં-500અને કેમિકલ સેક્ટરમાં-3085 અને એનર્જી સેક્ટરમાં 4300 જેટલા સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે. પાંચમી કડીમાં એક જ દિવસમાં રૂ. 1 હજાર કરોડના રોકાણો માટે ચાર MoU થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઉદ્યોગ રોકાણકારોને ત્વરાએ ઉદ્યોગો શરૂ કરવામાં સરળતા રહે તેવું વાતાવરણ બન્યું છે અને ઉદ્યોગકારોને મુશ્કેલી ન પડે તથા સરકાર અને ઉદ્યોગો સાથે મળીને રાજ્યના વિકાસની ગતિ વધુ વેગવંતી બનાવે તેવી આપણી નેમ છે.