Gujarat

સરકાર વાતચીતના માધ્યમથી પ્રશ્નો ઉકેલવા માટે તૈયાર : વાઘાણી

ગાંધીનગર : એક તરફ વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાત આવતા ઓકટોબર માસમાં થવાની છે ત્યારે હવે ગાંધીનગરમાં (gandhinagar) વન, આરોગ્ય, શિક્ષણ સહિતના સરકારી કર્મચારીઓ, ખેડૂતો તથા માજી સૈનિકોએ શરૂ કરેલા આંદોલનના પગલે સરકારનું બ્લડ પ્રેશર વધી જવા પામ્યું છે. બીજી તરફ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ હવે ડેમેજ કંટ્રોલની કવાયત પણ શરૂ કરી દીધી છે. કેબિનેટ પ્રવકત્તા – સીનિયર મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, સરકાર વાતચીતના માધ્યમથી સમગ્ર પ્રશ્નો ઉકેલવા તૈયાર છે.

વાઘાણીએ સચિવાયલમાં જણાવ્યું હતું કે નિયમો કે કાયદાની જોગવાઈઓમાં નાની-મોટી છૂટછાટ કરવા પણ સરકાર તત્પર છે. જેથી આ પ્રકારે વિરોધ ન કરીને વાતચીત – સંવાદ કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે ચર્ચાઓ અવિરત ચાલતી રહેતી હોય છે. સામાન્ય જનતા હોય કે કર્મચારી હોય તમામ સરકારનો પરિવાર છે. કર્મચારીઓને તમામને વિનંતી છે કે આ પ્રકારનો વિરોધ ન કરીને ચર્ચા આગળ વધારે. ભાજપની સરકારે હંમેશા રસ્તા કાઢ્યા છે. રાજ્યના હિતમાં, વહીવટના હિતમાં અને પ્રજાના હિતમાં જે નિયમો કે કાયદાની જોગવાઈઓમાં નાની-મોટી છૂટછાટ કરીને પણ સમસ્યાનો વચલો માર્ગ કાઢવા સરકાર તત્પર છે. તેમણે કહ્યું હતું કે આ પ્રકારનું વિરોધ પ્રદર્શન કરવાની આવશ્યકતા નથી. મારી અપીલ છે કે આવો સાથે બેસીએ, બેઠકોનો દોર સતત ચાલુ જ છે. રાજ્ય સરકાર કડક થવા માગતી નથી.

Most Popular

To Top