ગણદેવી (Gandevi) તાલુકાનું માંડ 1750ની વસતી ધરાવતું ગામ એટલે પાટી. મહદઅંશે ગામમાં (Village) કોળી પટેલ તથા ધોડિયા પટેલની વસતી વધુ છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. તેમ છતાં સંતાનોના અભ્યાસ અંગે ગામના લોકો વધુ જાગૃત હોવાને કારણે અનેક રહીશો શિક્ષકો (Teachers) થયા છે, તેને કારણે ગામની ઓળખ શિક્ષકોના ગામ તરીકે થઇ છે.
ગણદેવીને અડીને આવેલા આ ગામમાં 6 ફળિયાંમાં લોકો રહે છે. પટેલ ફળિયું, ઘાંચી ફળિયું, નિશાળ ફળિયું, ટેકરી ફળિયું, ખોખર ફળિયું અને મહાદેવનગર સોસાયટી અહીં આવેલી છે. ગામનું નામ પાટી કઇ રીતે પડ્યું એ અંગે એક વાયકા ચાલે છે. ગામમાં સો વર્ષ પહેલાં જ શિક્ષણનું મહત્ત્વ સમજી ગયેલા વડદાદાઓએ પ્રાથમિક શાળા શરૂ કરાવી હતી. એ સમયે પાટીના જ નહીં આસપાસનાં ગામોના વિદ્યાર્થીઓ પણ ભણવા આવતા હતા. સ્વાભાવિક છે કે, એ સમય આજની જેમ નોટબુકનો નહીં પણ પાટી પેનનો હતો. વિદ્યાર્થી ભણવા જાય ત્યારે લોકબોલીમાં ક્યાં ચાલ્યો એવા સવાલનો જવાબ પાટીએ ચાલ્યો એવો મળતો અને એ પરથી જ ગામનું નામ પાટી પડી ગયું છે.
સમય જતાં આજે ગામમાં વિકાસનાં અનેક કામો થયાં છે. પાણી પણ મળતું થયું છે. ફળિયે ફળિયે પાણીની સુવિધા છે. જો કે, હજુ ડ્રેનેજની સુવિધા નથી. ગામમાં ડ્રેનેજની સુવિધા ન હોવાથી થોડી મુશ્કેલી અનુભવવી પડે છે. ઉપરાંત સરકારી આવાસો અને શેરી રસ્તાનાં કામો પૂરજોશમાં ચાલી રહ્યાં છે. વર્તમાન સરપંચ ધર્મેશ પટેલ, ઉપસરપંચ રશ્મીબેન પટેલ, તલાટી સુનીલ પટેલ તથા પંચાયતના તમામ સભ્યો વિકાસનાં કામોમાં એકમત થઇને ગામની સુવિધામાં વધારો કરતા રહ્યાં છે અને કરી રહ્યાં છે. હાલમાં ધર્મેશ પટેલના નેજા હેઠળ રસ્તા, પાણી અને ગટરનાં કામો પ્રગતિમાં છે. ઉપરાંત ગામમાં સામાજિક સમસ્યા પેદા થાય તો તેનો નિવેડો લાવવામાં પણ તેઓ મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. ધર્મેશ પટેલ પંચાયતના વોર્ડ સભ્યો, ગામના યુવાનો, વડીલોને સાથે રાખીને ગામની કાયાપલટ કરવામાં પાછું ફરીને જોતા નથી. ગામડું હોવાને કારણે સ્ટ્રીટ લાઇટની સગવડ ન હતી. એ કારણે રાત્રે ઘર બહાર નીકળવામાં મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે રાત્રે એકલાં નીકળવું મુશ્કેલ હતું. પરંતુ હવે ગ્રામ પંચાયતે સ્ટ્રીટ લાઇટની સુવિધા કાર્યરત કરી દીધી છે. શેરીઓમાં રાત્રે પણ અજવાળું રહેતું હોવાને કારણે લોકોને રાત્રે અવરજવરમાં પડતી મુશ્કેલીઓ દૂર થઇ છે.
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીનો રહ્યો છે. ખાસ કરીને કેરી, ચીકુ, શેરડી અને ડાંગરની ખેતી કરવામાં આવે છે. કેરી, ચીકુ અને શેરડી રોકડિયા પાક ગણાય છે, તેને કારણે ખેડૂતો તેમનો જીવનનિર્વાહ સરળતાથી કરી શકે છે. નજીકમાં જ આવેલી ગણદેવી સુગર ફેક્ટરીમાં ખેડૂતો શેરડી આપતા હોય છે. એશિયાની સૌથી જૂની સુગર ફેક્ટરીઓમાંની એક એવી ગણદેવી સુગર ફેક્ટરી શેરડીના સારા ભાવ આપતી હોવાને કારણે ખેડૂતોને સારી આવક થાય છે. હવે તો કેરીના ભાવ પણ સારા મળતા થયા છે, તેને કારણે પણ ખેડૂતો માટે કેરીની ખેતી લાભકારી બની રહી છે. પરંતુ ચીકુના ભાવમાં ખાસ વળતર રહ્યું નથી. ચીકુ બારેમાસ થતા હોવાને કારણે રોજિંદા જીવનમાં તેની ખેતીનું મહત્ત્વ રહ્યું છે. પરંતુ કોરોના પછીના સમયમાં ચીકુને દિલ્હી મોકલવામાં મુશ્કેલી પડી હતી અને તેને કારણે હવે કેટલાક ખેડૂતો ચીકુની ખેતીને બદલે બીજી ખેતી તરફ વળી રહ્યા છે. ગામમાં બેન્કિંગ સેવાનો લાભ પણ મળે છે. બેન્ક ઓફ બરોડાની શાખા ગામમાં જ હોવાને કારણે લોકોને બચત માટે કે સરકારી યોજનાના લાભો લેવા માટે ગણદેવી સુધી જવાની જરૂર પડતી નથી. હવે બચત કરવી કે લોન લેવી હોય તો ગામમાં જ બેન્ક પૂરી પાડે છે, તેની સેવા ખેડૂતોને પણ ઉપયોગી છે.
શિક્ષણની જ્યોત પ્રગટાવનારા સરસ્વતીનાં મંદિરો
ગામ હોય એટલે બાળકોનાં શિક્ષણની ચિંતા કરવી જ પડે. નાનાં બાળકોને ગામમાં જ અભ્યાસ કરવાની સુવિધા મળે એ ખૂબ આશીર્વાદરૂપ ગણાય છે. પાટી ગામમાં પણ એક પ્રાથમિક શાળા આવેલી છે. જ્યારે એક વર્ગ શાળા છે. મુખ્ય શાળાએ હાલમાં જ શતાબ્દી ઉજવી છે, ત્યારે ગામમાં શિક્ષણને કેવું મહત્ત્વ અપાય છે, એ સમજી શકાય એમ છે. ઉપરાંત હાલમાં જ બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ નામની એક ખાનગી શાળા પણ શરૂ થઇ છે. બારમા ધોરણ સુધીનો અભ્યાસ અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમમાં કરી શકાય છે.
બે ડોક્ટર અને 48 શિક્ષક
ગામમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું છે. અહીંના લોકો શિક્ષણના મહત્ત્વને સમજ્યા છે, તેથી સંતાનોના અભ્યાસ માટે સચેત રહે છે. શિક્ષણની જ્યોત પ્રજવળતી રહેવાને કારણે ગામના બે યુવાન ડોક્ટર બન્યા છે. ડો.પીયૂષ પટેલ નજીકના ચીખલીમાં એક હોસ્પિટલમાં સેવા આપે છે, તો ડો.જનક સી.પટેલ બીલીમોરાની એક હોસ્પિટલમાં સેવા આપે છે. ગામે સમાજને બે ડોક્ટરોની ભેટ આપી છે, તો પાટીના 48 જણા શિક્ષક બનીને શિક્ષણની જ્યોત પેટાવતા રહીને અનેક લોકોને શિક્ષણ આપી રહ્યા છે. લગભગ સત્તરસોની વસતીમાં 48 નાગરિક શિક્ષકો હોય એ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ શિક્ષકો આજુબાજુનાં નગરોમાં તેમની સેવા આપી રહ્યા છે.
આસ્થાનાં કેન્દ્રો બની રહેલાં ચાર મંદિર
ગામમાં લોકો રહેતા હોય એટલે ભક્તિ પણ જોડાયેલી જ હોય છે. લોકોની દિનચર્યા મહદઅંશે પૂજા-અર્ચના સાથે જ થતી હોય છે. ગામના લોકો પણ પૂજા-અર્ચના કરી શકે એ માટે ચાર મંદિર છે. ચંડિકા માતાનું મંદિર, કૈલાસપતિ મહાદેવનું મંદિર, અંબા માતાનું મંદિર અને હનુમાનજીનું મંદિર આવેલું છે. ચંડિકા માતાના મંદિરનો મહિમા વધુ છે. ગામના લોકો તેમની આસ્થા પ્રમાણે મંદિરમાં પૂજા-અર્ચના કરતા હોય છે. ઉપરાંત દરેક તહેવારો પણ અહીં ઉજવાતા હોય છે.
બુલેટ ટ્રેનથી વિકાસ થશે
બુલેટ ટ્રેન એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તેમાં કેટલાક અવરોધ આવવાને કારણે બુલેટ ટ્રેનનું કામ થોડું ધીમું રહ્યું છે. એ કારણે બુલેટ ટ્રેન પહેલા તબક્કામાં સુરત અને બીલીમોરા વચ્ચે દોડાવવામાં આવશે. એ ટ્રેન પાટીમાંથી પસાર થઇ રહી છે. ખેડૂતોએ જમીન ગુમાવી છે, એ બદલ આર્થિક વળતર પણ સારું મળ્યું છે. ત્યારે ખેડૂતોની સંપન્નતા વધી છે. વળી, પાટીથી નજીક આવેલા કેસલી ગામે બુલેટ ટ્રેનનું સ્ટેશન આવવાનું છે, ત્યારે પાટીમાં પણ તેને કારણે વિકાસ થઇ શકે એમ છે. જમીનનું વળતર શરૂઆતમાં ઓછું મળે એવો ખેડૂતોમાં અસંતોષ હતો, પરંતુ સરપંચ ધર્મેશ પટેલે અસરગ્રસ્તોને સાથે રાખીને લડત આપતાં તેનો ઉકેલ આવ્યો હતો. એ કારણે મોદી સરકારના મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટનું કામ આજે પૂરજોશમાં ચાલી રહ્યું છે. જમીનના વળતરના પ્રશ્ને સાંસદ સી.આર.પાટીલનો પણ ટેકો રહ્યો હતો. બુલેટ ટ્રેન દોડતી થઇ જશે એ પછી આ વિસ્તારનો વિકાસ વધશે એવી આશા સેવાઇ રહી છે.
નીલનયન ફાર્માથી રોજગારીની તકો
પાટી ગામમાં એક જ ફેક્ટરી જ ધમધમે છે. દવા બનાવતી કંપની ગણદેવીના કાંતિભાઇ શાહે શરૂ કરી હતી. આ કંપની દવા બનાવવાના ક્ષેત્રમાં અગ્રણી નામ ધરાવે છે. આ કંપની પાટી જેવા નાના ગામમાં સીત્તેર મહિલાઓને રોજગારી પૂરી પાડે છે. ગામની મહિલાઓને ઘરઆંગણે રોજગારી પૂરી પડાતી હોવાથી મહિલાઓ પરિવાર પણ સારી રીતે સાચવી શકે છે. રાઇન કેમિકલ પરિવાર તરીકે જાણીતો કાંતિભાઇ શાહ પરિવાર ગણદેવીમાં સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરતો રહે છે.
સેવાકીય પ્રવૃત્તિઓ
ગામમાં સેવાકિય પ્રવૃત્તિઓ પણ ચાલે છે. નાયક ફાઉન્ડેશન નામની સંસ્થા ચાલે છે. આ સંસ્થા તેમજ એનઆરઆઇ રમેશભાઇ પટેલ દ્વારા ગામમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ ચલાવાય છે. મેડિકલ કેમ્પ જેવી અનેક પ્રવૃત્તિઓ ચાલતી રહે છે, જેનો લાભ ગામના તમામ લોકોને મળે છે. જનસેવામાં નાયક ફાઉન્ડેશન નામનું એનજીઓ તત્પર રહે છે.
પાટી દૂધ ઉત્પાદક સહકારી મંડળીથી આર્થિક સદ્ધરતા
ગામમાં ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય પણ ખીલ્યો છે. ખેતીની સાથે સાથે પશુપાલન ખેડૂત પરિવારોની આવક વધારી આપનારો વ્યવસાય છે. ખેતીની સાથે પશુપાલન કરવામાં આવે તો ચારાની પણ સમસ્યા રહે નહીં. એ કારણે પશુપાલનનો વ્યવસાય લાભકારી બની રહ્યો છે. ગામમાં પશુપાલકોને દૂધની આવક મળી રહે એ માટે એક મંડળી પણ શરૂ કરવામાં આવી છે. પાટી દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચાલી રહી છે. હાલમાં પ્રમુખ તરીકે યોગેશ પટેલ તેના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે.
સરકારી આરોગ્ય સુવિધા નથી!
પાટી ગામ નાનું છે. સુવિધાવાળું પણ છે, છતાં પાટીમાં સરકારી આરોગ્ય કેન્દ્ર નથી. એ માટે પડોશીમાં આવેલા કેસલી આરોગ્ય કેન્દ્ર તથા ગણદેવી સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સેવા માટે જવું પડે છે. જો કે, આ બંને આરોગ્ય કેન્દ્ર નજીકમાં જ આવેલાં હોવાથી લોકોને આરોગ્ય સેવા મળી રહે છે. ચીખલી પણ નજીક હોવાને કારણે ખાનગી તબીબી સેવા પણ ત્યાંની હોસ્પિટલોમાંથી મળી રહે છે.
મોલોસિસની દુર્ગંધથી પરેશાની
પાટીની નજીક અંભેટા ગામ ખાતે મોલોસિસનો એક પ્લાન્ટ સહકારી સંસ્થાએ ચલાવ્યો છે. એ પ્લાન્ટમાંથી આવતી દુર્ગંધથી લોકો પરેશાન છે. એ ખરું કે પાટીમાં દરરોજ દુર્ગંધ ફેલાતી નથી. પરંતુ ઘણી વખત મોલોસિસની દુર્ગંધ ફેલાતી હોય છે, તે લોકોને પરેશાન કરતી હોય છે. પરંતુ એ પ્લાન્ટ સામે આ વિસ્તારના લોકોએ વિરોધ કર્યો હતો. પરંતુ એ લડતને નિષ્ફળતા મળી હતી. તેને પગલે આજે પણ અંભેટા વિસ્તારમાં દુર્ગંધ લોકોને પરેશાન કરતી રહે છે.
જૈવ વિવિધતા જોવાની પણ અનેરી તક!
પાટી વિસ્તારમાં ખેતર અને વાડી જોવા મળે છે. આખો વિસ્તાર હરિયાળો છે, તેને કારણે અહીં પક્ષી જગત પણ ઘણું સમૃદ્ધ છે. ખાસ કરીને શિયાળામાં અહીં પક્ષીઓ ખાસ જોવા મળે છે. શિયાળામાં વહેલી સવારે પક્ષી દર્શનનો લ્હાવો લેવા જેવો છે.
ચકલી હવે શહેરોમાંથી લગભગ ગાયબ થઇ ગઇ છે અને તેને ફરી વસાવવા માટે પ્રયાસ થઇ રહ્યા છે, જ્યારે ગામડાંમાં તેનો વસવાટ જોવા મળે છે. ચકલીઓને માળા બાંધવા માટે સુવિધા ગામડાંનાં ઘરોમાં મળી રહે છે. એ કારણે પણ ચકલીઓનું ચીં….ચીં…પાટીમાં સાંભળવા મળે છે. એ ઉપરાંત કાબરનો કલબલાટ પણ સાંભળવા મળે છે. કબૂતરનું ઘૂ ઘૂ પણ સાંભળવા મળી જાય તો કબૂતર જેવું જ દેખાતું બીજું એક પક્ષી હોલો પણ જોવા મળે છે. કબૂતર કરતાં કદમાં થોડું નાનું આ પક્ષી તો રસ્તા પર પણ ચણતું જોવા મળી જાય છે. બૂલબૂલની બે પ્રજાતિ પણ જોવા મળે છે. સૂડા પણ અહીં જોવા મળે છે. પોપટ જેવું જ દેખાતું આ પક્ષી પણ અહીં કલરવ કરતું જોવા મળી જાય છે.
સૌથી મહત્ત્વની વાત તો એ છે કે પાટી ગામમાં રાષ્ટ્રીય પક્ષી મોર પણ જોવા મળે છે. આશરે વીસથી પચીસ જેટલા મોર અહીં જુદા જુદા વિસ્તારમાં જોવા મળી જાય છે. વહેલી સવારે તેના ટહુકા મન પ્રફૂલ્લિત કરી દે છે. તો ઉનાળામાં કોયલના ટહુકા પણ સવારને જીવંત કરી દેતા હોય છે. ઉનાળામાં તો કિંગફિશર તરીકે જાણીતું પક્ષી પણ સવારે અવાજ કરતું જોવા મળી જાય. કિંગફિશર એટલે કે કલકલિયો તો બે પ્રકારના જોવા મળે છે. મોટો કલકલિયો અને નાનો કલકલિયો. બંનેની મોટી કથ્થઇ ચાંચ પ્રભાવક જણાઇ આવે, તો તેની પીઠ પરનો મોરપીચ્છ રંગ દૂરથી પણ નજરને આકર્ષી લેતા હોય છે. દૈયડ અને ઇન્ડિયન રોબિન જેવાં પક્ષીઓ પણ જોવા મળે છે. સક્કરખોર તથા દૂધરાજ પણ જોવા મળે છે. દૂધરાજ એમ તો બુલબુલ જેવો જ લાગે, પણ રંગ જુદો અને પૂંછડી પણ જુદી લાંબી પૂંછડી તરત જ ધ્યાન ખેંચે. સંવનન ઋતુ પ્રમાણે દૂધરાજનો રંગ બદલાતો જોવા મળે છે. ઘૂવડ પણ જોવા મળતું હોય છે, પરંતુ એ માટે તમારે રાત્રે જ નીકળવું પડે.
પાટી ગામ નાનું હોવા છતાં હરિયાળી વધુ હોવાને કારણે અનેક જાતના પક્ષીઓ જોવા મળે છે. અહીં વારંવાર જોઇ શકાય એવા પક્ષીઓની જ નોંધ લીધી છે, એ ઉપરાંત બીજાં પક્ષીઓ પણ જોવા મળી જાય, પરંતુ એ માટે કોઇ વિશેષ અભ્યાસ થયાનું જાણવા મળતું નથી. શિયાળામાં પક્ષીઓ વધુ જોવા મળતાં હોય છે. એ ઋતુમાં પક્ષીઓને જોવાની તક વધુ મળતી હોય છે. એ ખરું કે કોઇ ઋતુ પ્રવાસી પક્ષીઓ જોવા મળતાં નથી. રંગબેરંગી પક્ષીઓની સાથે સાથે ડાંગરના ખેતરમાં સફેદ બગલા પણ જોવા મળી જાય છે. નાની કાંકણસાર પણ જોવા મળે છે. એ ઉપરાંત સાપની વિવિધ પ્રજાતિ પણ જોવા મળતી હોય છે. એ રીતે જોઇએ તો પાટી ગામ અને તેનો ખેતરાળ વિસ્તાર પ્રાણી જીવનથી ખૂબ જ સમૃદ્ધ છે. ઝેરી તથા બિનઝેરી સાપો જોવા મળતા હોય છે. વનસ્પતિ અને પ્રાણી જીવનમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. લીમડો, વડ અને પીપળાથી માંડીને અનેક વૃક્ષો જોવા મળે છે, તો શિયાળ કે ઝરખ જેવાં પ્રાણીઓ પણ ક્યારેક જોવા મળી જતાં હોય છે. આ જૈવ વૈવિધ્યનો અભ્યાસ થાય એ પણ જરૂરી છે.
ખેતીને નુકશાન કરતાં રખડતાં ઢોર અને જંગલી ભૂંડ
સિંચાઇની વ્યવસ્થા હોવાને કારણે ખેડૂતો ખેતીના પાક સારી રીતે લઇ શકે છે. ખેતીની આવક પર જીવન ગુજારો ખેડૂતો કરતા હોય છે, પરંતુ હવે ખેતીમાં થતાં નુકસાન અંગે પણ વિચારણા કરવી પડે એવો સમય આવી ગયો છે. સ્વાભાવિક છે કે, ઉનાળાના અંતે અને ચોમાસામાં ભારે વરસાદ તથા વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ ખેતીને તો નુકસાન કરતા જ હોય છે. આ વર્ષે તો વારંવાર માવઠું થવાને કારણે પણ ખેતીને નુકસાન થયું હતું. ઉપરાંત ખેડૂતોને બીજી સમસ્યા પણ સતાવતી રહે છે. ખેતીને રખડતાં ઢોર નુકસાન કરતા રહે છે.
છેલ્લા દસેક વર્ષથી રખડતાં ઢોરો ખેતીને ઘણું નુકસાન કરી રહ્યા હોવાને કારણે હવે શાકભાજીની ખેતી ખેડૂતો કરતા નથી. આ વિસ્તારના રીંગણ ખૂબ જ વખણાતાં હતાં. પરંતુ રખડતાં ઢોરોને કારણે હવે ખેડૂતોએ શાકભાજીની ખેતી કરવી લગભગ બંધ જ કરી દીધી છે. જંગલી ભૂંડની સમસ્યા પણ બહુ મોટી છે. શીંગડાંવાળાં આ ભૂંડ હુમલો પણ કરી શકતા હોય છે. એ સંજોગોમાં તેમને ભગાડવાનું કામ પણ પડકારજનક બની રહે છે. રખડતાં ઢોર અને જંગલી ભૂંડને કારણે અહીં મહદઅંશે લોકો ચીકુ કે કેરીની વાડી તથા શેરડીની જ ખેતી કરતા થઇ ગયા છે.
ડાંગરની ખેતી હજુ કરવામાં આવે છે, પરંતુ તેને પણ રખડતાં ઢોર તથા જંગલી ભૂંડ નુકસાન કરતા હોય છે, તેથી આર્થિક રીતે ખેડૂતોને હવે એ ખેતી પોષાય એમ નથી. આ ત્રાસ દૂર કરવામાં નહીં આવે તો ખેતીને નુકસાન થતા જ રહે એમ છે. પરંતુ એ ત્રાસ દૂર કરે એવા સંસાધન ગ્રામ પંચાયત પાસે નથી અને સરકાર એ દિશામાં નક્કર પગલાં ભરતી નથી. આ કારણે ખેડૂતોને નુકસાન થાય છે. આ ત્રાસ દૂર કરવામાં આવે તો ખેડૂતો બીજી વૈકલ્પિક ખેતી તરફ નજર દોડાવીને આર્થિક રીતે પણ લાભકારી દિશામાં આગળ વધી શકે છે. ખેડૂતોને આ સમસ્યામાંથી કોણ છૂટકારો અપાવશે એ મોટો પ્રશ્ન છે. તાલુકા પંચાયત એ દિશામાં વિચારી શકે. પરંતુ તાલુકા વિકાસ અધિકારી માટે આ સવાલ ફક્ત એક ગામનો નહીં હોય, તેમણે આખા તાલુકામાં ખેતીને થતા નુકસાન અંગે વિચારવું પડશે.