Gujarat

જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે રાજ્યમાં શિક્ષકોએ આંદોલન શરૂ કર્યું, CM અને PMને પત્ર મોકલશે

HTML Button Generator

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના શિક્ષકો દ્વારા સોમવારથી જૂની પેન્શન યોજના (Pension Scheme) લાગુ કરવાની માંગ સાથે આંદોલન (Agitation) શરૂ કરાયું છે. રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ, ગુજરાત પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ સંઘ તેમજ સ્થાનીય શિક્ષક સંઘ સાથે જોડાયેલા શિક્ષકો મોટી સંખ્યામાં આંદોલનમાં જોડાયા હતા. શિક્ષકોની માંગ છે કે જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવામાં આવે. શિક્ષકો દ્વારા આગામી 3થી 7 તારીખ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં ધારાસભ્યો, સાંસદો અને પાર્ટીના પ્રમુખને આવેદન આપી જુની પેન્શન યોજના મંજૂર કરાવવા અંગેની રજૂઆત કરવામાં આવશે.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રાંતના ઉપાધ્યક્ષ ભરતસિંહ ચાવડાએ આ અંગે જણાવ્યું હતું કે અમે જૂની પેન્શન યોજનાની માંગ કરી રહ્યા છીએ. એનું કારણ એ છે કે જૂની પેન્શન યોજના દરેક કર્મચારી માટે સુરક્ષિત ભવિષ્ય છે. આજે ગાંધી જયંતિના દિવસેથી અમે આંદોલનની શરૂઆત કરી છે અને ગાંધીચીંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું.

વડોદરા, રાજકોટ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ શિક્ષકોએ જૂની પેન્શન યોજના લાગૂ કરવાની માંગ સાથે આંદોલન શરૂ કર્યું છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સહિતના શિક્ષક સંઘો આંદોલનમાં શામેલ થયા છે. આંદોલનમાં વડોદરા શહેર અને જિલ્લાના શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રાજકોટમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર કરી શિક્ષકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. બીજી તરફ ખેડા જિલ્લાના લગભગ 500થી વધુ શિક્ષકો જિલ્લાના વડામથક નડિયાદ ખાતે એકઠા થયા હતા.

જોકે આંદોલન દરમ્યાન વિદ્યાર્થીઓનું અભ્યાસ કાર્ય નિયમિત રહેશે. શિક્ષકોના જણાવ્યા મુજબ તેઓ ભણાવવવાનું ચાલુ રાખશે જોકે તમામ ઓનલાઇન કામગીરી બંધ રહેશે. 2થી 7 ઓક્ટોબર દરમિયાન શિક્ષકો તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યોને મળશે. જૂની પેન્શન યોજનાના સમર્થન માટેનો લેટર લખાવામાં આવશે. સમર્થન અને આંદોલન માટેના લેટર પર સહી કરાવામાં આવશે અને એ લેટર મુખ્યમંત્રી અને વડાપ્રધાનને મોકલવામાં આવશે.

Most Popular

To Top