બાલીઃ (Bali) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલી G20 સમિટમાં હાજરી આપી હતી. વડા પ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે (Xi Jinping) બાલીમાં રાત્રિભોજનમાં (Dinner) હાજરી આપતાં વન-ઓન-વન બેઠક કરી હતી. બંનેની મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે શી જિનપિંગ મોદીને જોઈને તેમની તરફ આગળ વધ્યા. શી જિનપિંગને જોઈને મોદી ઉભા થયા અને હાથ મિલાવવા આગળ વધ્યા. બંને નેતાઓએ ઈન્ડોનેશિયાની પરંપરા સાથે જોડાયેલા શર્ટ પહેર્યા હતા. બંને નેતાઓ ખુશનુમા વાતાવરણમાં એકબીજાને મળ્યા હતા. આ મુલાકાત થોડો સમય ચાલી હતી. શી જિનપિંગ તેમની પત્ની પેંગ લિયુઆન સાથે ડિનરમાં હાજર હતા.
પીએમ મોદી સાથે વિદેશ મંત્રી એસ જયશંકર પણ જોડાયા હતા. G20 સમિટની સાથે સાથે PM મોદી વિશ્વના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરશે. શી જિનપિંગ અને પીએમ મોદીની મુલાકાત પ્રસ્તાવિત નથી. આ પહેલા પીએમ મોદી અને જિનપિંગે સપ્ટેમ્બરમાં ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાયેલી SCO સમિટમાં હાજરી આપી હતી. તે પછી પણ બંને વચ્ચે અલગથી કોઈ મુલાકાત થઈ ન હતી. બંને નેતાઓની આ મુલાકાત ત્યારે થઈ જ્યારે શી જિનપિંગ તાનાશાહી વલણ બતાવીને ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બન્યા. અત્યાર સુધી ભારત તરફથી જિનપિંગને ઔપચારિક રીતે કોઈ અભિનંદન સંદેશ આપવામાં આવ્યો નથી.
ગાલવાન વેલી પછી પ્રથમ વખત હાથ મિલાવ્યા
ચીન અને ભારત વચ્ચે સૌથી મોટો મુદ્દો સરહદ સાથે જોડાયેલો છે. સરહદ વિવાદને કારણે ઘણી વખત હિંસા પણ જોવા મળી છે. જૂન 2020 માં ગાલવાન ઘાટીમાં હિંસા જોવા મળી હતી જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. જેમાં લગભગ 40 ચીની સૈનિકો માર્યા ગયા હતા. પરંતુ ચીને તેનો કોઈપણ રીતે સ્વીકાર કર્યો નથી. ગાલવાન ખીણ હિંસાના બે વર્ષ પછી પણ બંને નેતાઓ વચ્ચે કોઈ મુલાકાત થઈ નથી. પહેલીવાર બંને નેતાઓ કેમેરા સામે હાથ મિલાવતા જોવા મળ્યા હતા.
પીએમ મોદી અને શી જિનપિંગે એકબીજાને શુભેચ્છા પાઠવી
બાલી જી-20 સમિટમાં પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ડિનર દરમિયાન મળ્યા હતા અને એકબીજાના ખબરઅંતર પૂછ્યા હતા. જો કે બંને વચ્ચે સત્તાવાર મીટિંગનો કોઈ સમયપત્રક નથી. બંને નેતાઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.
PM મોદી આવતીકાલે આ દેશો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 16 નવેમ્બરે ઇન્ડોનેશિયાના બાલીમાં G20 શિખર સમ્મેલનમાં ઇન્ડોનેશિયા, સ્પેન, ફ્રાન્સ, સિંગાપોર, જર્મની, ઇટાલી, ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ કિંગડમ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે.