નવી દિલ્હી: દેશમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જો કે માર્ચ (March) મહિનામાં તાપમાન સૌથી ઊંચું હોય છે. પરંતુ હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર આ મહિનામાં કમોસમી વરસાદને (Rain) કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જેના કારણે સામાન્ય લોકોને તો ગરમીમાંથી રાહત મળી હતી પરંતુ ખેડૂતોને ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. માર્ચ મહિનો જોરદાર વરસાદ, વાવાઝોડું સાથે શરૂ થયો હતો અને કરા સાથે સમાપ્ત થયો હતો. જેના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજથી શરૂ થતા એપ્રિલ (April) મહિના માટે રાહતના સમાચાર આપ્યા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગો અને દ્વીપકલ્પના ક્ષેત્રને બાદ કરતાં દેશના મોટાભાગના ભાગોમાં એપ્રિલથી જૂન સુધી મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન મધ્ય, પૂર્વ અને ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના ભાગો સામાન્ય કરતાં વધુ રહેવાની અપેક્ષા છે.
એપ્રિલમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના લગભગ તમામ રાજ્યોમાં એપ્રિલ મહિનામાં હીટવેવની શક્યતા ઓછી છે. પરંતુ મે અને જૂન મહિનામાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે અને હીટવેવના દિવસોની સંખ્યા વર્ષના સરેરાશ દિવસો કરતાં વધુ હોઈ શકે છે. એટલે કે એપ્રિલ મહિનો રાહતથી ભરેલો રહી શકે છે, પરંતુ મે અને જૂનમાં ગરમી સામાન્ય કરતાં વધુ ત્રાસદાયક બની રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એપ્રિલના પહેલા ભાગમાં એટલે કે 15મી એપ્રિલ સુધી સમગ્ર દેશમાં હીટવેવ જોવા નહીં મળે. 15 એપ્રિલ બાદ વિવિધ વિસ્તારોમાં તાપમાનમાં વધારો નોંધાશે. ખાસ કરીને બિહાર, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 15 એપ્રિલ પછી હીટવેવ જોવા મળી શકે છે.
એપ્રિલમાં આ રાજ્યોમાં હીટવેવની શક્યતા છે
બિહાર, ઝારખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઓડિશા, ગંગા પશ્ચિમ બંગાળ, ઉત્તર છત્તીસગઢ, મહારાષ્ટ્રનો પશ્ચિમ ભાગ, ગુજરાત અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં એપ્રિલ મહિનામાં સામાન્ય કરતાં વધુ હીટવેવની શક્યતા છે.
વરસાદ વિશે શું અપડેટ છે
એપ્રિલ 2023 દરમિયાન સમગ્ર દેશમાં સરેરાશ વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે (88-112% LPA). બીજી તરફ, ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને દ્વીપકલ્પના ભારતના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે. જ્યારે પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારત અને ભારતના પશ્ચિમ કિનારાના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછા વરસાદની અપેક્ષા છે.
દિલ્હીનું તાપમાન કેવું રહેશે
દિલ્હીના હવામાનની વાત કરીએ તો, 2 દિવસ પછી એટલે કે 3-4 એપ્રિલે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે. જેના કારણે હળવો વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડું જોવા મળશે, પરંતુ આ વિકાસ માર્ચના વરસાદ કરતાં ઓછો હશે. તાપમાનની વાત કરીએ તો આ દિવસોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 30થી 33 ડિગ્રીની વચ્ચે રહેશે.