Sports

IPL 2023: હાર્દિક પંડ્યાની ટીમને મોટો ઝટકો, કેન વિલિયમસન IPLમાંથી બહાર!

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની સિઝનની ધમાકેદાર શરૂઆત થઈ હતી. ગુજરાત ટાઈટન્સ (GT) અને ચેન્નઈ સુપર કિંગ (CSK) વચ્ચે પ્રથમ મેચ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં હાર્દિક પંડ્યાની (Hardik Pandya) કપ્તાનીવાળી ગુજરાત ટાઇટન્સે 5 વિકેટથી જીત CSK સામે જીત મેળવી હતી. જો કે બીજા જ દિવસે ગુજરાત ટાઈટન્સને એક મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamso) ઘૂંટણની ઈજાને (Injured) કારણે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે.

IPLની શરૂઆત શુક્રવારે (31 માર્ચ) એક ભવ્ય ઓપનિંગ સેરેમની સાથે થઈ હતી. ત્યાર બાદ સિઝનની પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું હતું. કેન વિલિયમસન આ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.ટીમનો સ્ટાર ખેલાડી કેન વિલિયમસન જેને ગુજરાત ટાઇટન્સે મિની ઓક્શનમાં રૂ. 2 કરોડમાં ખરીદ્યો હતો તે હવે આખી સિઝનમાંથી બહાર હોવાના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે સીઝનની પ્રથમ મેચમાં વિલિયમસને CSK સામે સિક્સર રોકવાનો ખતરનાક પ્રયાસ કર્યો હતો. તેણે રન બચાવ્યા પરંતુ પોતાને ગંભીર ઈજા થઈ.

વિલિયમસન કેચ લેવાના પ્રયાસમાં ઘાયલ થયો હતો
આ ઘટના મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગ દરમિયાન 13મી ઓવરમાં બની હતી. આ ઓવરમાં ઓપનર ઋતુરાજ ગાયકવાડે એરિયલ શોટ રમ્યો હતો, જેના પર વિલિયમસને કેચ લેવાનો પ્રયાસ કર્યો હતો. બાઉન્ડ્રી પર હવામાં કૂદકો મારવા છતાં વિલિયમસન કેચ તો ના લઈ શક્યો, પરંતુ ટીમ માટે અમુક રન ચોક્કસ બચાવ્યા હતા. પરંતુ આ સાથે જ તે નીચે પડી ગયો હતો અને વિલિયમસનના ઘૂંટણમાં ગંભીર ઈજા પહોંચી હતી. તેને તરત જ મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની જગ્યાએ સાઈ સુદર્શનને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. સુદર્શન પણ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગ કરતો હતો. હવે આ ઈજાના કારણે વિલિયમસન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

આ રીતે ગુજરાતે 5 વિકેટે મેચ જીતી લીધી હતી
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમે 7 વિકેટે 178 રન બનાવ્યા હતા. ઓપનર ઋતુરાજ ગાયકવાડે 50 બોલમાં 92 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં તેણે 9 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. જ્યારે મોઈન અલીએ 23 અને શિવમ દુબેએ 19 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી રાશિદ ખાન, અલઝારી જોસેફ અને મોહમ્મદ શમીએ બે-બે વિકેટ લીધી હતી. 179 રનના ટાર્ગેટના જવાબમાં ગુજરાતની ટીમે ચાર બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. શુભમન ગિલે સૌથી વધુ 63 રન બનાવ્યા હતા. તે જ સમયે, વિજય શંકરે 27 અને રિદ્ધિમાન સાહાએ 25 રન બનાવ્યા હતા. રશીદ ખાન પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

Most Popular

To Top