National

વડાપ્રધાને જાહેરાત કરી અને કેન્દ્રએ બીજા જ દિવસે 44 કરોડ વેક્સિનના ઓર્ડર આપ્યા

નવી દિલ્હી: (Delhi) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 21 જૂનથી રાજ્યોને નિશુલ્ક રસી (Free Vaccine) આપવાની ઘોષણા કર્યાના બીજા જ દિવસે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે મંગળવારે 44 કરોડ રસી માટે ઓર્ડર (Order) આપી દીધો છે. જેમાં 25 કરોડ કોવિશિલ્ડ અને 19 કરોડ કોવેક્સિન શામેલ છે. સરકારે (Government) ઓર્ડરની રકમનો 30 ટકા હિસ્સો અગાઉથી કંપનીઓને આપી દીધો છે. નીતિ આયોગનાં સભ્ય (આરોગ્ય) ડો.વી.કે.પૌલે આ માહિતી આપી છે. આ સિવાય સરકારે બાયોલોજિકલ ઈ લિમિટેડની રસીના પણ 30 કરોડ ડોઝ (Dose) ખરીદવાનો (purchase) આદેશ આપ્યો છે, જે સપ્ટેમ્બર સુધીમાં મળી જશે. મેસર્સ બાયોલોજિકલ – ઇ લિમિટેડ (Biological E) હૈદરાબાદ સ્થિત વેકસીન મેન્યુફેક્ચરિંગ કંપની છે. આરોગ્ય મંત્રાલયે તેની સાથે કોવિડ -19 ની સ્વદેશી રસી માટે કરાર કર્યો છે.

પોલે વધુમાં જણાવ્યું હતું કે રસી ઉત્પાદકો દ્વારા ખાનગી ક્ષેત્રની (હોસ્પિટલો) માટે રસીના ભાવનો નિર્ણય લેવામાં આવશે. જ્યારે રાજ્યો ખાનગી ક્ષેત્રની વેક્સિનની માંગ પર નજર રાખશે. જેનો અર્થ છે કે તેઓ જોશે કે તેઓની પાસે સુવિધાઓનું નેટવર્ક કેવું છે, અને તેઓને કેટલી માત્રાની જરૂર છે.

વી.કે.પૌલને પૂછવામાં આવ્યું હતું કે શું ભારત સરકારે સુપ્રીમ કોર્ટનાં નિર્ણય પછી રસીકરણ માટે નવી માર્ગદર્શિકા રજૂ કરી છે? આ અંગે પોલે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટની ચિંતાને માન આપીએ છીએ, પરંતુ ભારત સરકાર વિકેન્દ્રિત મોડેલના અમલીકરણનું મૂલ્યાંકન 1 મેથી કરી રહી છે. વિશ્લેષણ અને પરામર્શને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ સોમવારે દેશને કરેલા સંબોધનમાં જાહેરાત કરી હતી કે 21 જૂનથી 18 વર્ષથી વધુ ઉંમરની દરેક વ્યક્તિને ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે. હેલ્થ મિનિસ્ટ્રીએ વેક્સિનેશન પ્રોગ્રામની નવી ગાઈડલાઈન બહાર પાડી છે. નવી ગાઈડલાઈન મુજબ કેન્દ્ર સરકાર વેક્સિન નિર્માતા કંપનીઓ પાસેથી 75% વેક્સિન ખરીદીને રાજ્યોને ફ્રીમાં આપશે. દરેક રાજ્યએ વેક્સિનનો બગાડ અટકાવવો પડશે, નહિંતર વેક્સિન સપ્લાઈ પર અસર પડશે. સાથે એમ પણ કહ્યું કે પ્રાઈવેટ હોસ્પિટલ માટે વેક્સિનની કિંમત કંપનીઓ જાહેર કરશે. એટલું જ નહીં કેન્દ્ર દ્વારા રાજ્યોને વેક્સિનના જેટલાં ડોઝ મળશે તેમાં રાજ્યોએ પ્રાથમિકતા નક્કી કરવાની રહેશે. વેક્સિનેશન માટે રાજ્ય સરકાર પોતાની હિસાબે પ્રાયોરિટી નક્કી કરી શકશે.

Most Popular

To Top