Madhya Gujarat

દાહોદમાં 1500 વિદ્યાર્થી સાથે સહાયના નામે છેતરપિંડી

          દાહોદ : દાહોદ જિલ્લામાં શિક્ષણ સહાયતાના નામે રૂપિયા પડાવવાનો કૌભાંડ  પકડી પાડવામાં આવ્યું છે. અંદાજે દાહોદ જિલ્લાના 1500 જેટલા વિદ્યાર્થીઓ સાથે સરકારી સહાયના નામે છેતરપિંડી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 5000 થી 10,000 હજાર રૂપિયાની સહાય આપવા માટેનો મેસેજ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના નામે ફરતો હતો. મેસેજ પ્રમાણે પ્રત્યેક વિદ્યાર્થી દીઠ સંસ્થાએ 100 રૂપિયાનો મની ઓર્ડર મંગાવ્યો હતો અને આ વિદ્યાર્થીઓ મની ઓર્ડર કરી પોતાના આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ લઈને પોસ્ટ ઓફિસ પહોંચ્યા હતા જો કે, પોસ્ટ ઓફિસ પર ગયા બાદ વિદ્યાર્થીઓને છેતરાયા હોવાનો અનુભવ થઈ ગયો હતો.

દાહોદ જિલ્લામાં ધોરણ 1થી 12ના અને કોલેજ તેમજ અન્ય કોર્સ માટે વિદ્યાર્થીઓને 5 થી 10 હજાર સુધીની સહાય વિદ્યાર્થી એજ્યુકેશન સહાય ચેરીટેબલ ટ્રસ્ટ નડિયાદ દ્વારા કરવામાં આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આવા ફોર્મ દાહોદ જિલ્લામાં ફરતા થયા હતાં જેમાં આ સહાય લેવા માટે રૂ.100ની રજિસ્ટર એડી કરવાનું કહેવામાં આવ્યું છે ત્યારે જિલ્લાના સેંકડો લોકોએ આ સહાય મેળવવા માટે રૂ.100 મોકલ્યા છે જેને માટે પોસ્ટ ઓફિસોમાં પણ ભારે ભીડ જોવા મળી હતી જો કે, તપાસ કરતાં ફોર્મ પર આપવામાં આવેલો નંબર બંધ હોવાનું જણાતાં લોકોમાં શંકા ઘર કરી રહી છે.

નોંધનીય છે કે, અત્યાર સુધી આવા 1500થી વધુ લોકોએ ફોર્મ ભરી કવરમાં 100 રૂપિયા મુકીને સ્પીડપોસ્ટ કે રજિસ્ટએડી કર્યાં છે. સરકારની આવી કોઈ યોજના નથી તો આ ટ્રસ્ટ દ્વારા ફોર્મ સાથે 100 રૂપિયા અને ડોક્યુમેન્ટ લેવાઇ રહ્યાં છે તે લાલચ કે અયોગ્ય તો નથી તે અંગેની તપાસ અનિવાર્ય બની છે. દાહોદ જિલ્લામાં એજ્યુકેશન સહાય મેળવવા માટેનું ફોર્મ ભરવા માટે પોસ્ટ ઓફિસ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઠેર ઠેર ઘસારો જોવા મળ્યો હતો જ્યારે કોઈ પણ જાતની સરકારની જાહેરાત વિના ફોર્મ પણ બજારમાં વેચવા લાગ્યા છે. સરકાર દ્વારા 550થી 800 રૂપિયા સુધીની ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે.

ત્યારે નડિયાદની આ વિદ્યાર્થી એજ્યુકેશન સહાય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 5 હજારથી માંડીને 10 હજાર સુધીની સહાય મેળવવા માટેનું ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે જેમાં લાઇટ બિલ, રેશનકાર્ડ, આધારકાર્ડ, બેંક પાસબુકની નકલ, માર્કશીટ અને બે વોટ્સએપ નંબર સાથેનું ફોર્મ પોસ્ટ ઓફિસ દ્વારા જ સ્વીકારવામાં આવે છે. આ ફોર્મ ભરીને તેના ડોક્યુમેન્ટ સાથે લોકો કવરમાં 100 રૂપિયા પણ મુકી રહ્યા છે.દાહોદ જિલ્લામાં આવેલ સંજેલી પોસ્ટ ઓફિસના સત્તાધીશો પાસેથી જાણવા મળ્યા અનુસાર, સંજેલી પોસ્ટ ઓફિસ ખાતે પાછલા ૧૫ દરમિયાન વિદ્યાર્થી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ નડિયાદના નામે આશરે ૭૦૦ જેટલા રજીસ્ટ્રેશન થયેલ છે.

Most Popular

To Top