મે મહિનામાં સતત આઠમા મહિને જીએસટીની ( GST) વેરા વસૂલાત રૂ. એક લાખ કરોડની ઉપર રહી છે, જે એ વાતનો સંકેત આપે છે કે દેશમાં કોવિડના ( COVID) ચેપના કેસોના વિનાશક બીજા મોજાની અર્થતંત્ર પર અસરો મર્યાદિત રહી છે.
સામાનના વેચાણ અને સેવાઓ પુરી પાડવા પર લેવામાં આવતા વેરાની વસૂલાત મેમાં રૂ. ૧.૦૨ લાખ કરોડ હતી જે એપ્રિલ ૨૦૨૧ કરતા ૨૭ ટકા ઓછી છે, પણ મે ૨૦૨૦ કરતા ૬પ ટકા વધારે છે જ્યારે દેશ સંપૂર્ણ લૉકડાઉન ( LOCKDOWN) હેઠળ હતો અને અર્થતંત્ર પર તેની ઘણી અસર થઇ હતી. મે ૨૦૨૧માં જીએસટીની આવકની કુલ વસૂલાત રૂ. ૧૦૨૭૦૯ કરોડ હતી જેમાંથી સીજીએસટી રૂ. ૧૭૫૯૨ કરોડ, એસજીએસટી રૂ. ૨૨૬પ૩ કરોડ, આઇજીએસટી રૂ. પ૩૧૯૯ કરોડ(જેમાં સામાનની આયાત પર વસૂલાયેલા રૂ. ૨૬૦૦૨ કરોડ સમાવિષ્ટ છે) અને સેસ રૂ. ૯૨૬પ કરોડ (જેમાં સામાનની આયાત પર વસૂલાયેલ રૂ. ૮૬૮ કરોડનો સમાવિષ્ટ) છે. એમ નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. વસૂલાતના આંકડાએ રૂ. ૧ લાખ કરોડ વટાવ્યો છે જે એ હકીકત છતાં થયું છે કે રોગચાળાને કારણે મોટા ભાગના રાજ્યો કડક લૉકડાઉન હેઠળ રહ્યા હતા એમ નાણા મંત્રાલયે જણાવ્યું હતું.
ડેલોઇટ ઇન્ડિયાના વરિષ્ઠ ડિેરેકટર એમ. મણીએ જણાવ્યું હતું કે એપ્રિલ ૨૧ના મહિનાને લગતી જીએસટી વસૂલાત રૂ. ૧ લાખ કરોડની ઉપર રહી છે તે એ વાત સૂચવે છે કે અર્થતંત્ર પર લોકડાઉનની અસર ધાર્યા કરતા ઘણી ઓછી રહી છે. અન્ય કેટલીક સંસ્થાઓના આર્થિક નિષ્ણાતોએ પણ આ પ્રકારનો જ સૂર કાઢ્યો છે.
રિટર્ન ભરવા માટેની લંબાવેલી તારીખો પૂરી થાય પછી ખરેખરી આવક આના કરતા પણ વધુ થવાની શક્યતા
જ્યારે પ કરોડ રૂ. કરતા વધુ ટર્નઓવર (TURNOVER) ધરાવતા કરદાતાઓએ તેમના રિટર્નો ૪ જૂન સુધી ભરવાના હતા, જે આ છૂટ ન હોત તો તેમણે મે ૨૦ સુધી ભર્યા હોત, રૂ. પ કરોડ કરતા ઓછું ટર્નઓવર ધરાવતા નાના કરદાતાઓ પાસે હજી તેમના રિટર્નો કોઇ પણ લેટ ફી અને વ્યાજ ભર્યા વિના ફાઇલ કરવા માટે જુલાઇના પ્રથમ સપ્તાહ સુધીનો સમય છે, અને આ કરદાતાઓ પાસેથી આવનારી આવક ત્યાં સુધી મુલતવી રહેશે. મે ૨૦૨૧ના મહિનાની ખરેખરી આવક આથી આના કરતા વધારે ઉંચી હશે અને તે ત્યારે જ જાણી શકાશે જ્યારે લંબાવેલી તારીખો પુરી થાય એમ મંત્રાલયે વધુમા઼ જણાવ્યું હતું.