તમારી સામે મઘમઘતી મીઠાઈઓનો થાળ હોય, તો તમે પોતાની જાતને તેને ખાતા નહીં રોકી શકો. મીઠાઈ જોતા જ મન લલચાય છે અને મોઢામાં પાણી આવી જાય છે. દિવાળી હોય કે રક્ષાબંધન કે લગ્ન પ્રસંગ હોય આ બધા જ પ્રસંગો સ્વિટ્સ વગર અધુરા હોય છે. ચંદની પડવો હોય ત્યારે ઘારી ખરીદવા માટે સુરતીઓ મીઠાઈની દુકાનો પર લાંબી લાઈનો લગાવી દે છે. 100 વર્ષ પહેલાં સુરત ચોકથી લઈને સ્ટેશન સુધીનું હતું. ત્યારે સુરતમાં એક લાખ 19 હજાર જેટલાં જ લોકો વસતા હતાં. એ વખતના સુરતમાં મીઠાઈની દુકાનો પણ આંગળીના વેઢે ગણી શકાય એટલી જ હતી. ત્યારે પણ મીઠાઈઓ ખરીદવા દુકાનો પર લાઈનો લાગતી અને આજે પણ મીઠાઈઓ માટે દુકાનો પર વાર તહેવારે લાઈનો લાગે છે. આ જ તો સુરતીઓનો મીઠાઈઓ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. સુરતીઓના મીઠાઈના પ્રેમને પારખીને જ 115 વર્ષ પહેલાં ભાગળ ચાર રસ્તા નજીક રણછોડની મીઠાઈ નામની દુકાનનો પાયો નખાયો હતો. ત્યારથી લઈને આજે પણ આ દુકાનમાં અવનવી મીઠાઈઓ સાથે મેંદા, રવાની સાદી અને જીરા, મરી, મીઠા વાળી પુરી મળે છે. જે સવારે સુરતીઓ ચા સાથે ખાવાનું પસંદ કરે છે. આ દુકાનના ક્યા-કયા પકવાન, સ્વિટ્સ સુરતીઓની પસંદ છે ? વિદેશ વસેલા સુરતીઓ રણછોડની કઈ મીઠાઈઓ સાત સમંદર પાર લઈ જાય છે ? તે આપણે આ દુકાનની છઠી અને સાતમી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ….
દહીથરા લગ્નની વિધિમાં મુકવાની જૂની પરંપરા છે: દિલીપકુમાર બરફીવાલા
આ દુકાનના છઠ્ઠી પેઢીનાં સંચાલક દિલીપકુમાર નટવરલાલ બરફીવાલાએ જણાવ્યું કે, લગ્નની વિધિ જ્યારે બ્રાહ્મણ કરતા હોય છે ત્યારે દહીથરૂ વિધિમાં રાખતા હોય છે. શહેરમાં આ જૂની પરંપરા હજી પણ ચાલુ છે જ્યારે ગામડામાં આ પરંપરા વિસારે પડી છે. લોકો લગ્ન પ્રસંગ વખતે ખાસ આ દુકાનમાં દહીથરા લેવા આવે છે. દહીથરૂ મેંદો, રવા અને ઘી થી બને છે. પહેલાં પ્રસંગોમાં શ્રીખંડની સાથે તે ખાતા. ગામડાઓમાં આ પરંપરા રહી નથી. દહીંથરામાં એવી કોઈ વસ્તુનો ઉપયોગ નથી થતો જેનાથી દહીથરૂ બગડી જાય એટલે જ તે મહિના સુધી પણ રહી શકે છે.
N.R.I. સાલમપાક, મેથીપાક લઈ જાય છે: નિલય બરફીવાલા
આ દુકાનના સાતમી પેઢીનાં સંચાલક નિલય દિલીપકુમાર બરફીવાલાએ જણાવ્યું કે U.S.A., ન્યુઝીલેન્ડમાં વસેલા સુરતી N.R.I. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં સુરત આવે છે ત્યારે તેઓ અમારી દુકાનમાંથી સાલમપાક, મેથીપાક, તિરંગી બરફી, દૂધીનો હલવો પાછા ફરતી વખતે લઈ જાય છે. રવા, મેંદાની પુરી પણ સ્પેશ્યલ ઓર્ડર આપીને બનાવે છે. ડ્રાયફ્રૂટ મગદળની ડીમાંડ પણ કરે છે. જ્યારે આવા N.R.i. અમારી દુકાને મીઠાઈ લેવા આવે ત્યારે કહેતા હોય છે કે તેમના પિતા, તેમના દાદા પણ આ જ દુકાનની મીઠાઈઓ પસંદ કરતાં. અહીં મીઠાઈ જ માત્ર નથી મળતી સાથે ઉત્તમ ગુણવત્તાનો વિશ્વાસ પણ મળે છે.
નટવરલાલ અને સાકરલાલ બરફીવાલાએ ધંધાનો વિસ્તાર કર્યો
આ દુકાનના પાંચમી પેઢીનાં સંચાલક રહેલા નટવરલાલ અને તેમના ભાઈ સાકરલાલ સોમાભાઈ બરફીવાલાએ સુરતીઓને જાત-જાતની અને ભાત-ભાતની મીઠાઈઓનો ટેસ્ટ મળે તે માટે દુકાનમાં દૂધીનો હલવો, મોહનથાળ, માવાની મીઠાઈઓ, ફ્લેવર્ડ વાળા હલવા જેમકે, દૂધ બદામ, ચીકુનો હલવો, તિરંગી હલવો, ચોકલેટનો હલવો આદિ મીઠાઈઓનો વધારો કર્યો. સુરતીઓને અહીંના ફ્લેવર્ડ વાળા હલવાનો સ્વાદ બહુ ભાવે છે.
દુકાનનો પાયો 115 વર્ષ પહેલાં રણછોડદાસ બરફીવાલાએ નાંખ્યો હતો
115 વર્ષ પહેલાં ભાગળ ચાર રસ્તા પાસે રણછોડદાસ વનમાળીદાસ બરફીવાલાએ આ દુકાનનો પાયો નાંખ્યો હતો. મીઠાઈઓ વેચતા હોવાથી અટક બરફીવાલા થઈ. એ સમયે મીઠાઈની દુકાનમાં ભાટિયા આવતા દૂધ બાળીને માવો બનાવતા હતા. એ માવાની ક્વોલિટી પ્રમાણે દૂધનો ભાવ નક્કી થતો હતો. ત્યારના સમયમાં બરફી,પેંડા,મગજ,ઘારી અને અમૃતપાક ખાવાનું લોકો પસંદ કરતા. ત્યારે રણછોડદાસ દુકાનમાં સેવ-મમરા અને ભુસું પણ વેચતા. તેના માટે પણ દુકાન પર લોકોની લાઇન લાગતી.
વાડી ફળિયા બાજુ છોકરીના મેરેજ નક્કી થતા તો શહેરમાં છોકરી પરણાવાની છે કહેતા
એ સમયે આ દુકાન નજીકથી કોટ શરૂ થતો. એટલે જ આ દુકાન નજીક પાછળની સાઈડને કોટ્સફિલ રોડ કહેવાય છે. ત્યારે વાડીફળિયા સાઈડને શહેર વિસ્તાર કહેતા અને ત્યાં છોકરીના લગ્નનું નક્કી થાય તો, છોકરીના ઘરના કહેતા કે દીકરીને શહેરમાં આપવાની છે. એ વખતે મેરેજમાં મોહનથાળ અને અમૃત પાક મુખ્ય મિષ્ઠાન ગણાતું. મેરેજવાળા ઘરના આ મીઠાઈનો થોકબંધ ઓર્ડર આપતાં.
SMC કમિશનર રાવના સમયમાં દુકાનની ફ્રન્ટનું બોર્ડ હટાવાયું હતું
દિલીપકુમાર બરફીવાલાએ જણાવ્યું કે, 1994માં સુરત મહાનગર પાલિકાના કમિશનર S.R.Rao હતા. તે સમયે રાજમાર્ગને પહોળો કરવા માટે દુકાનોનું ડિમોલિશન થયું હતું. ત્યારે રાવ સાહેબ રાજમાર્ગ પર ચાલતા ચાલતા જતા દુકાનોની સ્થિતિનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અમારી દુકાનનું બોર્ડ દુકાનથી આગળ પડતું દેખાતા તે કઢાવ્યું હતું.
પગપાળા યાત્રામાં વસ્તી નહીં હોય ત્યાં પણ ખાવાનું મળી જ જતું
દિલીપકુમાર બરફીવાલાએ જણાવ્યું કે તેમના કાકા સાકરલાલના પુત્ર એટલે કે મારા કાકા ભાઈ દિનેશચંદ્ર જેઓ અત્યારે હયાત નથી તેમણે એકવાર ચારધામની પગપાળા યાત્રા કરી હતી. દીનેશચંદ્ર બરફીવાલાએ સુરતથી રામેશ્વર,,પશુપતિનાથ, રણછોડરાય ડાકોર, અંબાજી, શ્રીનાથજી, જગન્નાથ પુરીની યાત્રા પગપાળા કરી હતી. તેમને જયાં વસ્તી નહીં હતી તેવી જગ્યાએ પણ ભગવાનની કૃપાથી ખાવાનું મળી જતું.
મુંબઈમા સુરતના હીરાના વેપારીઓ ડ્રાયફ્રુટનો મગદળ મંગાવે છે
દિલીપકુમાર બરફીવાલાએ જણાવ્યું કે, શિયાળામાં મુંબઈમાં ઓફિસ હોય તેવા સુરતના હીરાના વેપારીઓ ફોન કરીને ડ્રાયફ્રૂટ મગદળ મંગાવે છે. જેમને સાલમપાક નથી ભાવતો તેઓ મગદળ ખાવાનું પસંદ કરે છે કારણકે તે પચવામાં હલકો હોય છે. શિયાળામાં અમે ઓર્ડરથી મગદળ બનાવીએ છીએ. મૈયત થયું હોય ત્યારે 11માં, 12માંની વિધિ માટે પણ મગદળ લઈ જવામાં આવે છે. શ્રદ્ધામાં વાસ નાખવા અને બ્રાહ્મણને આપવા પણ લોકો મગદળ લઈ જતા હોય છે. મગદળ મગની દાળનો લોટ દળેલી ખાંડ, ઘી અને ડ્રાયફ્રુટનો બને છે. પણ લોકો મગદળ લઈ જતા હોય છે.
પહેલાં ધારી 90 રૂપિયે કિલો વેચાતી અને સ્વિટ્સ 70 રૂ. કિલો
1970ની આસપાસનો સમય સોંઘવારીનો હતો. ત્યારે માવાની સ્વિટ્સ 70 રૂપિયે કિલો વેચાતી. જ્યારે અત્યારે માવાની મીઠાઈઓ 480 રૂપિયે કિલો વેચાય છે. એ સમયમાં ઘારી 90 રૂપિયે કિલો વેચાતી. અલગ-ઓગ વેરાયટીની ઘારીના ભાવ અલગ હોય છે. કેસર,બદામ,પીસ્તા ઘારીનો ભાવ 660 રૂપિયાનો છે. દહીથરા, ફરસીપુરી, ખાજલી, મૈસુર પાક, મોહનથાળ, ગગન ગાંઠીયા પકવાનમાં ગણાય છે.
2006ની રેલમાં દોઢ લાખ રૂપિયા માલને નુકસાન થયું હતું
ઓગસ્ટ 2006માં સુરતમાં આવેલી ભયંકર રેલની યાદો તો સુરતીઓના દિલો-દિમાગ પર કાયમ માટે ઘર કરી ગઈ છે. દિલીપકુમાર બરફીવાલાએ જણાવ્યું કે આ રેલની થાપટ તેમને પણ પડી હતી. એ રેલ આવી એના 2 દિવસ બાદ રક્ષાબંધન હતી. એટલે ઘણી બધી મીઠાઈઓ બનાવી હતી. પણ પૂરના પાણી દુકાનમાં ફરી વળતા આ મીઠાઈઓ ખરાબ થઈ ગઈ હતી. મીઠાઈઓ ઉપરાંત ફર્નિચરને તથા મીઠાઈના બોક્સ અને રો-મટિરિયલને સહિત દોઢ લાખ રૂપિયાના માલને પણ નુકસાન થયું હતું. રેલના પાણી ઉતર્યા બાદ દુકાનમાં જામેલા કાદવના થરની સફાઈમાં સમય લાગ્યો એટલે દુકાન 15 દિવસ બાદ ચાલુ કરી હતી.
લોકડાઉનને કારણે 20-25 હજાર રૂ.ની મીઠાઈ ફેંકવી પડી
નિલયભાઈએ જણાવ્યું કે, કોરોનાની મહામારીમાં અચાનક લાગુ પડેલા લોકડાઉનને કારણે 20થી 25 હજાર રૂ. કિંમતની મીઠાઈઓ બગડી જતા ફેંકી દેવી પડી હતી. 45 દિવસ લોકડાઉન રહેતા આર્થિક નુકસાન વેઠવું પડેલું. એ સમય એવો હતો કે લોકો બહારનું ખાતા ડરતા હતાં. વળી, 45 દિવસ બાદ દુકાનો તો ખુલી પણ સાંજે 4 વાગે તો દુકાન બંધ કરી દેતા. કોરોના કાળમાં લોકોને ધંધો-રોજગાર ચોપટ થતા રડતા જોયા હતા.
તમારા જેવા ખાજા અમને ક્યાં મળશે?
નિલયભાઈએ જણાવ્યું કે, કેરીની સિઝનમાં મોળા ખાજા, મેંગો ખાજા, મીઠા ખાજા, ઘેવર અને સુતરફેણી ખરીદવા રાંદેર, અડાજણ, પરવત પાટીયા, કતારગામથી ગ્રાહકો આવે છે. જો સ્ટોક ખલાસ થઈ ગયો હોય તો તમારા જેવા ખાજા અમને ક્યાં મળશે એવું ગ્રાહકો કહેતા હોય છે. ધુળેટીના દિવસે અમારી દુકાનમાં ગ્રાહકોની શ્રીખંડ અને રવા-મેંદાની પુરી ઉપરાંત ઘેવરની ડીમાંડ વધારે રહે છે. અમે પુરી અને ઘેવરનું વેચાણ ઘરેથી પણ કરીઅે છીએ. જેની જાણ ગ્રાહકોને હોવાથી તેઓ ધુળેટીના દિવસે ઘરે પણ પુરી તથા ઘેવર લેવા આવે છે.