સુરત: (Surat) રાજ્યમાં ટ્રક સિવાયના ટ્રાન્સપોર્ટના (Transport) વાહનો એટલે કે ઓટો રિક્ષા, સ્કૂલવેન, લક્ઝરી બસ, એસટીની બસ, ટેમ્પો, સહિતના વાહનોના ડોક્યુમેન્ટ આરટીઓમાં જમા કરાવી વાહનોની ફિટનેસ ટેસ્ટ વિના ફિટનેસ સર્ટિફિકેટ (Fitness certificate) આપવામાં આવતા હોવાની ફરિયાદો પછી વાહન વ્યવહાર કમિશનરે ફિટનેસ સેન્ટરમાં વાહનોના ફિટનેસની ચકાસણી પછી જે તે આરટીઓ કચેરીના અધિકારીઓને રૂબરૂ વાહન ફિટનેસની ચકાસણી કરવા આદેશ આપ્યો છે.
વાહન વ્યવહાર કમિશનરે આ કામગીરી પર મોનિટરિંગ રાખવા અને સેન્ટ્રલાઇઝ ડેટા ભેગો કરવા એમપરિવહન-સુહાસ નામની એપ પર વાહનના સ્ટિયરિંગ, ટાયર હેડલાઇલ ફ્રન્ટ અને સાઇડના છ ફોટો અપલોડ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. સુરતના ઇન્ચાર્જ આરટીઓ હાર્દિક એ. પટેલે જણાવ્યું હતું કે, વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા જે ગાઇડલાઇન નક્કી કરવામાં આવી છે તે મુજબ ટ્રાન્સપોર્ટના તમામ વાહનો હવે ફિઝિકલ ફિટનેસ માટે માસમા ફિટનેસ સેન્ટર ખાતે મોકલવામાં આવશે. ત્યાંથી ફિટનેસ ક્લિયર થયા પછી વાહનોના છ ફોટા સુહાસ એપ પર અપલોડ કર્યા પછી વાહનની સ્થિતિ રૂબરૂ બતાવવા પાલ આરટીઓ કચેરીએ આવવુ પડશે.
જ્યાં એપ પર અપલોડ થયેલી વિગતની ચકાસણી કર્યા પછી ફિટનેસ સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ભૂતકાળમાં ટ્રક સિવાયના વાહનો માસમા ફિટનેસ સેન્ટર લઇ ગયા વિના ડોક્યુમેન્ટ રજૂ કરી વાહનોની ચકાસણી વિના સર્ટિ. મેળવી લેવામાં આવતા હતાં. તે પછી વાહન અકસ્માતના કિસ્સાઓમાં ફિટનેસ સર્ટિને લઇ કાનૂની મામલાઓ ઉભા થતા હતાં. તેને લઇ સરકારે સંપૂર્ણ ફિટનેસની પ્રક્રિયા ચૂસ્ત બનાવી છે.