હથોડા: કોસંબા (Kosamba ) ગ્રામ પંચાયત (Gram Panchayat) કચેરીમાં થોડા સમય પહેલાં સરકારના ધારાધોરણ પ્રમાણે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી (Application) કરી જાગૃત નાગરિક જાહિદ સિદ્દીક શેખ દ્વારા માહિતી માંગવામાં આવી હતી.
- મારા સોગંદનામાને મરણોત્તર નિવેદન તરીકે પુરાવારૂપે તપાસના કામે રેકર્ડ પર લેજો: જિલ્લા વડાને એફિડેવિટ રજૂઆત
- કોસંબા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર મુદ્દે માહિતી માંગનાર અરજદાર જાહિદ સિદ્દીક શેખને મોતનો ભય
કોસંબા ગ્રામ પંચાયત કચેરીમાં પંચાયતના જૂના સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર (Corruption) આચરવામાં આવ્યો હોવાનો તેમજ કોસંબા ગ્રામ પંચાયત સરવે નં.229 પૈકી 2 વાળી જમીનના તળાવમાંથી માટીખનન પ્રવૃત્તિ બાબતે માંગરોળના ટીડીઓ અને સુરત કલેક્ટરને કોસંબાના નાગરિક જાહિદ સિદ્દીક શેખે તપાસની માંગ કરતી લેખિત ફરિયાદ આપી હતી. જેનું વેરઝેર રાખી અરજદારને ચૂપ કરવા માટે તેમજ કોસંબા ગ્રામ પંચાયત કચેરીમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડત બંધ કરાવવા કોસંબા ગ્રામ પંચાયતના માજી સરપંચ, માજી ડેપ્યુટી સરપંચ અથવા તેમના મળતિયાઓ જાનથી મારી નાંખે તેવી દહેશત ભરી એફિડેવિટ સાથેની ફરિયાદ સુરત જિલ્લા પોલીસ વડાને કરવામાં આવેલી છે.
જાહિદ સિદ્દીક શેખે કરેલી લેખિત ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, મારું કોઈપણ પ્રકારે અપમૃત્યુ કે અકસ્માત મોત થાય તો કોસંબા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ તથા ઉપ સરપંચ અને તેમના મળતિયાઓની જવાબદારી રહેશે. અંતમાં વધુમાં જણાવ્યું છે કે, આ મારા સોગંદનામાને અમારા મરણોત્તર નિવેદન તરીકે પુરાવારૂપે તપાસના કામે રેકર્ડ પર લેવા વિનંતી છે. કોસંબા ગ્રામ પંચાયત કચેરીમાંથી માહિતી માંગનાર અને ભ્રષ્ટાચારના પોપડા ઉખેડવા મેદાને પડેલા અરજદારે પોતાનું મોત થાય તેવી સુરત જિલ્લા પોલીસ વડાને દહેશત ભરી એફિડેવિટ ફરિયાદ કરતાં કોસંબા સહિત માંગરોળ તાલુકામાં ખળભળાટ મચી ગયો છે.
માંડવીના પુનામાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત
માંડવી: માંડવીના પુના ગામના પટેલ ફળિયામાં રહેતા અને મૂળ વ્યારાની સરિતાનગર સોસાયટીના આશિષ કનુસિંગ ચૌધરી (ઉં.વ.41) પેટ્રોલ પમ્પ નજીક વાહન સર્વિસ સ્ટેશન પાસે કાર નં. (GJ-26-A-2811) લઈને જતા હતા. એ દરમિયાન અચાનક પલ્સર બાઈક નં.(GJ-19-AJ-5223)નો ચાલાક અશોક સોની તેમના મિત્ર સાથે બાઈક પર દારૂની બોટલો લઈ માંડવીથી અરેઠ તરફ જતાં પૂરઝડપે હંકારતાં કાર સાથે ભટકાયો હતો. અને બાઈક પર મૂકેલી વિદેશી દારૂની બોટલના કાચ ઘૂસી જતાં ગંભીર ઈજા થવાથી માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ વધુ ઈજા હોવાથી બારડોલી ખસેડાયો હતો. આ બાબતે માંડવી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.