આણંદ : આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના ગુરુવારના રોજ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સવારથી વાતાવરણ વાદળછાયું થતા ગરમીમાં રાહત મળી હતી. જોકે વરસાદી વાતાવરણ થતા ખેડૂતો ચિંતામાં પડ્યા હતા, જ્યારે આવનારા પાંચ દિવસોમાં વરસાદી વાતાવરણની સાથે છુટોછવાયો વરસાદ પડવાની શક્યતા રહેલી છે.
આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ગરમી વધી ગઇ છે. જોકે ગુરુવારના રોજ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. સવારથી વાદળછાયું વાતાવરણ થતા ગરમીમાં આંશીક રાહત મળી હતી. જેથી તાપમાનમાં એક – બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આવનારા પાંચ દિવસ દરમિયાન વરસાદી વાતાવરણના સાથે સાથે અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બનસના કારણે તેની અસર રાજસ્થાન અને ગુજરાત પર જોવા મળી રહી છે. જેના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 24.5 ડિગ્રી, ભેજનું પ્રમાણ 81 અને 6.5 પ્રતિકિલોમીટરની ઝડપે પવન ફુકાયો હતો. આ અંગે હવામાન વિભાગના જણાવ્યાનુંસાર, કમોસમી વરસાદ પડતા નાની – નાની કેરી ખરી પડવાની શક્યતા રહેલી છે. સાથે સાથે ઉભા પાક જેવા કે બાજરી, ઘસચારા વગેરે જે કાપણી પર આવ્યા છે તેને પણ નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે.