Gujarat Main

કલોલમાં ભયંકર અકસ્માત, બસ સ્ટેન્ડ પર ઉભેલા 5 મુસાફરોને બસે કચડી માર્યા

ગાંધીનગર: ગાંધીનગર (Gandhinagar) નજીક કલોલમાં (Kalol) આજે સવારે ભયંકર અકસ્માત (Accident) થયો હતો. અહીંના અંબિકા બસ સ્ટેન્ડ નજીક એક ફૂલસ્પીડમાં દોડતી લક્ઝરી એસટી બસે અકસ્માત સર્જયો હતો. બસની રાહ જોઈને ઉભેલા મુસાફરોને બસે કચડી નાંખ્યા હતા. આ અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 7ને ગંભીર ઈજા પહોંચી હતી. તેઓને કલોલના હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.

અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થયા હતા. કેટલીક યુવતીઓએ હિંમત દાખવીને ઈજાગ્રસ્ત લોકોની મદદ કરી હતી. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં સાવન દરજી નામના એક યુવકનું મોત નિપજ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સાવન ડિપ્લોમાનો સ્ટુડન્ટ હતો અને આવતા મહિને અમેરિકા જવાનો હતો.

અકસ્માત કેવી રીતે થયો?
આજે સવારે કલોલના અંબિકા બસ સ્ટેન્ડ પર એક એસટી બસ રોડ પર ઉભી હતી. તેની આગળ બસ સ્ટેન્ડ પર મુસાફરો બસની રાહ જોઈને ઉભા હતા, ત્યારે પાછળથી એક લક્ઝરી બસ ફૂલસ્પીડમાં આવી હતી અને એસટી બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બસ એક દમ આગળ વધી હતી અને આગળ બસ સ્ટેન્ડ પાસે ઉભેલા મુસાફરોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ચાર મહિલા સહિત પાંચ મુસાફરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

બસમાં ચઢવા જતા મુસાફરો કચડાયા
DYSP પી.ડી. મનવરે જણાવ્યું કે, બસ સ્ટેન્ડ પાસે અમદાવાદ જતી ST બસ મુસાફરોને લેવા માટે ઉભી હતી. એ દરમિયાન પાછળની એક બસ આવી હતી અને STને ટક્કર મારી હતી. આ દરમિયાન બસમાં ચઢવા માટે જે મુસાફરો ઊભા હતા તેઓ કચડાયાં હતા. બસ સ્ટેન્ડ સાથે અથડાતા ઘટના સ્થળે જ 4 લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને અન્ય મુસાફરોને ઈજા પહોંચી હતી. કુલ 5 લોકોના મોત થયા છે. આ પાંચ લોકોમાં એક મહિલ, એક બાળક અને ત્રણ પુરૂષ છે.

Most Popular

To Top