Editorial

કમોસમી વરસાદ કે માવઠાથી ખેડૂતોને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તો વળતર મળવું જોઈએ

ગુજરાતમાં શિયાળાની શરૂઆત થાય તે પહેલાં જ માવઠાની શરૂઆત થઈ ગઈ છે. 26 નવેમ્બરની સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે હજી આવનારા 24 કલાક રાજ્ય માટે ભારે છે અને અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગે ગુજરાતના વિવિધ ભાગોમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી આપી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ભાગો સામેલ છે.

સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમેરેલી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ પણ થઈ ગયો છે. અત્યાર સુધી ગુજરાતમાં વાતાવરણ શુષ્ક હતું પરંતુ એકાએક હવામાનમાં પલટો આવ્યો છે. આ સમયે વરસાદ પડતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે, કેમ કે હાલ ખેતરમાં મોલ ઊભો છે અને માવઠાને લીધે તેને નુકસાન થઈ શકે છે. ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પણ આ સિસ્ટમને કારણે વરસાદ પડશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ બધું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે થઈ રહ્યું છે.

હવે જાણવું જરૂરી છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કોને કહેવાય છે. ભૂમધ્ય સમુદ્ર કે કાસ્પિયન સમુદ્રમાંથી ઊઠતાં તોફાનોને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે અને ત્યાંથી તે ભારત સુધી આવે છે. ભારતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) ઉત્તર અને પશ્ચિમ ભારતમાં શિયાળામાં વરસાદ લાવે છે. આ એક પ્રકારના લૉ પ્રેશર છે અને તે પશ્ચિમ તરફથી પૂર્વ તરફ આવતા હોવાને કારણે તેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે પશ્ચિમ વિક્ષોભ કહેવામાં આવે છે. ભૂમધ્ય સાગર ભારતની પશ્ચિમમાં આવેલો છે અને તે તરફથી આ સિસ્ટમો ભારત પર આવે છે.

જ્યારે આ સિસ્ટમ ભારત પર પહોંચે છે ત્યારે તેની સાથે તે ભેજ લાવે છે અને તેના કારણે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતમાં બરફવર્ષા અને વરસાદ પડે છે. જ્યારે આ સિસ્ટમ મજબૂત હોય ત્યારે તેની અસર ગુજરાત સુધી થાય છે અને ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં તેના કારણે ભારે વરસાદ પણ થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ખાસ અસર ઉત્તર ભારતમાં થતી હોવાને કારણે તે રવી પાક માટે ખૂબ મહત્ત્વના બની રહે છે. તેના કારણે શિયાળામાં અને ચોમાસા પહેલાં વરસાદ પડે છે. ઉપરાંત અફઘાનિસ્તાન, પાકિસ્તાન તથા ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બરફ પડે છે, જેને કારણે ઠંડા થતા પવનો ગુજરાત તરફ આવે છે અને તે ગુજરાતમાં ઠંડી લાવે છે

સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે.  રાજ્યના 15થી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. આ માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાય છે.  કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. કપાસ, એરંડા, જીરું, ઘઉં અને તુવેર જેવા પાકોમાં ખેડૂતોને મોટું નુકશાન જવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
કપાસના છોડ ઉપર આવેલા ફૂલ ખરી ગયા છે અથવા હવે તે ખરી જશે. કપાસમાં વરસાદી અને ભેજવાળા વાતાવરણના કારણે ગુલાબી ઈયળ આવવાની પૂરી શક્યતા છે.

બીજી તરફ એરંડામાં પણ નવો પાક ખરી ગયો છે. એરંડામાં પણ ઘોડા ઈયળ આવશે. પરિણામે આ બંને પાક ફેલ જવાનું નક્કી છે. જે ખેડૂતોએ થોડા દિવસો પહેલા જીરું અને ઘઉંનું વાવેતર કર્યું હતું તેમને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. વાવેતર ઉપર ખેતરમાં પાણી ભરાયાં છે જેથી જીરું અને ઘઉંનું બિયારણ હવે બળી જશે. જીરુમાં વિઘે રૂ. 10 હજારનો ખર્ચ ખેડૂતોએ કર્યો હતો. કમોસમી વરસાદ પડતા પાક નિષ્ફળ ગયો છે. કપાસ અને એરંડામાં વિધે ઉતારો પણ હવે ઘટી જશે. અમદાવાદ જિલ્લાના ખેડૂતો માટે કમોસમી વરસાદ બરબાદી સાબિત થયો છે.

સમગ્ર રાજયમાં પડેલા કમોસમી માવઠાના કારણે ખેડૂતોના પાકને વ્યાપક પણે નુકસાની સહન કરવાનો વારો આવશે. કપાસ, એરંડા, જીરું, ઘઉં અને તુવેર જેવા પાકોમાં ખેડૂતોને મોટું નુકશાન જવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.  એરંડા,કપાસ,તુવેર અને ચણાના પાકમાં ભારે નુક્સાન થયું છે.  કપાસ અને એરંડાના તૈયાર પાકમાં નુકશાન થયું છે.  ખેડૂતોને 3થી 4 મહિનાની મહેનત પાણીમાં ગઈ છે.   ગોંડલમાં ગાજવીજ સાથે કમૌસમી વરસાદ વરસતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ વેપારીઓની કપાસ,ડુંગળી,મરચા સહિતની જણસીઓ પલળી જતાં નુકસાન થયુ છે. જોકે કમોસમી વરસાદની આગાહીને કારણે માર્કેટ યાર્ડ સત્તાધીશોએ યાર્ડમાં ખેડૂતોને માલ નહી લઈને આવવાની સૂચના આપી હતી. યાર્ડ સત્તાધીશોએ આપેલ સૂચનાઓનું વેપારીઓ અણગણતા જણસીને ભારે નુકસાન થયું છે. યાર્ડમાં વેપારીઓના વ્યાપક પ્રમાણમાં મરચા પલળી ગયાના અહેવાલ છે.

જોકે ખેડૂતોને જ કુદરતી મારની સૌથી વધુ અસર પડતી હોઈ છે. કુદરતી મારની અસર ઓછી હોઈ તેમ હવે નકલી બિયારણ, નકલી ખાતર અને નકલી જંતુનાશક દવાની નવી આફત ઊભી થઈ છે. કમોસમી વરસાદમાં સરકાર ખેડૂતોને ખેતરમાં ઉભેલા પાકને થયેલા નુકસાનનું જ વળતર આપે છે પરંતુ આ વખતે જે પાક ઉતારી લેવામાં આવ્યો છે તેને મોટું નુકસાન થયું છે.ખેતરમાં, માર્કેટ યાર્ડમાં કે પછી રસ્તામાં આ માલ પલળી ગયો છે. જોકે આવા પાક નો સર્વે જ નહીં થતો હોવાથી નુકસાન વળતરનો તો સવાલ જ ઊભો થતો નથી. એટલે સરકારે આવા તમામ નુકસાનમાં ખેડૂતોને વળતર આપવું જોઈએ. આ વાત હવે કોઈ એક વર્ષ માટેની નથી. દર વર્ષે કમોસમી વરસાદ અને માવઠું થાય જ છે. આ વાસ્તવિકતા સમજીને સરકારે  બજેટમાં જ આવી આફતો માટે જોગવાઇ કરી જ દેવી જોઈએ. ખેડૂતોને થતાં દરેક નુકસાનનું વળતર મળવું જ જોઈએ.

Most Popular

To Top