National

‘મોદી પર ખેડૂતોને વિશ્વાસ નથી’, ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું, આ શરત માની નહીં લેવાય ત્યાં સુધી ખેડૂત આંદોલન ચાલુ રહેશે

નવી દિલ્હી: (New Delhi) આજે સવારે રાષ્ટ્રજોગ સંબોધન કરતી વેળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ત્રણેય કૃષિ કાયદા (Farmers Law) પાછા ખેંચી લેવાની જાહેરાત કરી હતી. આ સાથે જ વડાપ્રધાન મોદીએ ખેડૂતોને આંદોલન (Farmers Protest) સમેટી લઈ પોતાના ઘરે પરત ફરવાની વિનંતી કરી હતી. આમ, છતાં ખેડૂતો આંદોલન સમેટવાના મૂડમાં હોય તેમ જણાતું નથી. વડાપ્રધાનની જાહેરાત બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) ચોંકાવનારી વાત કરી છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત હજુ પણ ખેડૂત આંદોલન બંધ કરવાના મૂડમાં નથી. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, ખેડૂત આંદોલન ખત્મ નહીં થાય. ટિકૈતના આ નિવેદનના લીધે એવું લાગી રહ્યું છે કે દિલ્હીની બોર્ડર હજુ પણ ખુલશે નહીં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ તરત જ રાકેશ ટિકૈતે એક ટ્વીટ કરી હતી. જેમાં ટિકૈતે લખ્યું કે આંદોલન તાત્કાલિક પાછું નહીં ખેંચી લેવાય. અમે તે દિવસની રાહ જોઈશું જ્યારે કૃષિ કાયદાને સંસદમાં રદ કરવામાં આવશે. સરકાર MSP ની સાથે સાથે ખેડૂતોના બીજા મુદ્દાઓ પર પણ વાતચીત કરે. બીજી તરફ એક ન્યૂઝ ચેનલ સાથેના ઈન્ટરવ્યૂમાં ટિકૈતે કહ્યું કે, હાલ તો વડાપ્રધાને સંકેત આપ્યા છે. નિર્ણય તો ત્યારે આવશે જ્યારે સંસદ દ્વારા કાયદો પાછો ખેંચી લેવાશે. આ ઉપરાંત સરકારે MSP અને વીજળી કાયદા મુદ્દે પણ ખેડૂતો સાથે ચર્ચા કરવી જોઈએ. શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત પર વિશ્વાસ નથી? તેવા પ્રશ્નનો જવાબ આપતા રાકેશ ટિકૈતે કહ્યું કે, મને હજુ પણ વિશ્વાસ નથી. 29 તારીખે સંસદમાં કાયદો પાછો ખેંચવાનો પ્રસ્તાવ મુકાય નહીં ત્યાં સુધી અમે કશે જવાના નથી.

નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ આ તરફ ભારતીય કિસાન યુનિયન ઉગરાહાંના નેતા જોગિન્દર સિંહ ઉગરાહાંએ કહ્યું કે, ગુરુ પર્વ પર કૃષિ કાયદો રદ કરવાની સારી પહેલ વડાપ્રધાને કરી છે. હવે તમામ ખેડૂત સંગઠનો એક સાથે બેસશે અને આગળની રણનીતિ ઘડશે.
નોંધનીય છે કે, છેલ્લાં 1 વર્ષથી દિલ્હીની બોર્ડર પર ખેડૂતો કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહ્યાં છે. ગરમી, વરસાદ અને ઠંડી ત્રણેય સિઝનમાં ખેડૂતો ખસી રહ્યાં નથી. આ આંદોલનમાં એક વર્ષમાં 700 ખેડૂતો મૃત્યુ પામ્યા છે, તેમ છતાં તેઓ હાર માની રહ્યાં નથી.

Most Popular

To Top