નેત્રંગ: (Netrang) નેત્રંગ તાલુકાના કેલ્વીકૂવા પંથકની સીમમાં એક ખેડૂતના ખેતરે (Farm) બનાવેલા ગાયોના કોઢારમાં દીપડાએ (Panther) રાત્રિના સમયે ત્રણ વાછરડાં પર જીવલેણ હુમલો કરતાં બે વાછરડાનું કોઢારમાં જ મોત થયું હતું. જ્યારે એકનો શિકાર કરી લઈ ફરાર થઈ જતાં ખેડૂતો, ખેતમજૂરો તેમજ પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
- કેલ્વીકૂવામાં દીપડાના જીવલેણ હુમલાથી ૩ વાછરડાંનાં મોત, લોકોમાં ભય
- વનવિભાગે દીપડાને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરી
નેત્રંગ તાલુકાના કેલ્વીકૂવાના ખેડૂત મયૂરભાઇ ભક્તની ખેતી કંબોડિયા ગામની સીમમાં આવેલી છે. તેઓ ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે. એટલે ખેતરમાં ઢોર-ઢાંખર માટે કોઢાર બનાવ્યું છે. રાત્રે દીપડાએ ખોરાકની શોધમાં ૩ વાછરડીનો શિકાર કર્યો હતો, જેમાં ૨ વાછરડીનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વાછરડીને દીપડો સાથે લઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં ખેડૂતે નેત્રંગ વનવિભાગના આરએફઓ સરફરાઝ ઘાંચીને જાણ કરતાં ખેતરમાં દીપડાને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી હતી. કેલ્વીકૂવા પંથકની સીમમાં અવરનવર દીપડા નજરે પડવાથી ખેડૂત, ખેતમજૂરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.