જમ્મુ કાશ્મીર: જમ્મુ (Jammu) અને કાશ્મીર (Kashmir) સરકારે બિટ્ટા કરાટેની (Bitta Karate) પત્ની સહિત 4 સરકારી કર્મચારીઓને (Government employ) બરતરફ (Dismissed) કર્યા છે. ચારેયને આતંકવાદ (Terrorism) સાથે સંબંધિત હોવાના કારણે સેવાઓમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. સરકારી સૂત્રોના હવાલાથી આ માહિતી બહાર આવી છે. નોંધપાત્ર વાત એ છે કે, બિટ્ટા કરાટે એ જ વ્યક્તિ છે જેણે 1991માં એક ટીવી ઈન્ટરવ્યુમાં 20થી વધુ કાશ્મીરી હિંદુઓની હત્યા કરવાની કબૂલાત કરી હતી. આ દરમિયાન તેણે એમ પણ કહ્યું કે તેણે 30-40થી વધુ કાશ્મીરી પંડિતોની હત્યા કરી હશે.
કરાટેની પત્ની 2011 બેચની JKAS ઓફિસર હતી
તમને જણાવી દઈએ કે, JKLFના ટોચના આતંકવાદી ફારુક અહમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટેની પત્ની અસબાહ અર્જુમંદ ખાન 2011 બેચની JKAS ઓફિસર હતી. જ્યારે મુહિત અહેમદ ભટ સાયન્ટિસ્ટ-ડી કાશ્મીર યુનિવર્સિટી તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત માજિદ હુસૈન કાદરી, સિનિયર આસિસ્ટન્ટ પ્રોફેસર કાશ્મીર યુનિવર્સિટી અને સૈયદ અબ્દુલ મુઈદ મેનેજર આઈટી, જેકેઈડીઆઈ તરીકે ફરજ બજાવતા હતા. ભારતના બંધારણની કલમ 311નો ઉપયોગ કરીને આ લોકોને દૂર કરવામાં આવ્યા હતા.
બિટ્ટા આતંકવાદનો સૌથી મોટો અને ક્રૂર ચહેરો હતો
90ના દાયકામાં કાશ્મીર ખીણમાંથી કાશ્મીરી પંડિતોએ મોટી સંખ્યામાં સ્થળાંતર કર્યું હતું. તે દરમિયાન બિટ્ટા કરાટેને આતંકવાદનો સૌથી મોટો અને ક્રૂર ચહેરો માનવામાં આવતો હતો. બિટ્ટા જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટનો અગ્રણી ચહેરો હતો. વર્ષો સુધી તેની ધરપકડ કરવામાં આવી ન હતી અને ખીણમાં કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન બિટ્ટાએ ઓછામાં ઓછા 20 કાશ્મીરી પંડિતોને પોતાના હાથે માર્યા હતા.
20 થી વધુ કાશ્મીરી પંડિતો માર્યા ગયા
1991માં પોતાના એક ઈન્ટરવ્યુમાં તેણે કબૂલ્યું હતું કે 1990માં તેણે 20થી વધુ કાશ્મીરી પંડિતોની હત્યા કરી હતી. તેમનો ઈન્ટરવ્યુ ટીવી પર પ્રસારિત થયો હતો. બિટ્ટા કરાટે ‘પંડિતોના કસાઈ’ તરીકે જાણીતો થયો હતો. આ ટીવી ઈન્ટરવ્યુમાં બિટ્ટા કરાટેએ સતીશ ટીક્કુની હત્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કબૂલાત કરી હતી કે તેણે સૌથી પહેલા સતીશ ટીક્કુની હત્યા કરી હતી. બિટ્ટા કરાટેએ કહ્યું કે તેને ઉપરથી આવું કરવાનું કહેવામાં આવ્યું હતું તેથી તેણે સતીશ ટીક્કુની હત્યા કરી હતી.