Editorial

ઉત્તર ભારતમાં પાણીની તંગી અંગેની નિષ્ણાતોની આગાહી ધ્રુજાવી દેનારી છે

અત્યારે દેશમાં ચોમાસુ ચાલી રહ્યું છે અને અનેક ભાગોમાં ઘણો વરસાદ થયો છે. અનેક વિસ્તારોમાં પૂર આવ્યા છે અને કેટલાક વિસ્તારોમાં પાણી જ પાણી દેખાઇ રહ્યું છે. પરંતુ ચોમાસુ કે વર્ષાઋતુ પુરી થયા બાદ થોડા જ મહિનાઓમાં દેશના  અનેક વિસ્તારોમાં પાણીનો કકળાટ શરૂ થઇ જશે. આનુ મુખ્ય કારણ એ છે કે વરસાદનું ઘણુ બધુ પાણી થોડા જ સમયમાં સમુદ્રમાં વહી જાય છે. દેશની ઘણી બધી નદીઓ એવી છે કે જેમાં વર્ષાઋતુમાં કંઇક પાણી દેખાય છે અને વર્ષના મોટા  ભાગ દરમ્યાન સૂકી ભઠ રહે છે.

તળાવો તથા અન્ય જળાશયોની પણ આવી જ સ્થિતિ છે. શહેરીકરણ વધ્યું હોવાને કારણે, પાકા રસ્તાઓ અને સિમેન્ટ કોન્ક્રીટના માળખાઓ વધ્યા હોવાને કારણે વરસાદનું પાણી જમીનમાં ઉતરવાનું પ્રમાણ  ઘટી ગયું છે અને ભૂગર્ભ જળનો વપરાશ  ઘણો બધો વધી ગયો હોવાને કારણે જમીનની નીચે પાણીના તળ ઉંડે ગયા છે. ઉત્તર ભારતમાં તો સ્થિતિ ઘણી જ ખરાબ છે અને તાજેતરમાં પ્રગટ થયેલો નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલ એક અભ્યાસ  સૂચવે છે કે ૨૦૬૦ સુધીમાં ઉત્તર ભારતમાં પાણીના જથ્થાની બાબતમાં સ્થિતિ સુધારી નહીં શકાય તેટલી હદે બગડી જશે. ફક્ત ઉત્તર ભારત જ નહીં પણ આપણા બે પાડોશી દેશો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિસ્તારો માટે પણ પાણીની  બાબતમાં ભયંકર આગાહી આ અભ્યાસમાં કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય સંશોધકોની એક ટુકડીએ નોંધ્યું છે કે તિબેટનો ઉચ્ચ પ્રદેશ, કે જે એશિયાના વોટર ટાવર તરીકે ઓળખાય છે તે ઢોળાવના વિસ્તારોમાં રહેતા બે અબજ જેટલા લોકોને તાજું પાણી પુરું પાડે છે. નેચર ક્લાઇમેટ ચેન્જ જર્નલમાં  સોમવારે પ્રકાશિત થયેલ આ અભ્યાસ લેખ સૂચવે છે કે નબળી હવામાન નીતિના કારણે આ પ્રદેશમાં તાજા પાણીના સંગ્રહમાં ફરીથી સુધારી નહીં શકાય તેટલી હદે ઘટાડો થશે. આને કારણે આ સદીના મધ્ય ભાગ સુધીમાં મધ્ય એશિયા અને  અફઘાનિસ્તાનમાં જળ પુરવઠો સંપૂર્ણ પડી ભાંગશે અને ઉત્તર ભારત તથા પાકિસ્તાનમાં સંપૂર્ણ પડી ભાંગવાની નજીક પહોંચી જશે.

જેમ ચાલે છે તેમ ચાલવા દોના માહોલમાં આપણે અશ્મિજન્ય ઇંધણ બાળવાની બાબતમાં અર્થપૂર્ણ કાપ  મૂકવામાં નિષ્ફળ ગયા છીએ. આપણે તિબેટના પ્રવાહોના ઢોળાવના વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધતા લગભગ ૧૦૦ ટકા પડી ભાંગવાની નજીક છીએ એમ મુજબ અમેરિકાના એક પ્રતિષ્ઠિત વાતાવરણ વૈજ્ઞાનિક મિશેલ માને જણાવ્યું હતું.  અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના કેટલાક દેશોમાં તો જળ સંગ્રહોની બાબતમાં સ્થિતિ સંપૂર્ણ પડી ભાંગવાની આગાહી છે અને ઉત્તર ભારત તથા પાકિસ્તનની બાબતમાં આ સ્થિતિ સંપૂર્ણ નહીં પડી ભાંગે તો પણ પડી ભાંગવાની નજીક તો  પહોંચી જશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

અહીં જળના સંગ્રહનો અર્થ ગ્લેશિયરો, કુદરતી તળાવો  અને ભૂગર્ભ જળ જેવા પ્રાકૃતિક સંગ્રહો ગણવાનો છે. ભારતના અનેક વિસ્તારોમાં પાણીની સખત તંગી સર્જાવાનું કારણ આ પ્રાકૃતિક  સ્ત્રોતોને થયેલા હાનિ જ છે. નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ અભ્યાસ વાજબી રીતે જ જણાવે છે કે પાણીની તોળાઇ રહેલ ભયંકર સમસ્યા પ્રત્યે ભારત અને તેના પાડોશી દેશોમાં પુરતી ચિંતા સેવવામાં આવી નથી અને પુરતી  તૈયારીઓ કરવામાં આવી નથી. સંશોધકોના જણાવ્યા મુજબ અગત્યતા હોવા છતાં તિબેટિયન ઉચ્ચ પ્રદેશમાં હવામાન પરિવર્તનની અસર પ્રાદેશિક જળ સંગ્રહ પર ભૂતકાળમાં કેવી થઇ હતી અને ભવિષ્યમાં કેવી થશે તેનો અભ્યાસ થયો  નથી. માન કહે છે કે તિબેટિયન ઉચ્ચ પ્રદેશ હવામાન પરિવર્તનનું હોટસ્પોટ હોવાનું લાંબા સમયથી વિચારાતું હોવા છતાં આ વિસ્તારના દેશોમાં નીતિ ઘડતર વખતે પણ પાણી અંગે કોઇ ખાસ પગલાઓ વિચારાયા નથી. સંશોધકોએ પોતાના  આ અભ્યાસ માટે ગ્લેશિયરો, તળાવો અને જમીનની નીચના જળ સ્ત્રોતોની માપણી સેટેલાઇટ આધારિત પ્રણાલી વડે કરી હતી અને પ્રાકૃતિક જળ સ્ત્રોતો અંગે તેમણે આપેલી ચેતવણીઓ હસી કાઢવા જેવી નથી.

ભારતમાં દુનિયાની ૧૮ ટકા જેટલી વસ્તી વસે છે જ્યારે તેની પાસે જળ સ્ત્રોતો આખી દુનિયાના જળ સ્ત્રોતોના માત્ર ૪ ટકા જેટલા જ છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતમાં વસ્તી ખૂબ વધી છે અને ઔદ્યોગિકરણ પણ ખૂબ વધ્યું છે. ખેતી માટે  પાણીના થતા વપરાશ ઉપરાંત ઉદ્યોગો માટે પણ પાણીનો વપરાશ વધ્યો છે. વિશાળ વસ્તી માટે જરૂરી એવો વપરાશ વધ્યો છે તે તો જુદો. બીજી બાજુ પાણીના પ્રાકૃતિક સ્ત્રોતોની સ્થિતિ બગડતી જાય છે આવા સંજોગોમાં પાણીની બાબતમાં  ભયંકર તંગીની સ્થિતિ સર્જાય જ.

મોટા બંધો જોખમી પુરવાર થતા હોવાને કારણે આવા બંધો બાંધવાનું હવે બહુ ઇચ્છનીય મનાતુ નથી. રિવર લિકિંગ યોજના વડે નદીઓને એકબીજા સાથે જોડવાની યોજનામાં પણ ઘણા ભયસ્થાનો જણાય  છે. આવા સંજોગોમાં જળ સંગ્રહ માટે સ્થાનિક રીતે પ્રયાસો હાથ ધરવાનું જ વધુ બહેતર જણાય છે અને તે દિશામાં હવે સઘન પ્રયાસો થાય તે માટેની મોટી ઝુંબેશ શરૂ કરવાની જરૂર છે. નાના તળાવો, કૂવા રિચાર્જ જેવા પગલાઓની ચર્ચા  ઘણી થાય છે પણ તે દિશામાં કામ ઘણુ ઓછું થાય છે. આ સાથે જ હવામાન પરિવર્તનની અસરને કારણે ટકાઉ પ્રાકૃતિક જળસ્ત્રોતોની કથળતી જતી સ્થિતિને રોકવાની જરૂર તો છે જ. જો હજી પણ નહીં જાગીશું તો ઘણી ભયંકર સ્થિતિ સર્જાશે.

Most Popular

To Top