ભગવાનના પરમ ભક્ત વૃદ્ધ બા. જીવન આખું હરિસેવા કરી અને સતત પ્રભુનું નામસ્મરણ. તેમનો અંતિમ સમય આવ્યો ત્યારે સ્વયં યમરાજ પોતે તેમના જીવને લેવા આવ્યા. બાએ યમરાજને પૂછ્યું, ‘તમે મને લેવા આવ્યા છો અને હું તમારી સાથે આવવા એકદમ તૈયાર છું પણ તમે મને એ તો કહો, હું ક્યાં જઈશ સ્વર્ગમાં કે નરકમાં?’ યમરાજ હસ્યા અને બોલ્યા, ‘માતા,તમે જીવનભર સાચા મનથી ઈશ્વરની ભક્તિ કરી છે એટલે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને એટલે હું પોતે તમને તેમના ધામમાં લઇ જવા આવ્યો છું.’
બા એ કહ્યું, ‘તમે મને સ્વર્ગ અને નરક દેખાડશો? બંનેમાં શું ફરક છે તે મારે જાણવું છે.’ યમરાજ બોલ્યા, ‘તમારી આ ઈચ્છા પણ પૂરી થશે.’આટલું કહી યમરાજ તેમને પહેલાં નરકમાં લઇ ગયા. ત્યાં સ્વાદિષ્ટ ખીર ભરેલું મોટું પાત્ર અને લાંબી લાંબી ચમચીઓ હતી પણ કોઈ લાંબી ચમચીમાં ખીર ભરીને પોતાના મોઢા સુધી લાવી શકતું ન હતું અને એકમેકને ધક્કા મારી ખીર ખાવાની કોશિશ બધાં કરતાં હતાં પણ કોઈ ખીર ખાઈ શકતું ન હતું.બધાં જ ભૂખ્યાં હતાં.
બા દુઃખી થયાં, યમરાજ તેમને સ્વર્ગમાં લઇ ગયા ત્યાં પણ સ્વાદિષ્ટ ખીર ભરેલું મોટું પાત્ર અને લાંબી લાંબી ચમચીઓ હતી પણ કોઈ લાંબી ચમચીમાં ખીર ભરીને પોતાના મોઢા સુધી લાવી શકતું ન હતું પણ બધા એકમેકને ચમચીથી ખીર ખવડાવતાં હતાં એટલે કોઈ ભૂખ્યું ન હતું,બધા ખુશ હતાં. આ વાર્તા કોઈ ને કોઈ રીતે સાંભળી અને વાંચી હશે. આ માત્ર વાર્તા નથી. અહીં મહત્ત્વનો સંદેશ છે કે સ્વર્ગ અને નરક જેવું ખાસ કંઈ હોતું નથી. ભગવાને બધાને સમાન પરિસ્થિતિ આપી છે.
ફરક છે માત્ર દૃષ્ટિકોણ, સમજ અને સહયોગનો. સ્વર્ગ અને નરક આપના વિચારો, વર્તન અને કર્મને આધારે સર્જાય છે. જીવનમાં બધાની પરિસ્થિતિ લગભગ સમાન હોય છે. કોઈને કોઈ સુખ અને કોઈને કોઈ દુઃખ બધાના જીવનમાં આવન જાવન કરતાં રહે છે. જે પ્રેમ અને એકમેક સાથે સહયોગથી જીવે છે તે હંમેશા સ્વર્ગમાં રહે છે. જે માત્ર સ્વાર્થને વશ થઈ પોતાનું વિચારે છે અને અન્યની મદદ કરતો નથી તે હંમેશા નરકમાં જ રહે છે. સાથ, સહકાર, સ્નેહ અને સહયોગ સ્વર્ગનાં દ્વાર છે. હંમેશા બીજાની મદદ કરતાં રહેવું.આ વિચાર અને સમજ તમને સ્વર્ગની અનુભૂતિ કરાવે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.