Business

એલોન મસ્કે ટેસ્લાના 7 બિલીયન ડોલરના શેર વેચતા ફરી આ ચર્ચા શરૂ થઈ

નવી દિલ્હી: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે (Elon Musk) ટેસ્લાના (Tesla) 7 બિલિયન ડોલરના શેર (Shares) વેચ્યા છે. અગાઉ એપ્રિલમાં મસ્કે 8.5 બિલિયન ડોલરના શેર વેચ્યા હતા. તે સમયે ટ્વિટર અને મસ્ક વચ્ચે અધિગ્રહણની પ્રક્રિયા ચાલી રહી હતી. મસ્કે આ જ સંબંધમાં તેના શેર વેચ્યા હોવાનું માનવામાં આવતું હતું. મસ્કના ઉપાડને કારણે વેચાણની પ્રક્રિયા પાછળથી અટકાવવામાં આવી હતી. હાલ મામલો કોર્ટમાં છે. 

  • એલોન મસ્કે શેર્સ વેચી 6.9 બિલિયન ડોલરની કમાણી કરી
  • બીજી વાર ટેસ્લાના શેર્સ મસ્કે વેચ્યા
  • ટ્વીટરની ખરીદી માટે શેર્સ વેચ્યાની અટકળો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે 7.92 મિલિયન શેર વેચ્યા છે. તેઓએ આ વેચાણથી 6.9 બિલિયન ડોલરની કમાણી કરી છે. એપ્રિલની શરૂઆતમાં, મસ્કે ટેસ્લાના શેર વેચીને 8.5 બિલિયન ડોલર એકત્ર કર્યા હતા. પછી મસ્કે કહ્યું કે તેની પાસે ટેસ્લાના વધુ શેર વેચવાની કોઈ યોજના નથી. આ પહેલા મસ્કે ટેક્સ ચૂકવવા માટે ટેસ્લાના શેર પણ વેચ્યા હતા.

ટેસ્લાના શેરના તાજેતરના વેચાણે ફરી એકવાર અટકળોને વેગ આપ્યો છે કે શું એલોન મસ્ક હજુ પણ માઇક્રોબ્લોગિંગ સાઈટ ખરીદવાની તૈયારી કરી રહ્યા છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મસ્ક ઈચ્છે છે કે જો કોર્ટના નિર્ણય બાદ તેને ટ્વિટર ખરીદવું હોય તો તે ખરીદી શકે. તેથી મસ્ક શેર્સ વેચી તેના માટે પૈસા ભેગા કરી રહ્યો છે.  

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એલોન મસ્કે 5 ઓગસ્ટથી 9 ઓગસ્ટ દરમિયાન ટેસ્લાના શેરનું લેટેસ્ટ વેચાણ કર્યું છે. આ વેચાણ પછી એલોન મસ્ક પાસે ટેસ્લા કંપનીના 155.04 મિલિયન શેર બાકી છે. તમને જણાવી દઈએ કે 20 જુલાઈના રોજ જાહેર થયેલા કંપનીના પરિણામો અનુસાર, કંપનીએ સારી કમાણી કરી છે, આ સમાચાર પછી કંપનીના શેરમાં લગભગ 15 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

નોંધનીય છે કે, ટ્વીટર ખરીદવા અંગેની માથાકૂટ લાંબા સમયથી ચાલી રહી છે. કોઈ ને કોઈ કારણોસર એલોન મસ્ક દ્વારા ટ્વીટરની ખરીદીમાં અવરોધ ઉભા થઈ રહ્યાં છે ત્યારે ફરી એકવાર એલોન મસ્ક દ્વારા ટેસ્લાના શેર્સનું વેચાણ કરવામાં આવતા અટકળો શરૂ થઈ છે. એ તો સમય જ બતાવશે કે ટેસ્લાના શેર્સ વેચીને જમા કરેલી રકમનું એલોન મસ્ક શું કરશે? હાલ તો બસ અટકળો અને ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે.

Most Popular

To Top