SURAT

સુરત શહેર-જિલ્લામાં આચારસંહિતાનો અમલ શરૂ, 48.23 લાખ મતદારો, 4530 મતદાન મથકો, પ્રશાસન તૈયાર

સુરત: (Surat) લોકસભા-2024ની ચૂંટણીના (Election) ઢોલ વાગી જતા આજે સવારથી સુરત જિલ્લા કલેકટર (Collector) તંત્ર પણ ફુલફલેઝ એકટિવ મોડમાં આવી ગયુ છે. દેશના ચૂંટણી પંચે આજે લોકસભાની ચૂંટણીઓની તારીખોનું એલાન કરતા જ સુરત શહેર જિલ્લામાં લોકસભાની ચૂંટણી કરાવવાની જવાબદારી જેના શિરે છે એ જિલ્લા કલેક્ટરેટના વડપણ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્રએ પોતાની વહીવટી કામગીરી આરંભી દીધી છે. મળતી માહિતી મુજબ સુરત શહેર જિલ્લાનું ચૂંટણી તંત્ર નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવા માટે બિલકુલ સજ્જ થઇ ચૂક્યું છે. સુરત શહેર જિલ્લાની હદમાં કુલ 16 વિધાનસભા મત વિસ્તારો સામેલ છે આ 16 વિધાનસભા મત વિસ્તારો 3 અલગ અલગ લોકસભા સંસદીય મતવિસ્તારમાં વહેંચી દેવામાં આવ્યા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 48,23,163 મતદારો નોંધાયેલા છે, આ મતદારો મતદાન કરી શકે તે માટે સુરત શહેર જિલ્લામાં કુલ 4530 મતદાન મથકો ઉભા કરવામાં આવશે, જેમાં મતદાનની કામગીરી સુપેરે પાર પડે તે માટે 22000 જેટલા સ્ટાફને વિવિધ પ્રકારની ચૂંટણી કામગીરીના ઓર્ડર આગામી દિવસોમાં જારી કરવામાં આવશે અને એ પછી તેમની ટ્રેનિંગનું શિડ્યુલ શરૂ કરવામાં આવશે.

સુરત સંસદીય ક્ષેત્રનો પ્રોફાઇલ
સુરત સંસદીય મત વિસ્તારમાં કુલ 7 વિધાનસભા ક્ષેત્રો જેમાં ઓલપાડ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કરંજ, કતારગામ અને સુરત પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે. આ 7 વિધાનસભા ક્ષેત્રોમાં મતદારોની કુલ સંખ્યા 18,08,351ની છે. લોકસભાની ચૂંટણી માટે આ મતદારો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે કુલ 1648 મતદાન મથકો ઉભા કરવામાં આવે છે. સુરત જિલ્લના ચૂંટણી તંત્રએ મતદાન મથકો ક્યાં ઉભા કરાશે એ પ્રોપર્ટી તેમજ તેના એપ્રોચ રોડ વગેરેની વિગતોને ચકાસીને વેરીફાઇ કરી દીધી છે.

બારડોલી સંસદીય ક્ષેત્રનો પ્રોફાઇલ
બારડોલી સંસદીય મત વિસ્તાર અનુસૂચિત જનજાતિ વિભાગ માટેની રિઝર્વ બેઠક છે. આ બેઠકમાં સુરત જિલ્લામાં સમાવિષ્ટ કુલ 5 વિધાનસભા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. બારડોલી સંસદીય મત વિસ્તારમાં કુલ 14,53,250 મતદારો નોંધાયેલા છે. સુરત જિલ્લાની માંગરોળ વિધાનસભા સીટ, માંડવી વિધાનસભા સીટ, કામરેજ વિધાનસભા સીટ, બારડોલી વિધાનસભા સીટ અને મહુવા વિધાનસભા બેઠકનો સમાવેશ બારડોલી સંસદીય સીટમાં કરવામાં આવ્યો છે. બારડોલીની પાંચ વિધાનસભા વિસ્તારોમાં કુલ 1585 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. સુરતના ચૂંટણી તંત્રએ મતદાન મથકો અંગેની તમામ માહિતીને વેરીફાય કરી લીધી હોવાનું જાણવા મળે છે.

નવસારી સંસદીય ક્ષેત્રનો પ્રોફાઇલ
નવસારી સંસદીય મત વિસ્તારમાં સુરતની ચાર વિધાનસભા બેઠકોને આમેજ કરવામાં આવી છે. સુરત શહેરમાં આવતી આ ચારેય વિધાનસભા બેઠકોમાં લિંબાયત, ઉધના, મજૂરા અને ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રોનો સમાવેશ નવસારી સંસદીય બેઠકમાં કરવામાં આવ્યો છે. આ બેઠક પર નોંધાયેલા કુલ મતદારોની સંખ્યા 15,61,562ની છે. નવસારી સંસદીય સીટમાં આ ઉપરાંત નવસારી શહેર અને જિલ્લાની અન્ય વિધાનસભા બેઠકો પણ સામેલ થાય છે. સુરત શહેર જિલ્લાના ચૂંટણી તંત્રએ સુરતની હદમાં આવતી ચારેય વિધાનસભા બેઠકોના વિસ્તારમાં મતદાન કરાવવા માટે કુલ 1297 મતદાન મથકો ઉભા કરવાનો નિર્ણય લીધો છે.

24 કલાકમાં પોલિટીકલ બેનરો ઉતારી લેવાનો આદેશ
લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થતાં જ આજે સુરત જિલ્લા ચૂંટણી તંત્રએ જુદા જુદા નોડલ ઓફિસરો તેમજ સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર સાથે સંકલન સાધીને શહેર અને જિલ્લામાં જાહેર સ્થળ પર કોઇપણ પ્રકારના પોલિટીકલ બેનરો જેમાં પાર્ટીનું નામ કે સિમ્બોલ હોય કે નેતાઓના ફોટા હોય કે સરકારી યોજનાની જાહેરાત હોય આ તમામે તમામ પ્રકારનું ડિસ્પ્લે મટિરિયલ ઉતારી લેવા માટેની કામગીરી શરૂ કરી દેવા માટે સૂચના આપી હોવાનું જાણવા મળે છે. 48 કલાકમાં પોલિટીકલ બેનરો કાઢી નાંખવાની કામગીરી યુદ્ધસ્તર પર આદરી દેવામાં આવી છે.

સ્ટેટીક સ્ક્વોડ અને ફ્લાઇંગ સ્ક્વોડ કેશની હેરફેર પર ચાંપતી નજર રાખશે
સુરત શહેર જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થાય નહીં ત્યાં સુધી રોકડ રકમની લેવડદેવડ પર દેખરેખ રાખવા માટે કુલ 117 ફ્લાઇંગ સ્કવોડ અને 141 સ્ટેટીક સ્કવોડ દિવસ રાત શહેરના માર્ગો પરથી પસાર થતા વાહનોનું રેન્ડમ ચેકીંગ કરશે અને મોટી રકમની રોકડ રકમની હેરફેર ઝડપાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

Most Popular

To Top