વડોદરા: આજે સાંજ છ વાગ્યાથી ચૂંટણી પ્રચારનો શોરબકોર શાંત થઈ જશે. પ્રચાર કાર્ય બંધ થવા સાથે ડોર ટુ ડોર સંપર્કનો સીલસીલો શરૂ થશે. જે શનિવારની મધરાત સુધી ચાલશે.
વડોદરા મહાનગર સેવાસદનની ચૂંટણીનું મતદાન રવિવારના રોજ સવારે 7 વાગે શરૂ થશે. તે પુર્વ આજે સાંજે છ વાગે જાહેર પ્રચાર પ્રસાર કાર્ય સંપુર્ણ બંધ થઈ જશે. ચૂંટણી આચારસંહિતા મુજબ દરેક રાજકીય પક્ષોએ પ્રચાર કાર્ય બંધ કરી દેવું ફરજિયાત છે.
શુક્રવારે આખા દિવસ દરમિયાન ભાજપ કોંગ્રેસ અને આપની રેલીઓ નીકળી હતી. ઢોલ નગારા શરણાઈના જોરદાર અવાજ અને વાહનોની લાંબી કતારો સાથે રાજમાર્ગો ઉપર રેલીઓ મોટા પ્રમાણમાં નીકળી હતી. મતદારોને રિઝવવા માટે ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષો એડીચોટીનું જોર લગાવી રહયા છે. શુક્રવારે પ્રચાર પડઘમ શાંત થવા સાથે મતદારોને રિઝવવા મનાવવા માટ છેલ્લી ઘડીના પ્રયાસ રૂપે દાવપેચ ડોર ટુ ડોર પ્રચાર પડઘમની શરૂઆત થશે.
પ્રચારનો શુક્રવારે છેલ્લો દિવસ હોવાથી ભાજપ કોંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓના નેતાઓ શહેરોને ખુંદી વળ્યા હતા. ભાજપ-કોંગ્રેસના પ્રદેશ નેતાઓ શહેર જિલ્લાનો પ્રવાસ ખેડી રહયા છે. અગ્રણીઓ પુરજોશમાં પ્રચાર કરી રહયા છે. પોતપોતાના વર્ચસ્વવાળા વિસ્તારોમાં સાંજે છ વાગ્યા સુધી શક્તિપ્રદર્શન કરાયું હતું.
નેતાઓ અને ઉમેદવારો મતદારોને રિઝવવા માટે કામે લાગી ગયા છે. કોંગ્રેસ પક્ષ વધતી જતી મોંઘવારી અને પેટ્રોલ, ડીઝલ, ગેસના વધી ગયેલા ભાવ અંગે પ્રચાર કરી રહયા છે. તો ભાજપ વિકાસના નામે મત માગી રહ્યો છે.
અધુરામાં પુરૂ આપ પાર્ટીએ 41 ઉમેદવારો સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. આના લીધે કેટલીક બેઠકો પર ત્રિપાંખીયો જંગ થશે આમ આદમી પાર્ટીના ઉમેદવારો કોંગ્રેસની પેનલને નુકસાન કરે તેમ હોવાથી કોંગ્રેસે નુકસાનને રોકવા માટે એડીચોટીનું જોર લગાવ્યંુ છે.