Vadodara

ઢોરની અડફેટે આવેલા વૃદ્ધનું બ્રેઈન હેમરેજના કારણે મોત

વડોદરા : વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટી અને ઢોર માલિકોની મિલીભગતને કારણે વધુ એક નિર્દોષનો ભોગ લેવાયો હોવાનું સપાટી પર આવવા પામ્યું હતું.વડોદરા શહેરના સમા ઐયપ્પા ગ્રાઉન્ડ પાસેથી પસાર થતા વૃદ્ધને રખડતા ઢોરે અડફેટે લીધા હતા.ઢોરે વૃદ્ધને અડફેટે લેતા તેમના શરીરની અનેક પાંસડીઓમાં ફ્રેક્ચર થવાની સાથે તેમને બ્રેઈન હેમરેજ થતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વહેલી સવારે વૃદ્ધનું  મોત નિપજ્યું હતું. બનાવને પગલે પાલિકા તંત્ર સામે મૃતકના પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

શહેરના સમા વિસ્તારના ન્યુ સમા રોડ પર આવેલા વાલ્મીકી નગરમાં પરિવાર સાથે રહેતા હિંમતભાઇ સવાણી મજુરી કામ કરીને પોતાનું અને પરિવારનું જીવન ગુજારતા હતા.તેમના પરિવારમાં પત્ની, અને પુત્ર હતા. તેમનો પુત્ર કિર્તન સવાણી ટાઇલ્સ બેસાડવાનું કામ કરે છે. હિંમતભાઇ સવાણીનું એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.રખડતા ઢોરને કારણે હવે લોકોના જીવ જઇ રહ્યા છે. આ તબક્કે જો તંત્ર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો આગામી સમયમાં કેટલાય નિર્દોષ લોકો રખડતા ઢોરનો ભોગ બનતા રહેશે. શનિવારે સાંજે હિંમતભાઇ પોતાનું કામ પતાવીને પત્ની સાથે ઘરે પરત ફરી રહ્યા હતા.દરમિયાન ઐયપ્પા ગ્રાઉન્ડ પાસે રખડતા ઢોરે તેમને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં હિંમતભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેથી તેમને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. રખડતા ઢોરોની અડફેટે હિંમતભાઇની અનેક પાંસળીઓમાં ફ્રેક્ચર થવાની સાથે બ્રેન હેમરેજ થયું હતું. શનિવાર સાંજથી તેમની સારવાર ચાલી રહી હતી.ત્યારે સોમવારે વહેલી સવારે 6 વાગ્યે તેમનું નિધન થયું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રખડતા ઢોરને કારણે અકસ્માતની અનેક ઘટનાઓ થવા છતાં પણ નિંદ્રાધીન તંત્ર જાગતું નથી. નોંધનીય છે કે પરિવારજનોએ રખડતા ઢોરોની અડફેટે વૃદ્ધનું મોત થયું હોવાના આક્ષેપ કર્યા હતા.જ્યારે સમા પોલીસ મથકના તપાસ અધિકારીના જણાવ્યાનુસાર બાઈક સ્લીપ થઈ જતા મોત નીપજ્યું હતું.

Most Popular

To Top