નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) ઉત્તરાખંડમાં કોંગ્રેસના નેતા હરક સિંહ રાવત અને અન્ય લોકોના ઘરો પર દરોડા પાડ્યા છે. મની લોન્ડરિંગ (Money Laundering) કેસ સાથે સંબંધિત આ દરોડા (Raid) ઉત્તરાખંડ અને દિલ્હી-એનસીઆરમાં (Delhi NCR) એક ડઝનથી વધુ સ્થળો પર થઈ રહ્યા છે.
- એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે EDના ઉત્તરાખંડમાં દરોડા
- કોંગ્રેસના નેતા હરક સિંહ રાવત અને અન્ય લોકોના ઘરો પર સર્ચ ઓપરેશન
- ત્રણ રાજ્યોમાં 15થી વધુ સ્થળો પર EDનું સર્ચ ઓપરેશન શરૂ
પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તરાખંડમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી હરક સિંહ રાવત વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આજે બુધવારે મોટી કાર્યવાહી કરી છે. કાર્યવાહીમાં ઉત્તરાખંડથી લઈને દિલ્હી અને ચંદીગઢ સુધી દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ સાથે જ ત્રણ રાજ્યોમાં 15થી વધુ સ્થળો પર EDનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર EDની આ કાર્યવાહી બે અલગ-અલગ કેસમાં કરવામાં આવી રહી છે. એક કેસ જંગલની જમીન સાથે સંબંધિત છે અને બીજો અન્ય જમીન કૌભાંડ સાથે સંબંધિત છે. ગત વર્ષે ઓગસ્ટમાં વિજિલન્સ વિભાગે કોંગ્રેસ નેતા હરક સિંહ રાવત વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં દિલ્હી, ચંદીગઢ અને ઉત્તરાખંડમાં ઈડીના આ દરોડા ચાલી રહ્યા છે. ઉત્તરાખંડના પૂર્વ વન મંત્રી હરક સિંહ રાવત સાથે જોડાયેલા એક કૌભાંડ કેસમાં લગભગ એક ડઝન સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
EDની ટીમ હરક સિંહ રાવતના દેહરાદૂનના ડિફેન્સ કોલોની સ્થિત નિવાસસ્થાને દરોડા પાડી રહી છે. કેન્દ્રીય એજન્સીએ પૂર્વ મંત્રીના નજીકના લોકો સામે પણ કાર્યવાહી કરી છે. સૂત્રોનું માનીએ તો ઈડીએ વન જમીન કૌભાંડ કેસમાં કાર્યવાહી કરી છે અને આ કાર્યવાહી પીએમએલએ હેઠળ કરવામાં આવી રહી છે. અગાઉ ઓગસ્ટ 2023માં પણ વિજિલન્સ વિભાગે હરક સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
કોણ છે હરક સિંહ રાવત?
હરક સિંહ રાવતને ભાજપ દ્વારા પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને અનુશાસનની કમીને કારણે કેબિનેટ મંત્રી પદ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ વર્ષ 2022માં કોંગ્રેસમાં જોડાયા હતા. હરક સિંહની સાથે તેમની પુત્રવધૂ અનુકૃતિ ગુસૈન પણ કોંગ્રેસમાં જોડાઈ હતી.