પારડી : પારડીની નામાંકિત નાડકર્ણી ટેસ્ટ ટ્યુબ બેબી હોસ્પિટલના નિષ્ણાંત તબીબ ડો.પૂર્ણિમા નાડકર્ણીનું કેન્સરની લાંબી માંદગી બાદ શુક્રવારે બપોરે 2 વાગ્યે ગોવામાં નિધન થતા પારડી પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
પારડી, વાપી, વલસાડ, સુરતમાં 21st સેન્ચ્યુરી હોસ્પિટલ ધરાવતા જાણીતા મહિલા તબીબ ડો.પૂર્ણિમાબેન કિશોરભાઈ નાડકર્ણી છેલ્લા લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા. તેઓ ગોવા કિશોરભાઈ નાડકર્ણી પરિવાર જોડે ફરવા માટે ગયા હતા. જ્યાં આજરોજ ડો.પૂર્ણિમાબેન નાડકર્ણીનું 66 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના નિધનના સમાચાર વાયુવેગે ફેલાતા પારડી તબીબ વર્તુળ અને પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
પૂર્ણિમાબેનનું નિધન થતા પરિવારજનો ગોવા જવા માટે રવાના થયા હોવાનું અનુ આઈ હોસ્પિટલના ડો. ઉષાબેન શશીકાંત હેરંજલએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ડો.પૂર્ણિમાબેનને વંધ્યત્વ નિવારણ અને મહિલા સશક્તિકરણ અંગેનો એવોર્ડ વડાપ્રધાન અને ગુજરાતના સીએમ રહેલા નરેન્દ્ર મોદીજીના હસ્તે અગાઉ એનાયત કરાયો હતો. ડો.પૂર્ણિમા નાડકર્ણીએ મહિલાઓના સશક્તિકરણ માટે પણ અભિયાન ચલાવ્યું હતું. ગોવાથી તેમના પાર્થિવ દેહને પારડી દીપકવાડી ખાતે તેમના નિવાસ્થાને લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ટેસ્ટ ટ્યૂબ બેબી ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપનાર ડો. પૂર્ણિમા નાડકર્ણીને ગુજરાતમિત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આજથી દોઢ દાયકા પહેલાં જ્યારે ટેસ્ટ ટ્યૂબ બેબી અંગે ખાસ કોઈ જાણતું નહોતું ત્યારે ડો. નાડકર્ણીએ સુરતમાં ટેસ્ટ ટ્યૂબ બેબી ક્ષેત્રે કારકિર્દી શરૂ કરી હતી. એકસાથે અનેક ટેસ્ટટ્યૂબ બેબીના જન્મ કરાવવાની સિદ્ધિ તેમને હાંસલ કરી છે.
વર્ષો સુધી સંતાન વિહોણા દંપતીઓ ડો. નાડકર્ણી પાસે આશા સાથે આવતા હતા અને મોટા ભાગના કેસમાં ડો. પૂર્ણિમા નાડકર્ણી નિરાશ કરતા નહોતા. અનેક નિ:સંતાન દંપતીઓના ખોળા ડો. નાડકર્ણીએ ખુશીઓથી ભરી દીધા છે. આજે ડો. પૂર્ણિમા નાડકર્ણીએ આ ફાની દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધી છે.