Columns

અંદર કઈ બાકી રાખો નહિ

એક સોસાયટીમાં એક કાકા રીટાયર ટીચર એકદમ જિંદાદિલ…બધાને મદદ કરે ..હંમેશા તેમની પસી નવા નવા આઈડિયા હોય જ…રજાના દિવસોમાં સોસાયટીના છોકરાઓને ભણાવે ..સંસ્કૃત શીખવે…સોસાયટીમાં એક યોગ ટીચર રહેવા આવ્યા ;કાકાએ તરત જ સ્વીચાર રજુ કર્યો કે ‘રોજ ભલે શક્ય ન હોય આપણે દર શનિ – રવિ તેમની પાસે યોગ શીખીએ ..બધાએ આ વિચાર વધાવી લીધો. કાકા અઠવાડિયામાં એક દિવસ બધા બાળકો માટે ચોકલેટ અચૂક લાવે અને તેમની સાથે બેસી મસ્તી મજાક કરે અને ચોકલેટ વહેંચી બધાને રાજી કરે…

સાવ એકલા રહેતા આ રીટાયર ટીચર આખી સોસાયટીમાં પ્રખ્યાત ..કોઈ જિંદાદિલ કાકા કહે …કોઈ કહે આઈડીયાનો ભંડાર …કોઈ કહે એનર્જી સોર્સ ..બાળકો કહે ચોકલેટવાળા દાદા…આમ એમની જેટલી ખાસિયત એટલા તેમના નામ…  એક દિવસ સોસાયટી મીટીંગમાં કાકાએ આઈડિયા આપ્યો કે સોસાયટીની દરેક કોમન વિન્ડો અને કોમન એરિયામાં લીલી વેલ અને છોડ ઉગાડીએ જે આખા બિલ્ડીંગણે એકસરખો સુંદર ગ્રીન લુક આપશે …અને સોસાયટીમાં જેનો જન્મદિવસ આવે તે દિવસે ઓછામાં ઓછું એક ઝાડ અને છોડ ઉગાડીએ આ રીતે અનોખી રીતે જન્મદિવસ ઉજવીએ.બધાએ તેમનો આઈડિયા વધાવી લીધો.એક ભાઈએ પૂછ્યું, ‘કાકા તમારી પાસે ઘણું શીખવા જેવું છે આજે કૈંક બધાને જીવનમાં કામ લાગે તેવું શીખવાડો ..’

કાકાએ કહ્યું, ‘હું જે નિયમ પર જીવન જીવું છું તે તમને આજે કહું છું. નિયમ છે – જો જીવનનો સાચો અર્થ સમજવો હોય તો જીવનનો અંત આવે તે પહેલા અંદરથી સાવ ખાલી થઇ જાવ…આ જગને છોડી જાવ ત્યારે અંદર કઈ બાકી રાખો નહિ.તમારી અંદર જે સારું હોય તે દુનિયાને ભેટમાં આપો અને જે કઈ ખરાબ હોય તેને ખંખેરી નાખી ભૂલી જાવ.અહીંથી જાવ તે પહેલા અંદરથી ખાલી થઈ જાવ ; અંદર કઈ બાકી રાખો નહિ.’ એક બહેને પૂછ્યું, ‘કાકા, બરાબર સમજાવો ને…’કાકાએ કહ્યું, ‘જો તમારી અંદર કોઈ ને કોઈ વિચાર છે …

મનમાં કોઈ આઈડિયા છે તો તે બધાને જણાવો અને અમલમાં મુકો….જો તમારી પાસે વિદ્યા કે જ્ઞાન કે કોઈ આવડત છે તો તે બીજાને આપો અને આપતા જ રહો …જો તમારે કોઇપણ નાનુ કે મોટુ ધ્યેય છે કોઈ સપનું છે તો તે પૂરું કરવા સતત પ્રયત્નશીલ રહો.જો તમારી પાસે પ્રેમ અને વ્હાલ છે તો તે બધાને આપો ..પ્રેમ વહેંચો અને મેળવો અને જો કદાચ ગુસ્સો ,વેર કે નફરત છે તો તે પણ દરિયામાં પધરાવી દો મનને ખાલી કરી નાખો.એટલે કે તમારી અંદર કઈ બાકી ન રાખો બધું જ અહીં વહેંચી દો.’કાકાએ બહુ સુંદર સમજ આપી .
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top