દિલ્હીની એક પોશ ગણાતી યુરો ઇન્ટરનેશનલ ગણાતી સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ગોળી મારી હત્યા કરી નાખી.સ્કૂલમાં જતા દરેક વિદ્યાર્થી નાની મોટી હિંસાનો ભોગ બનતો રહે છે. આ હિંસામાં પરીક્ષાના ત્રાસથી માંડીને શિક્ષકો મારફત થતી મારપીટ, સહપાઠીઓ મારફત થતી જૂથબંધી અને રેગીંગનો સમાવેશ થાય છે. હવે તો જરા વાંકુ પડતાં શિક્ષકની હત્યા કરવા સુધીની વાત પહોંચી ગઈ છે. સ્કૂલમાં ભણતા સાથી વિદ્યાર્થી મિત્રો સૂક્ષ્મ રીતે સતામણી કરે છે, તેઓ ગાળ નથી આપતા, ચીડવતા નથી પણ પોતાના જૂથમાં સામેલ કરવાનો ઇન્કાર કરી દે છે.
સામેવાળાને એકદમ તદ્દન એકલો પાડી દે છે. ઘણી વખત તેઓ વિદ્યાર્થી બાબતમાં જાતજાતની અફવાઓ ફેલાવીને તેને હેરાન કરવાનો પિશાચી આનંદ લૂંટે છે તો ઘણી વખત જાહેરમાં મશ્કરી કરીને તેને ઉતારી પાડવામાં આવે છે. આ પ્રકારની સતામણીથી બાળકના મગજને ઘણું નુકસાન થાય છે.આ બદી માત્ર શાળા કોલેજ પૂરતી નથી. કોચિંગ કલાસ, ટ્યુશન કલાસ, રમતના મેદાનમાં, સોસાયટીઓમાં પણ આવી ગઈ છે. શાળાના ટોયલેટ પર બિભત્સ લખાણ લખીને પણ પેલાને શરમીંદો કરવામાં આવે છે. અમુક જગ્યા પર તો ટોયલેટનો ઉપયોગ વ્યભિચાર માટે પણ થવા માંડ્યો છે. આજની સ્કૂલનું સૌથી મોટું દૂષણ જૂથબંધી છે. જો કોઈ વિદ્યાર્થી કોઈ જૂથમાં ભળવાનો ઇન્કાર કરે તો પછી એને એકલો પાડી દેવામાં આવે છે.
તેને હેરાન કરવામાં આવે છે.એમાં પણ જો કોઈ વિદ્યાર્થી હોશિયાર હોય તો તેને બધા મળી એકલો પાડી દે છે. જો કોઈ વિદ્યાર્થી ભણવામાં રસ લેતો હોય અને રખડવામાં તોફાન મસ્તીમાં ભાગ લેતો ના હોય તો તે અભ્યાસમાં ધ્યાન આપી ન શકે એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે. શિક્ષકો પોતાની નૈતિક જવાબદારી સમજતા હોય તો આવા કેસોમાં વચ્ચે પડી સમાધાન કરાવે છે. જો કે અમુક શિક્ષકો એમ માને છે કે પોતાની જવાબદારી માત્ર કોર્ષ પૂરો કરવાની છે. વિદ્યાર્થીઓ અંગે શિક્ષકો કોઈ જવાબદારી લેતા નથી. રિસેસમાં ખાવા બેસે ત્યારે કોણ શું લાવ્યું છે તેની પર ખાસ ધ્યાન અપાય છે. જો કોઈ ખાવા માટે રોજ સારી વાનગી લાવતો હોય તો તેની ઈર્ષા કરવામાં આવે છે. જો આ વિદ્યાર્થી કોઈને ઓફર ના કરે તો તે આ જૂથનો દુશ્મન બની જાય છે અને ઓફર કરવા જાય તો તેના ભાગે કંઈ જ આવતું નથી. વિદ્યાર્થીઓ સ્કુલમાં દાદાગીરી કે સતામણીનો ભોગ બનતું હોય તો વાલીઓને ખબર પડતી નથી.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.