આણંદ : વાસદ ખાતે આવેલી હોટલ પર પોલીસ સબ ઇન્સ્પેક્ટરના નામે મોબાઇલ પર રૂ.દોઢ હજારની માગણી કરી હતી. જોકે, મામલો શંકાસ્પદ લાગતા વાસદ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાસદ ખાતે આવેલી હરિઓમ દાલબાટી નામની હોટલના માલિક ગૌત્તમ કચરાભાઈ પટેલના મોબાઇલ પર 14મી એપ્રિલના રોજ સાંજના પાંચેક વાગે તેના ભાઇ પદમજીએ ફોન કર્યો હતો અને કહ્યું કે, સીટી પોલીસ સ્ટેશનથી પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો ફોન આવેલો છે અને જણાવે છે કે એક ભાઇ તમારા હોટલમાં જમવાનું પાર્સલ લેવા આવેલો હતો અને પાર્સલમાંથી રબ્બર નિકળ્યું છે અને કેસ કરવાનું જણાવે છે. તેમ કહી ગૌત્તમભાઈને મોબાઇલ નં.9023917975 આપ્યો હતો. આ નંબર પર ગૌત્તમભાઈએ ફોન કરતાં સામા છેડે ફોન ઉપાડનાર શખસે “”હું સીટી પોલીસ સ્ટેશનથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બોલું છું અને મારી પાસે એક ભાઈ આવેલા છે અને તે તમારા હોટલથી જમવાનું પાર્સલ લઇ ગયાં હતાં અને તેને જમવામાંથી રબ્બર નીકળ્યું છે.
તેણે દવા કરાવી છે, જેથી રૂ.1500 આપી દો નહીંતર હું ફરિયાદ દાખલ કરું છું.’’ તેમ કહી નાણા પેટીએમથી મોકલી આપવા જણાવ્યું હતું. જોકે, શંકા જતાં ગૌત્તમભાઈએ ક્યા પોલીસ સ્ટેશનથી બોલો છો ? તેમ કહેતા તેણે હું વાસદથી દસ બાર કિલોમીટર દુર સીટી પોલીસ સ્ટેશનથી બોલું છું. તેમ જણાવી ફોન કટ કરી નાંખ્યો હતો. ફરી ફોન ઉપાડ્યો નહતો. આથી, અન્ય વેપારીના મોબાઇલ પરથી રીંગ કરતાં તેને પણ પીએસઆઈ તરીકે ઓળખ આપી રૂ.1500ની માગણી કરી હતી. આમ, પીએસઆઈનો સ્વાંગ રચી ખોટું નામ ધારણ કરી ખોટા નામે ઠગાઇ કરવાના ઇરાદે નાણાની માગણી કરી હતી. આ અંગે વાસદ પોલીસે મોબાઇલ નંબર આધારે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી મોબાઇલ નંબર આધારે ઓળખ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે.