SURAT

વેડરોડની 17 વર્ષની છોકરીને ગંદા ઈશારા કરવાનું રત્નકલાકારને ભારે પડ્યું, 200 CCTV ચેક કરી પોલીસે દબોચ્યો

સુરત: વેડ રોડ ખાતે બપોરના સમયે ઘરેથી નજીકના મંદિરમાં સેવા આપવા જતી 17 વર્ષની તરુણીને મદદ માટે રોકી છેડતી કરનાર 25 વર્ષના યુવકને સિંગણપોર પોલીસે ઝડપી લીધો છે. તરૂણીની છેડતી કર્યા બાદ લંપટ સુરતના રસ્તાઓ પર ચાર કલાક સુધી રખડતો રહ્યો હતો. આ દરમિયાન લંપટે એક મહિલાની પણ છેડતી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના અઠવાડિયા જુની છે. વેડરોડ ખાતે અઠવાડીયા અગાઉ બપોરના સમયે ઘરેથી નજીકના મંદિરમાં સેવા આપવા જતી 17 વર્ષની તરુણીને સોસાયટીના ગેટ પાસે જ અજાણ્યા યુવકે પેટ્રોલ લીક થાય છે એમ કહી બાઈકનું સ્ટિયરિંગ પકડવા અટકાવી હતી. બાદમાં અજાણ્યાએ તેનો હાથ પકડી ગંદા ઈશારા કરી પેન્ટનું બટન ખોલવા જતો હતો. ત્યારે જ તરુણી ત્યાંથી ભાગી છૂટી હતી.

અજાણ્યા યુવકે ગંદા ઈશારા કરતા 17 વર્ષની તરૂણી હેબક ખાઈ ગઈ હતી. તે ઘરે જઈ ગુમસુમ બેસી ગઈ હતી. દીકરીને ગુમસુમ જોઈ રત્નકલાકાર પિતાએ તેને પૂછ્યું કે શું થયું? ત્યારે તરૂણીએ હિંમત કરી તેની સાથે બનેલી ઘટનાની કેફિયત પિતાને જણાવી હતી. પિતાએ તાત્કાલિક સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

તરૂણીની છેડતીની ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક અજાણ્યા યુવાનને ઝડપી પાડવા સિંગણપોર પોલીસે બે-બે જવાનોની ચાર ટીમ બનાવી 200 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતાં. આખરે પોલીસે લંપટ સંદીપ પ્રવીણ ગોટીને તેના ઘરેથી ઝડપી લીધો હતો. સિંગણપોર પોલીસની ચાર ટીમોએ તેને ઓલપાડના ઉમરા ગામમાંથી ઝડપી લીધો હતો.

આરોપી સંદીપ મૂળ બોટાદનો વતની છે. વરાછા હીરાબાગ ચોકડી પાસે એસ.પી ડાયમંડ ક્લાસીસમાં હીરા કામ શીખવા જતા સંદીપની પોલીસે પૂછપરછ કરતા તે અપરણિત હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે જે ફૂટેજ ચકાસ્યા હતા. તેમાં તે તરૂણીની છેડતી કર્યા બાદ ચાર કલાક સુધી જુદાજુદા વિસ્તારમાં રખડતો દેખાયો હતો. આ દરમિયાન જે મહિલા કે યુવતી દેખાય તેનો તે પીછો કરતો હતો. તેણે અન્ય વિસ્તારમાં એક મહિલાની છેડતી પણ કરી હતી.

Most Popular

To Top