ઘેજ: (Dhej) સામાન્ય રીતે દીપડાને (Leopard) ખૂબ જ હિંસક ગણવામાં આવે છે. તે વારછરા, કૂતરા, ભૂંડ જેવા પશુઓનો શિકાર (Hunting) કરવામાં માહેર હોય છે પરંતુ ચીખલી તાલુકામાં એક અજુગતી ઘટના સામે આવી છે. અહીંના તલાવચોરા સ્થિત જળદેવી મંદિર પાસે શિકાર કરવા આવેલો એક દીપડો ગલુડિયાનો શિકાર કર્યા વગર જ પરત ફરી જતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.
- શિકાર કરવા આવેલો દીપડો ગલુડિયાને જોઇને પરત ફરી ગયો
- ચીખલીના તલાવચોરાના જળદેવી માતાના મંદિર પાસેની ઘટના
- ગલુડિયાને જોઇને પરત ફરી જતાં દીપડાનો વીડિયો વાયરલ
પ્રાપ્ત વિગત મુજબ તલાવચોરાના શામળા ફળિયામાં ભરચક રહેણાંક વિસ્તારમાં જળદેવી માતાના મંદિર પાસે શનિવારે રાત્રે પોણા અગિયારેક વાગ્યાના અરસામાં એક દીપડો શિકાર કરવા માટે આવી ચડ્યો હતો. તેને મંદિરની સામે ઇલેક્ટ્રિક પોલ પાસ હલચલ દેખાતા શિકાર કરવા માટે ધસી ગયો હતો. જો કે, તે શિકાર કર્યા વગર જ પરત થઇ ગયો હતો. તેનું શિકાર નહીં કરવા માટેનું માત્ર એક જ કારણ હતું કે, તે જ્યાં કોઇ પ્રાણીના શિકારની લાલચે ગયો હતો ત્યાં કૂતરાનું બચ્ચુ હતું એટલે તે તેને કંઇ પણ કર્યા વગર પરત ફરી ગયો હતો. દીપડાને જોઇને અન્ય કૂતરાઓ ભસતા હોવાથી લોકો એકત્ર થતાં દીપડો ત્યાંથી પલાયન થઇ ગયો હતો. દીપડો ગલુડિયાનો શિકાર કર્યા વિના જ પરત જતો રહેતા સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય સાથે રહેણાંક વિસ્તારમાં દીપડાના અવાગમનથી ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)