Dakshin Gujarat

વ્યારાના જાણીતા બિલ્ડરે તબીબને જાનથી મારી નાંખવાની ધમકી આપી

વ્યારા: (Vyara) વ્યારાનાં જાણીતા બિલ્ડર (Builder) પિયુષ ભક્તા સહિતનાં બે જણાએ એમડી ફિઝિશિયનને જાનથી મારવાની ધમકી (Threat) આપવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જો કે પોલીસ કક્ષાએ હાલ તપાસ ચાલુ હોય હજુ આ મામલે બિલ્ડરો વિરૂધ્ધ કોઇ એફઆઇઆર નોંધાઈ નથી.

  • વ્યારાના જાણીતા બિલ્ડરે તબીબને મારી નાંખવાની ધમકી આપતાં મામલો પોલીસમાં
  • તબીબ પોતાની સોસાયટીના બિલ્ડરને ખુલ્લા કૂવા અંગે રજુઆત કરવા ગયા હતાં
  • બે વર્ષથી કલેક્ટરને રજુઆત કરી, બિલ્ડરને ભલામણ થઈ, પરંતુ બિલ્ડર તબીબને મારવા દોડ્યા

વ્યારાનાં મુસા ગામે સિતારામ વિલામાં રહેતા ડો. યોગેશ ટી. ગામીતે પોલીસને કરેલ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે બિલ્ડર પિયુષ ભક્ત અને અતીત ભક્તએ બનાવેલ તેઓની સોસાયટી સિતારામ વિલામાં ઘણા સમયથી કૂવો ખુલ્લો હોય તેમાં નાનું બાળક ડુબી જાય તો વગર કારણે તેને જીવ ગુમાવવો પડે તેવી ગંભીર સ્થિતિ છે. તેમણે આશરે બે વર્ષ પહેલા કલેક્ટરને આ અંગે બિલ્ડરો વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. તે સંદર્ભે રજુઆત કરવા ડો. યોગેશ ગામીત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કલેક્ટરે આ બિલ્ડરને ફોન કરી ત્વરીત સમસ્યાનો ઉકેલ લાવવા જણાવ્યું હતું. કલેક્ટરની બિલ્ડર સાથે વાત થયા પછી સમસ્યા ઉકેલાશે તેવી આશા સાથે આ તબીબ બિલ્ડરની ઓફિસે ગયા, પણ બિલ્ડરનો પારો ચરમસીમાએ ચઢ્યો હતો.

બિલ્ડર પિયુષ ભક્ત અને અતીત ભક્ત પૈસાનાં ઘમંડમાં કલેક્ટરે કરેલ ફોન અને તબીબની ગરિમા પણ વિસરી ગયા હતા. ત્યાં બિલ્ડરોની તબીબ સાથે બોલાચાલી થઇ હતી, તેઓ તબીબને મારવા દોડ્યા હતા. આટલું ઓછું હોય તેમ બિલ્ડર પિયુષ ભક્તે તબીબને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. તબીબે આ ઘટનાની જાણ કલેક્ટરને કરી હોવાનું જાણવા મળ્યું છે. તબીબે આ બંને બિલ્ડરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ પણ કરી છે. તબીબનું કહેવું છે કે, બિલ્ડર તેઓને છેલ્લા ૫- ૬ વર્ષથી યેનકેન પ્રકારે માનસિક ત્રાસ આપી રહ્યા છે.

Most Popular

To Top