સુરત: પાલમાં દારૂના નશો કરીને ઊભેલી કારને ટક્કર મારતા, પોતની કારને નુકસાન થતાં યુવકે ચાલકને અટકાવ્યો તો તેને કારના બોનેટ પર ચડાવી ફેરવનાર દેવ ડેરની સામે ઉમરા પોલીસમાં 10 મહિના પહેલા પણ ફરિયાદ નોંધાઈ હતી. તે સમયે દેવ ડેરએ પેટ્રોલપંપના કર્મચારીને માર મારી એરગન તાણી પેટ્રોલપંપ સળગાવવા પ્રયાસ કર્યો હતો.
- બગડેલા નબીરા દેવ ડેરએ પીપલોદમાં પેટ્રોલપંપને આગ લગાવવા પ્રયાસ કર્યો હતો
- 10 મહિના પહેલા પેટ્રોલપંપના કર્મચારીની પાછળ એરગન લઈને દોડી તમાચા માર્યા હતા
લિંબાયત ખાતે સંજયનગરમાં રહેતા 28 વર્ષીય સમાધાન પાટીલ પીપલોદ ખાતે આવેલા ઇન્ડિયન ઓઈલના પેટ્રોલપંપ ઉપર ફીલર તરીકે નોકરી કરે છે. તેને ગત 26 ઓક્ટોબર 2022માં ઉમરા પોલીસ સ્ટેશનમાં આરોપી દેવ કેતન ડેરની સામે ફરિયાદ નોંધાવી હતી. દેવ તેની ટોયોટા ઇટીઓસ (જીજે-05-જેકે-4157) લઈને પેટ્રોલપંપ ઉપર ડિઝલ પુરાવવા ગયો હતો. ત્યારે બીજી ગાડીઓની વચ્ચે કાર ઉભી કરી દીધી હતી. જેથી સમાધાને તેને લાઈનમાં આવવા માટે કહ્યું હતું. તેને રકઝક કરતા 400 રૂપિયાનું ડિઝલ પુરાવ્યું હતું. બાદમાં ગાડી આગળ લેવાનું કહ્યું હતું. જેથી તેને ઉશ્કેરાઈ જઈને સમાધાનને કારમાંથી ઉતરીને તમાચા મારી દીધા હતા. જેથી તેની સાથે ઝપાઝપી થઈ હતી.
બીજા કર્મચારીઓએ વચ્ચે પડી છોડાવ્યો હતો. અને બાદમાં ત્યાંથી જતો રહ્યો હતો. પરંતુ થોડીવાર પછી પરત આવીને સમાધાનની પાછળ મારવા દોડ્યો હતો. તેની પાસેનું પિસ્તલ જેવું હથિયાર કાઢીને સમાધાનની સામે તાકી દીધું હતું. આ એરગન હતી. બાદમાં તેને ગુસ્સામાં ડિઝલ જમીન પર છાંટીને માચીસ માંગતો હતો. તે પંપ સળગાવવાના ઇરાદે માચીસ માંગતા પબ્લીકના માણસોએ રોકવા કોશીશ કરી હતી. બાદમાં તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પાલ રોડ પર મધરાત્રે દેવ ડેરેએ યુવકને કારના બોનેટ પર લટકાવી અઢી કિ.મી. કાર હંકારી હતી
દેવ કેતનભાઈ ડેર (ઉ.વ.22, રહે. યોગી કોમ્પલેક્ષ, અડાજણ) મધરાતે એક વાગે તેની કાર (જીજે-05-આરડી-2379) લઈને નશામાં ધુત બની લા વિક્ટોરીયા મોલ પાસેથી પસાર થતો હતો. અને ત્યાં મૃગેશ બ્રહ્મભટ્ટ નામના એક યુવકની ઉભેલી ગાડીને ટક્કર મારી ભાગી ગયો હતો. આથી આ ગાડી ચાલકનો મુકેશે પીછો કરી રોકી ઉભો રાખી બહાર આવવા કહ્યું હતું.
મુકેશે કાર ચાલકને બહાર આવવાનું કહ્યું ત્યારે તે કારની આગળ ઉભો હતો. કાર ચાલક દેવ ડેર કારમાંથી બહાર તો નીકળ્યો ન નીકળ્યો પરંતુ તેના બદલે કાર હંકારી મૂકી, જેના કારણે કારની સામે ઊભેલા મૃગેશ બ્રહ્મભટ્ટ કારના બોનેટ ઉપર ચડી જવું પડ્યું તેમ છતાં દેવએ કાર હંકારવાનું ચાલુ રાખ્યું હતું.
કારચાલક દેવ ત્યાંથી કારના બોનેટ ઉપર મુકેશને અઢીથી ત્રણ કિલોમીટર સુધી લટકતો લઈ ગયો હતો. ગેલેક્સી સર્કલથી લઈને તેને નિશાંત સર્કલ પાસે છોડ્યો હતો. આ દરમિયાન બાઈક ચાલક સહિત અનેક લોકોએ તેઓનો પીછો કર્યો હતો. દરમિયાન કોઈકે વિડીયો ઉતારી લેતા તે વાયરલ થયો છે. બાદમાં પોલીસે ગુનો દાખલ કરી આરોપી દેવ કેતનભાઈ ડેર (ઉ.વ.22, રહે. યોગી કોમ્પલેક્ષ, અડાજણ) ની ધરપકડ કરી હતી.