દિયોદર: ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીનો (Election) પ્રચાર જોશમાં ચાલી રહ્યો છે. તમામ પાર્ટીઓ (Party) દ્વારા અલગ અલગ રીતે ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ખૂબ જ રસપ્રદ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કાદવમાં ફસાયેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રચારના રથને કોંગ્રેસ (Congress) પાર્ટીના પ્રચાર રથે દોરડું બાંધી બહાર કાઢવામાં આવ્યું હતું. આ વીડિયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) ધૂમ મચાવી રહ્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સે ઘણી ફની કોમેન્ટો કરી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ (AAP) હવે આ વીડિયોને શેર કર્યા બાદ કટાક્ષ કર્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સીધી રીતે જોવા જઈએ તો ત્રિપાંખીયો જંગ થવાની છે. ત્યારે રાજકીય ગરમા ગરમી વચ્ચે એક હળવું સ્મિત ફરકાવી દે તેવી એક ઘટના શનિવારે દિયોદરમાં બની હતી. દિયોદરમાં ભરોસાની ભાજપ સરકારના સ્લોગન સાથે પ્રચાર રથ શહેરમાં ફરી રહ્યો હતો. ત્યારે આ રથ કાદવમાં ફસાઈ ગયો હતો. તમે વીડિયોમાં જોઈ શકો છો કે ફસાયેલા રથને બહાર કાઢવામાં કોંગ્રેસની મદદ લેવામાં આવે છે. ‘કોંગ્રેસનું કામ બોલે છે’ તેવું લખેલો રથ ફસાયેલા રથની મદદે માટે આવે છે અને તેને બહાર કાઢે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને ભારે રમૂજ ચાલી રહી છે.
ત્યારે AAPએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આ વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે, “કોંગ્રેસ ગુજરાતમાં ભાજપની અટવાયેલી ચૂંટણી વાહનને બચાવવા પર પૂરો જોર લગાવી રહી છે.. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની ILU-ILUની કહાની છે.” AAPએ ગુજરાત ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના કથિત ‘ગઠબંધન’ તરફ ઈશારો કર્યો છે. આ ચૂંટણી માટે AAPએ અત્યાર સુધીમાં 176 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ સાથે જ બાકીની છ બેઠકો દ્વારકા, ભાવનગર (પશ્ચિમ), ખંભાળિયા, માણસા, વિસનગર અને ખેરાલુ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી.
તમને જણાવી દઈએ કે 3 નવેમ્બરના રોજ ચૂંટણી પંચે ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં યોજાનારી ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થશે. તે જ સમયે, 5 ડિસેમ્બરે 92 બેઠકો પર મતદાન થશે. ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે.
પ્રથમ તબક્કા માટે નામાંકન ભરવા માટેનું ગેઝેટ નોટિફિકેશન 5 નવેમ્બરે બહાર પાડવામાં આવ્યું હતું અને ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે. ભાજપે અત્યાર સુધીમાં કુલ 182 વિધાનસભા મતવિસ્તારોમાંથી 166 માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 96 ઉમેદવારોની જાહેરાત કરી છે. તે જ સમયે, 5 નવેમ્બરથી શરૂ થયેલી ચૂંટણી પ્રક્રિયામાં અત્યાર સુધીમાં કુલ 324 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.