નર્મદા જયંતી હોવાથી નદીમાં પાણી છોડવાની સાધુ-સંતોની માંગ

ભરૂચ: જેના માત્ર દર્શનથી પવિત્ર થવાય એવી પાવન સલીલા નર્મદા (Narmada) નદીમાં (river) શ્રદ્ધાળુઓને ભરૂચમાંથી પસાર નર્મદા નદીમાં સ્થાન કરી પુણ્ય કમાવવાના હવે ફાંફાં પડી રહ્યા છે. ભૂતકાળમાં સદાયે ખળ ખળ વહેતી નર્મદાના નીરને હવે ભરશિયાળે જ સુકાવા લાગી છે. ત્યારે ઉનાળાની ગરમીમાં નર્મદા નદીની શું હાલત થાય એ વિચાર જ શ્રદ્ધાળુઓની હાલત કફોડી કરશે. પાડોશી નર્મદા જિલ્લાના માંગરોલના સદાનંદ મહારાજે આગામી ૭મી ફેબ્રુઆરીએ નર્મદા જયંતી હોવાથી નર્મદા નદી પર આવેલા તીર્થક્ષેત્રે શ્રદ્ધાળુઓને નર્મદા સ્નાન અને નર્મદા પૂજન માટે નર્મદામાં પાણી છોડવાની પ્રબળ માંગ કરી છે.

વાંકલમાં વિશ્વ જલપ્લાવિત દિવસની ઉજવણી
વાંકલ: માંગરોળમાં વાંકલ ખાતે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા બીજી ફેબ્રુઆરીના દિવસે વિશ્વ જલપ્લાવિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને માયા તળાવની મુલાકાત માટે લઇ જવામાં આવ્યા હતા તથા પક્ષીદર્શન કરાવવામાં આવ્યું હતું. માયા તળાવ ખાતે ડો. રાજેશ સેનમા દ્વારા વેટલેન્ડ બર્ડ્સ વિશે માહિતી આપવામાં આવી હતી તથા પક્ષીદર્શન અને પક્ષી ઓળખ કઇ રીતે કરવી તે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. કોલેજના આચાર્ય ડો.પાર્થિવ ચૌધરી દ્વારા જલપ્લાવિત વિસ્તારોનું મહત્ત્વ જણાવ્યું હતું તથા વિશ્વ જલપ્લાવિત દિવસની ઉજવણી માટે અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

ડો.અરુણ ધોળકિયા દ્વારા વિદ્યાર્થીઓને પક્ષીઓ, વન અને વન્યજીવોના સંરક્ષણ માટે આહવાન કરવામાં આવ્યું હતું. તથા જલપ્લાવિત વિસ્તારનું મહત્ત્વ જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત વિશ્વ, ભારત અને ગુજરાતની રામસર સાઇટ્સ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ડો.રાજેશ સેનમા દ્વારા જલપ્લાવિત વિસ્તારો અને નિવસન તંત્રમાં તેમનાં મહત્ત્વ વિશે જણાવવામાં આવ્યું હતું. આ પ્રકારના કાર્યક્રમોથી વિદ્યાર્થીઓ તથા જાહેર જનતામાં જાગૃતતા આવે છે એમ જણાવવામાં આવ્યું હતું.અગ્રણીઓ અને વિદ્યાર્થીઓએ માયા તળાવની મુલાકાત લીધી હતી.

અસ્તાનથી ખરવાસા રોડને જોડતો કેનાલ રોડ એક જ વર્ષમાં જર્જરિત
બારડોલી: બારડોલીના અસ્તાનથી ખરવાસા રોડને જોડતો કેનાલ રોડ એક જ વર્ષમાં જર્જરિત થઈ જતાં કોન્ટ્રાક્ટર અને તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. નહેરની લગોલગ પસાર થતાં રસ્તા પર મસમોટા ખાડા પડી જતાં અકસ્માતની સંભાવના પણ સેવાઇ રહી છે.
બારડોલીથી અસ્તાન જતાં રોડને ખરવાસા રોડ સાથે જોવા માટે તંત્ર દ્વારા નજીકથી પસાર થઈ નહેરની સાથે એક ડામર રોડ બનાવવામાં આવ્યો છે. આ રસ્તો એક વર્ષ પહેલાં જ બનાવવામાં આવ્યો હતો. રસ્તો બનવાથી ખરવાસા અને સુગર ફેક્ટરી તરફ જતાં વાહનો માટે રાહત થઈ હતી. એટલું જ નહીં આ જ રસ્તા પરથી શેરડી ભરેલી ટ્રકો અને બળદગાડાઓ પસાર થતાં હોય મુખ્ય રસ્તા પર પણ ટ્રાફિકની સમસ્યા ઓછી રહે છે. પરંતુ હલકી ગુણવત્તાના કામને કારણે આ રસ્તો થોડા જ સમયમાં જર્જરિત થઈ ગયો છે. રસ્તા પર મસમોટા ખાડા પાડવાની સાથે કેટલીક જગ્યાએ રસ્તો બેસી ગયો છે. જેને કારણે વાહનો સ્લિપ થવાની સંભાવના રહેલી છે. બીજી તરફ રસ્તાની બાજુમાંથી જ નહેર પસાર થતી હોવાથી વાહનચાલકની થોડી સરખી ભૂલને કારણે વાહન સીધું નહેરના ખાબકી શકે છે. આથી અનેક વાહનચાલકો અહીંથી પસાર થવામાં ડર અનુભવે છે. ત્યારે તંત્ર દ્વારા આ રસ્તાની યોગ્ય મરામત કરાવી નહેર અને રોડ વચ્ચે ડિવાઇડર જેવી આડાશ બનાવવામાં આવે તેવી માંગ ઊઠી છે.

Most Popular

To Top