SURAT

સાયલન્ટ ઝોનની જમીનના વિવાદનો પડઘો ફરી સંભળાયો, કસૂરવારો સામે કાર્યવાહીની માંગ ઉઠી

સુરત: સુરત શહેરના ડુમસ વિસ્તારના સાયલન્ટ ઝોનની કરોડો રૂપિયાની જમીનોના પ્રોપર્ટી કાર્ડ કૌભાંડમાં કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા માંગણી કરી છે.

  • કરોડોની મહામૂલી જમીનોના સરકારી કાગળો ગુમ થવાના પ્રકરણમાં આરટીઆઈમાં જવાબ આપવામાં ગલ્લાતલ્લાં!
  • કાગળ ગુમ કરનારાઓ સામે પગલાં ભરવા કોંગ્રેસના દર્શન નાયકની રજૂઆત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી દર્શન નાયકે ફરી એકવાર મહેસૂલી ખાતામાં ચાલી રહેલી ઘાલમેલ સામે અવાજ ઉઠાવ્યો છે. તેમણે રજૂઆતો કરી હતી કે વિતેલા કેટલાક સમયથી તેઓ ડુમસની ખરોબો રૂપિયાની જમીન મામલે આરટીઆઇ કરી રહ્યા છે. પરંતુ આજદિન સુધી તંત્ર તેમને વિગતો આપતું નથી. આ અંગે તેમને ગુપ્ત રાહે તપાસ કરી તો ડુમસના સાયલન્ટ ઝોનમાં આશરે 100 કરતાં વધારે જમીનોના બ્લોક નંબર છે. જેમના જમીનોની બિનખેતી વગર સીધા પ્રોપર્ટી કાર્ડ બની ગયા છે.

આ કાર્ડ કેવી રીતે બનેલાં તે અંગે તેમને સચોટ વિગતો માંગી હતી. આ અંગે તેમને અરજી કોણે કરી સહિત અરજી સાથે કયા કયા કાગળો કોને રજૂ કરેલા તે સહિત વિગતો માંગી હતી. આ તપાસમાં જાણવામાં આવ્યું હતું કે, ડુમસના સાયલન્ટ ઝોનની જમીનોમાં જમીનોના મહત્ત્વના દસ્તાવેજ ગામ નમૂના નંબર એક ગાયબ કરી દેવાયો છે. આ રેકોર્ડ સરકાર પાસે જ હોય છે. તેવા સંજોગોમાં જમીનનો આ મૂળભૂત રેકર્ડ કેવી રીતે ગાયબ થઇ ગયો તે તપાસની વાત છે.

મહેસૂલી વિભાગોમાં જમીનોનાં કામોમાં ગામના નમૂના સહિતના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. સરકાર પાસે જમીનને લગતા કોઈપણ વિવાદ આવે કે રજૂઆત આવે તેનો નિકાલ રેકર્ડના આધારે થતો હોય છે. જેથી સરકારના મહેસૂલ વિભાગના જવાબદાર તમામ અધિકારીઓની જવાબદારી છે કે જમીનને લગતા તમામ કાગળો અને દસ્તાવેજોના રેકર્ડની જાળવણી કરે.

કેટલીકવાર કેટલાક બેજવાબદાર અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચારને છાવરવા કે કોઈને ફાયદો કરાવવા માટે મહેસૂલી / રેવન્યુ વિભાગના દસ્તાવેજો મનસ્વી રીતે ગુમ કરી દેવામાં આવે એવું બનતું હોય છે. તેમાં ખાસ કરીને જે સમયે અમુક ચોક્કસ વિસ્તારમાં ભ્રષ્ટાચાર બાબતે ફરિયાદો ઊઠી રહી હોય ત્યારે આવા કાયદા વિરુદ્ધનાં કૃત્યો કરવામાં આવતાં હોય છે.

દર્શન નાયકે પૂછેલા વેધક સવાલો

  • ડુમસ ગામ નમૂનો નં.૧ની નકલ ગુમ કરવા પાછળ કોઈ કૌભાંડ તો નથી ને?
  • કોઈ કૌભાંડને દબાવવા કે છુપાવવા માટે તો ગામ નમૂનો નં.૧ ગુમ નથી કરવામાં આવ્યો ને?
  • ડુમસ ગામનો ગામ નમૂનો નં.૧ ક્યારે અને કોના સમયમાં ગુમ થયેલો છે?
  • ડુમસ ગામનો ગામ નમૂનો નં.૧ જે સમયે ગુમ થયો ત્યારે કોઈ જવાબદાર અધિકારીને જાણ કરવામાં આવી હતી હતી કે નહીં?
  • ડુમસ ગામનો ગામ નમૂનો નં.૧ જે સમયે ગુમ થયો ત્યારે કોઈ ફરિયાદ કરવામાં આવી હતી કે નહીં?

Most Popular

To Top