નવી દિલ્હી (New Delhi): ભારતના કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસોમાં (Corona Cases) વધારો થતાં દિલ્હી (Delhi) સરકારે જાહેરાત કરી છે કે આગામી દિવસોમાં દિલ્હીમાં પ્રવેશવા માટે આ પાંચ રાજ્યો-કેરળ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને પંજાબથી આવતા મુસાફરોએ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે. હાલમાં દિલ્હી સરકારે કરેલી જાહેરેત મુજબ 15 માર્ચ સુધી આ નિયમ લાગુ રહેશે. આ નિયમ 26 જાનિયુઆરીએ રાત્રે 12 વાગ્યાથી અલમાં આવશે.

આ નિયમ ફ્લાઇટ્સ, ટ્રેનો અથવા બસો દ્વારા દિલ્હી આવતા તમામ મુસાફરોને લાગુ પડશે. સૂત્રોએ જણાવ્યુ હતુ કે દિલ્હી સરકારે આ નિર્ણય લીધો કારણ કે દેશમાં છેલ્લા અઠવાડિયામાં નવા કોરોનાવાયરસના 86 ટકા કેસ આ પાંચ રાજ્યોમાંથી આવ્યા છે. આ સિવાય ભારતે છેલ્લા કેટલાક દિવસોમાં કોવિડ -19 સક્રિય કેસોમાં સતત વધારો નોંધાવ્યો છે, જેના પગલે હવે એવુ લાગે છે કે દેશમાં કોરોનાની નવી લહેર આવે એવી શક્યતા છે. કેન્દ્ર તરફથી તમામ રાજ્યોને કડક દેખરેખ, નિયંત્રણ અને RT-PCR પરીક્ષણ વધારવાની સૂચના આપવામાં આવી છે. પંજાબ એવા પાંચ રાજ્યોમાં શામેલ છે કે જેણે કેન્દ્ર દ્વારા કડક દેખરેખ, નિયંત્રણ અને આરટી-પીસીઆર પરીક્ષણ પર વધતા જતા કેસોની ચકાસણી કરવા પર પુન:ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે.
કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટે મહારાષ્ટ્રથી આવતા લોકોનું મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું કે વધતા કોવિડ -19 કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં સોમવારથી ધાર્મિક, સામાજિક અને રાજકીય મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

કર્ણાટકમાં, આરોગ્ય પ્રધાન કે.સુધાકરે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા પ્રત્યેની બેદરકારી અને કેસોની સંખ્યામાં વધારો થાય તો કડક પગલાં લેવા લોકોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે લગ્નો પર નજર રાખવા માટે માર્શલો તૈનાત કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકારે પડોશી કેરળ અને મહારાષ્ટ્રથી રાજ્યમાં આવનારાઓ માટે કોરોનાનો નેગેટિવ RT-PCR રિપોર્ટ સાથે રાખવો ફરજિયાત છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મંગળવારે ઇનડોર અને આઉટડોર મેળાવડા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. તેમના હુકમ મુજબ પંજાબમાં બંધ હોલમાં મેળાવડામાં 100 લોકો અને ખુલ્લા મેદાનમાં 200 લોકો જ ભેગા કરી શકાશે. આ ઓર્ડર 1 માર્ચથી અમલમાં આવશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્ર કોવિડ -19 કેસોમાં દૈનિક ઉછાળો દર્શાવે છે. કેરળમાં કોરોના કેસના વૃદ્ધિદરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ દૈનિક કેસો હજી વધારે છે. પંજાબ, તેના કેસોમાં રોજનો વધારો થતો હોવાથી તે પણ ચિંતાનું કારણ છે. કેન્દ્રીય અધિકારીએ મંગળવારે કહ્યું હતું કે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ દૈનિક કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોવિડ -19 ના કુલ કેસનો આંકડો 13,742 નવા કેસ સાથે વધીને 1,10,30,176 પર પહોંચી ગયો છે, જ્યારે 104 નવા મોત સાથે આ સંખ્યા વધીને 1,56,567 થઈ ગઈ છે.
