દિલ્હીથી ગોવા જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 6E 6271ને ગતરોજ બુધવારે ટેકનિકલ ખામીના કારણે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. વિમાનમાં કુલ 191 જેટલા મુસાફરો સવાર હતા. પાયલોટે ફ્લાઈટ દરમિયાન ‘PAN PAN PAN’ મેસેજ આપ્યો, જેનાથી મુસાફરોની વચ્ચે ઘબરાટનો માહોલ સર્જાયો હતો.
શું થયું હતું ફ્લાઈટમાં?
ઇન્ડિગો ફ્લાઇટ 6E 6271એ દિલ્હીથી રાત્રે ગોવા માટે ઉડાન ભરી હતી. લેન્ડિંગ શેડ્યુલ મુજબ તે ગોવા પહોચી જવાની હતી, પરંતુ ફ્લાઈટ દરમિયાન પાયલટે લગભગ રાત્રે 9.25 વાગ્યે એન્જિનમાં ખામી જોવા મળતાં ઇમરજન્સી સંકેત આપ્યો. ત્યારબાદ ફ્લાઈટને રી-ડાયવર્ટ કરીને રાત્રે 9.52 વાગ્યે મુંબઈમાં સુરક્ષિત ઉતારવામાં આવી.
‘PAN PAN PAN’ નો અર્થ શું થાય છે?
‘PAN PAN PAN’ એ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સંદેશાવ્યવહારનો એક કટોકટી સંકેત છે, જે ફ્રેન્ચ શબ્દ ‘Panne’ પરથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ ‘તકનીકી ખામી’ થાય છે. જ્યારે પાયલટ આ સંકેત આપે છે ત્યારે તેનો અર્થ હોય છે કે ફ્લાઈટમાં તાત્કાલિક જીવલેણ ખતરો નથી, પણ પરિસ્થિતિ ગંભીર છે અને તાત્કાલિક ધ્યાન અથવા સહાયની જરૂર છે.
આ મેસેજ, ‘MAYDAY’ કરતા ઓછું ગંભીર માનવામાં આવે છે. MAYDAY ત્યારે બોલાય છે જ્યારે વિમાન તાત્કાલિક ખતરામાં હોય, જેમ કે ઇન્ફ્લાઈટ ફાયર, દુર્ઘટનાગ્રસ્ત થવાનો ભય, કે મોટી મેકેનિકલ ફેલિયર.
ઇન્ડિગોનું નિવેદન:
એરલાઇન તરફથી જણાવવામાં આવ્યું કે ટેકનિકલ ખામી ઉડાન દરમિયાન જોવા મળી હતી. સલામતીના પ્રોટોકોલ મુજબ પગલાં લેવામાં આવ્યા અને વિમાનને મુંબઇમાં ઉતારવામાં આવ્યું. વિમાનની સંપૂર્ણ તકનીકી તપાસ હાથ ધરવામાં આવી છે અને તમામ મુસાફરો સલામત છે.
વિમાનનું મોડેલ અને સુરક્ષા:
આ ફ્લાઈટ એરબસ A320,NEO મૉડેલનું વિમાન હતું, જેમાં બે એન્જિન હોય છે. આવા વિમાનો એક એન્જિન પર પણ સુરક્ષિત લેન્ડિંગ કરી શકે છે. જેથી પાયલટે પણ શાંતપણે ‘PAN PAN PAN’ મેસેજ આપીને વિમાનને સલામત રીતે લેન્ડિંગ કર્યું હતું.