કોંગ્રેસ અને આપનાં મતોનું ધ્રુવિકરણ થતા ડાંગમાં ભાજપનાં વિજય પટેલનો સહેલાઈથી વિજય – Gujaratmitra Daily Newspaper

Dakshin Gujarat

કોંગ્રેસ અને આપનાં મતોનું ધ્રુવિકરણ થતા ડાંગમાં ભાજપનાં વિજય પટેલનો સહેલાઈથી વિજય

સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લામાં (Dang District) પાર તાપી અને નર્મદા રિવરલિંક પ્રોજેક્ટને (Narmada River link Project) લઈને આંદોલન કરી રહેલા કોગ્રેંસનાં મુકેશભાઈ પટેલ અને આપનાં સુનિલભાઈ ગામીતનાં મતો ધ્રુવિકરણ થતા જે પોષતુ તે મારતુ અને જે ક્રમ દિશે તે કુદરતની ઉક્તિ સાર્થક થતા ભાજપાનાં (BJP) વિજય પટેલે સહેલાઈથી જીત મેળવી આ બન્ને ઉમેદવારોને (Candidate) કારમી હારનો સ્વાદ ચખાડ્યો હતો.

  • કોગ્રેંસ અને આપનાં મતોનું ધ્રુવિકરણ થતા ડાંગમાં ભાજપનાં વિજય પટેલનો સહેલાઈથી વિજય
  • ડાંગ જિલ્લામાં પંજો અને ઝાંડુનો સફાયો થતા ભાજપાનાં કાર્યકરો ગેલમાં દેખાયા
  • કુલ 1,30,072માંથી ભાજપાનાં ઉમેદવાર વિજય પટેલને 19,674 મત મળ્યાં
  • કોગ્રેંસનાં મુકેશ પટેલને 42,859, ત્રીજા નંબરે આપનાં ઉમેદવાર સુનિલ ગામીતને 20,822 મત મળતા ત્રીજો પક્ષ ઉભરી આવ્યો
  • ડાંગ બેઠક પર કોગ્રેંસ માટે ‘જે પોષતુ તે મારતુ’ અને ‘જે ક્રમ દિશે’ તે કુદરતની ઉક્તિ સાર્થક થઇ

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાની 173 વિધાનસભાની બેઠક પર 2022ની ચૂંટણીમાં ભાજપા, કોગ્રેંસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો હતો. આ ત્રિપાંખીયા જંગમાં ભાજપાનાં વિજય પટેલે બાજી મારતા કોગ્રેંસ અને આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો. ડાંગ વિધાનસભાની બેઠક પર ઇતિહાસમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવી 20,822 મતો લઈ જતા પરિવર્તન જોવા મળ્યુ હતુ. જાહેર થયેલા પરિણામો બાદ ડાંગ ભાજપાનાં ઉમેદવાર વિજય રમેશભાઈ પટેલનો 19,674 મતે વિજય થવા પામ્યો છે.

આજે આહવાની સાયન્સ કોલેજ કોલેજ ખાતે સવારે 8 વાગ્યાથી કુલ 14 ટેબલો ઉપર હાથ ધરાયેલી મત ગણતરી દરમિયાન 24 રાઉન્ડ બાદ કુલ થયેલા 1,30,072 મતદાનમાંથી ભાજપાનાં ઉમેદવાર વિજય પટેલને 62,533 મતો મળ્યા હતા. જ્યારે કોગ્રેંસનાં હરીફ ઉમેદવાર મુકેશ ચંદરભાઈ પટેલને 42,859 મત મળતા વિજેતા ઉમેદવાર વિજય પટેલને 19,674 મતની લીડ પ્રાપ્ત થતા ડાંગવાસીઓએ ડબલ એન્જિન સરકારનો વિજય ઉત્સવ મનાવ્યો હતો. વધુમાં ડાંગ બેઠક ઉપર ત્રીજા નંબરે આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર સુનિલ ગામીતને 20,822 મતો મળતા ડાંગનાં ઈતિહાસમાં ત્રીજો પક્ષ તરીકે આપ પાર્ટી ઉભરી આવી હતી.

જ્યારે ચોથા ક્રમે 1910 (NOTA)ને મત મળ્યા હતા. પાંચમા નંબરે બી.એસ.પીનાં ઉમેદવાર સંગીતા આહિરેને 1468 મત, અપક્ષ એસ્તરબેન કેશરભાઈ પવારને 1103 મત સાથે છઠા નંબરે રહ્યા હતા. નિલેશભાઈ શિવાજીભાઈ ઝાંબરે (BTP)ને 847 મતો મળતા સાતમા ક્રમે રહ્યા હતા. વિજય પટેલ ત્રીજી વખત વિજેતા બનતા ભાજપાનાં કાર્યકરોએ આહવામાં ડીજેનાં તાલે વિજય સરઘસ કાઢી ફટાકડા ફોડી જીતનાં ઉત્સવને મનાવ્યો હતો. ડાંગ જિલ્લામાં પેટાચૂંટણી બાદ ફરી ડાંગવાસીઓએ ભાજપાની ડબલ એન્જિન સરકાર પર વિશ્વાસ રાખી ભાજપાનાં ઉમેદવાર વિજય પટેલને ભવ્ય જીત અપાવવામાં સફળતા મેળવી હતી. ડાંગ જિલ્લામાં પંજો અને ઝાડુનો સફાયો થતા ભાજપાનાં કાર્યકરો ગેલમાં દેખાયા હતા.

ડાંગમાં કોગ્રેંસનાં મતો આમ આદમી પાર્ટીમાં વિલીનીકરણ થયા
ડાંગ જિલ્લામાં 1 જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયત ભાજપા પાસે હોવા છતાંય બીજા નંબરનાં હરીફ કોગ્રેંસનાં ઉમેદવાર મુકેશ પટેલને 42,859 મત મળ્યા હતા. જ્યારે ત્રીજા નંબરનાં આપનાં ઉમેદવાર સુનિલ ગામીતને 20,822 જેટલા મતો મળ્યા હતા. ડાંગ 173 વિધાનસભાની બેઠક પર કોગ્રેંસનાં મતો આમ આદમી પાર્ટીમાં વિલીનીકરણ થતા ભાજપાનાં વિજય પટેલે એક કાંકરે બે પક્ષીઓનો શિકાર કરી ડાંગ 173 વિધાનસભાની બેઠક પર આસાનીથી જીતનો કબ્જો મેળવ્યો હતો.

ડાંગ બેઠક પર પાર તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ યોજના કોગ્રેંસ માટે હારનું કારણ બની
દક્ષિણ ગુજરાતની પાર તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનાં બંને આંદોલનકારીઓએ ડાંગ વિધાનસભાની બેઠક પર દાવપેચ અજમાવવા જતા બંને ભેરવાયા અને હતાશાની સાથે કારમી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં પાર તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનાં વિરોધમાં આંદોલનકારી તરીકે કોગ્રેસનાં ઉમેદવાર મુકેશ પટેલ અને આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર સુનિલ ગામીતની ઉભરી આવ્યા હતા. આ બંને નેતાઓ આંદોલનમાં એક સ્ટેજ પર સાથે દેખાતા હતા. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેંસ અને આપમાંથી ટિકીટ મળતા બંને છુટા પડ્યા હતા. ડાંગ વિધાનસભાની બેઠક પર કોગ્રેંસ માટે જે પોષતુ તે મારતુ અને જે ક્રમ દિશે તે કુદરતની ઉક્તિ સાર્થક થયેલો જણાય છે. વિધાનસભાની બેઠક પર કોંગ્રેસ અને આપની લડાઈમાં ભાજપાને જંગી મતો ધ્રુવિકરણ થઈ જતા ભાજપાનાં ઉમેદવાર વિજય પટેલ દરેક રાઉન્ડમાં સરસાઈ મેળવી 19,674 જેટલા જંગી મતો સાથે વિજેતા બન્યા હતા.

Most Popular

To Top