Dakshin Gujarat Main

થર્ટી ફર્સ્ટની ઉજવણી દમણમાં કરવાનું આયોજન છે? તો એક વાર આટલું જાણી લેજો નહીં તો..

દમણ: (Daman) 31 ડિસેમ્બરના નવા વર્ષની ઉજવણી (New Year Celebration) પર નાઈટ કરફ્યૂનો (Night Curfew) ગ્રહણ લાગ્યું છે. કોવિડનાં વધી રહેલા કેસને જોતા પ્રશાસને અગમચેતીનાં ભાગરૂપે 1 ડિસેમ્બરથી રાત્રે 11 થી સવારે 6 સુધી કરફ્યૂ લગાવાનો નિર્ણય લેતા આ વર્ષે નવા વર્ષની ઉજવણી પર પૂર્ણ વિરામ લાગી ગયું છે.

દમણમાં દર વર્ષે સુરત, બરોડા, અમદાવાદ, મુંબઈ તથા આસપાસનાં વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પર્યટકો મોજમસ્તી અને ખાણીપીણી કરી નવા વર્ષનાં વધામણા કરવા અર્થે આવે છે. દર વર્ષે દેવકા તથા અન્ય વિસ્તારોમાં આવેલ હોટલોમાં નવા વર્ષને લઈને ડી.જે. પાર્ટીની સાથે આતશબાજીનો પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ કોરોનાની મહામારીને લઈ 2 વર્ષથી આ ઉજવણી પર ગ્રહણ લાગવા પામ્યું છે. ગત વર્ષે પણ આ પ્રમાણેની સ્થિતિ હોટલ સંચાલકોએ મર્યાદિત પર્યટકોની સાથે નિયત સમય મર્યાદામાં ઉજવણી કરી હતી. ત્યારે આ વર્ષે પ્રશાસને 31 મી ડિસેમ્બરની ઉજવણી પહેલા જ રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ લાદતા નવા વર્ષની ઉજવણી પર જામે પૂર્ણ વિરામ મુકાય ગયું હોય એવું પ્રતિત થઈ રહ્યું છે.

  • કોવિડના વધતા કેસને પગલે પ્રશાસને અગમચેતીના ભાગરૂપે રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવ્યો
  • નાઈટ કરફ્યુને લઈ હોટલ સંચાલકોએ પણ નવા વર્ષની ઉજવણી માટે બુકિંગ લેવું કે નહીં એની અસમંજસ સ્થિતિમાં મુકાયા

આ તરફ પ્રદેશની હોટલોમાં ઉજવણીને લઈ પર્યટકોની અનેક ઈન્કવાયરીઓ આવી રહી છે. પરંતુ પ્રશાસન દ્વારા નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે કે નહીં એની કોઈપણ પ્રકારની ગાઈડલાઈન જાહેર નહીં કરતાં હોટલ સંચાલકો પણ પર્યટકોનું બુકિંગ લેવું કે ન લેવું એ મુંઝવણમાં મુકાઈ જવા પામ્યા છે. ત્યારે આ વર્ષે દમણમાં નવા વર્ષની ઉજવણી થશે કે કેમ એ માટે પ્રશાસનની ગાઈડલાઈનની હોટલ સંચાલકોની સાથે અન્ય લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ બાબતે પ્રશાસન ઉજવણીને લઈ કોઈ ગાઈડલાઈન જારી કરે છે કે કેમ, એ હવે જોવું રહ્યું.

દર વર્ષની જેમ આ વર્ષે પણ દારૂ પીને વાહન ચલાવનારા દંડાશે
દર વર્ષે દમણમાં નવા વર્ષની ઉજવણી જોરોશોરથી થતી હોય છે. પર્યટકો પણ દારૂ અને બીયરની ચૂસ્કી મારી ડી.જે. અને ઓરકેસ્ટ્રાના તાલ પર થીરકી નવા વર્ષનાં વધામણા કરતાં હોય છે. ત્યારે દારૂની મોજ મસ્તી માણી પરત ફરતાં લોકોને ઝબ્બે કરવા ગુજરાત પોલીસ પણ દર વર્ષે એક્શન મોડમાં આવી પ્રદેશની બોર્ડર પર ચાપ્તો બંદોબસ્ત ગોઠવી દારૂ પીને આવનારાઓને પકડી જેલનાં સળિયા પાછળ ધકેલવાની કાર્યવાહી કરતાં હોય છે. ત્યારે આ વર્ષે પણ દમણની તમામ બોર્ડર પર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચાપ્તો બંદોબસ્ત ગોઠવી બ્રીથ એનાલાઈઝર વડે કાર અને બાઈક ચાલકોનું ચેકીંગ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ગુજરાત પોલીસનાં ચાપ્તા બંદોબસ્તને લઈને પણ મોટે ભાગનાં પર્યટકો આ વર્ષે દમણમાં થોડા સમય માટે પણ ઉજવણી કરવા આવશે નહીં એવી શંકા હાલની પરિસ્થિતિને જોઈને વ્યક્ત કરાઈ રહી છે.

Most Popular

To Top