કોરોના વાયરસને ભગાડવા અને લોકોને લોકડાઉનનું પાલન કરાવવા દમણ પોલીસે એક અનોખો પ્રયાસ કર્યો છે. દમણ પોલીસે એક ગીત બનાવ્યું છે. દેશ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયો છે અને અનેકના અકાળે મોત નિપજ્યા છે. ત્યારે મહામારીથી કઈ રીતે બચી શકાય એ માટેના ઉપાયો શોધવાનો પ્રયાસ દેશ વિદેશોમાં થઈ રહ્યો છે. આ મહામારીની ચેઈનને નાથવા દેશનાં વડાપ્રધાને લોક ડાઉનનો આદેશ કર્યો છે અને તેનું પાલન દેશમાં થઈ રહ્યું છે. લોકો ઘરોમાં જ રહેવા મજબુર બન્યા છે.
દમણ પણ લોક ડાઉનની સ્થિતિમાં છે. પ્રદેશની તમામ ચેકપોસ્ટ અને દમણમાં તમામ રસ્તાઓ પર પોલીસ ચાપ્તો બંદોબસ્ત ગોઠવી કોઈ પણ બહારની વ્યક્તિને પ્રદેશમાં પ્રવેશ આપી નથી રહ્યા. સ્વાસ્થ્ય કર્મચારીઓની સાથે પોલીસ જવાનો પણ દિવસ રાત ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે ચાઈનાના વુહાનથી શરૂ થયેલા આ વાયરસને પગલે દમણનાં એક પોલીસ જવાન કુનિલકુમાર દ્વારા એક ગીત તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ‘કોરોના કો ઈતના માર ભગાયેંગે……. કે જીનપીંગ હમે યાદ કરેંગે…’ આ ગીતને કુનિલકુમારે પોતાના મધુર સ્વરમાં નાની દમણ પોલીસ મથકની બહાર માઈક પર ગાઈ આસપાસમાં રહેતા લોકોની સાથે પોલીસ જવાનોને મનોરંજન પુરું પાડતો વિડિયો જોવા મળ્યો હતો. હાલ કુનિલકુમારનો આ વિડિયો શોશ્યલ મિડિયા પર ભારે વાયરલ થયો છે.