દમણ: (Daman) દમણ પૂલ દુર્ઘટના માં મોતને ભેટેલા 28 બાળકોની યાદમાં બનાવવામાં આવેલ સ્મારકની (Memorial) અવમાનનાનાં દ્રશ્યો સામે આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તંત્રની નિષ્કાળજી કહો કે પ્રવાસીઓની બેજવાબદારી કહો પરંતુ સ્મારકના ફુવારાના (Fountain) પાણીમાં નહાવાની મજા માણતા પર્યટકો મૃતકોનું ઘોર અપમાન કરી રહ્યા હોય તે સ્પષ્ટ દેખાઈ આવે છે. દમણનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
- દમણમાં આવતા પ્રવાસીઓ ભૂલ્યા ભાન, સ્મારકને સ્વીમિંગ પૂલ સમજી મસ્તીમાં ડૂબ્યા
- પ્રવાસીઓના પાણીમાં નહાવાનો વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
પર્યટકો સ્મારકના ફૂવારામાં નાહતા હોય એનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દમણના વાયરલ થયેલા સ્મારકના વીડિયોમાં દેખાય છે કે મૃત્યુ પામેલા બાળકોનું સ્મારક હોવા છતાં પર્યટકો જાણે વોટર પાર્કમાં મઝા માણતાં હોય એમ નહાવાની મજા માણી રહ્યા છે. આ સ્મારક મોટી દમણ કિલ્લાની પાછળ આવેલો છે.
આ ઘટના બાદ તંત્રની આંખ ઉઘડી હોય તેમ હવે તંત્ર કામે લાગ્યું છે. પાણીમાં નહાવાનો વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ તેની જાણ પ્રશાસનને થવા પામી હતી. અને તુરંત આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વિડિયો વાયરલ થયા બાદ તંત્રએ સ્મારક પાસે કાયમી પોલીસ બંદોબસ્ત લગાવવાનો નિર્ણય લીધો છે. સાથે જ અહીં સી.સી. ટીવી કેમેરા પણ લગાડવામાં આવશે. તંત્રએ આ અંગેની તૈયારી તો દાખવી છે પરંતુ જોવું એ રહ્યું કે આ કામગીરી કેટલી ઝડપથી થાય છે.
દમણમાં વર્ષ 2003માં મોટી દમણ અને નાની દમણને જોડતો પુલ બપોરના સુમારે અચાનક ધરાશાયી થઈ જતાં પુલ પરથી પસાર થતી મોટી દમણની અવર લેડી ઓફ ફાતિમા અંગ્રેજી માધ્યમની શાળાના બાળકોની બસ દમણગંગા નદીમાં ખાબકી હતી. તેમાં સવાર 28 જેટલા નાના મોટા વિદ્યાર્થીઓ, એક શિક્ષક અને એક રાહદારી મળી કુલ 30 જણનાં કરૂણ મોત નિપજવા પામ્યા હતા. ત્યારે ઘટનાના 20 વર્ષ પછી બાળકોની યાદમાં દમણ પ્રશાસન દ્વારા મોટી દમણ કિલ્લાની પાછળ ચિલ્ડ્રન મેમોરીયલ ગાર્ડન બનાવવામાં આવ્યો છે. જેની મુલાકાત અહીં આવતા પર્યટકો અચૂક લેતા હોય છે. ત્યારે આ મેમોરીયલ ગાર્ડનમાં બાળકોના શહીદ સ્મારક પાસે ફુવારા પણ બનાવવામાં આવ્યા છે.