દાહોદ: દાહોદ શહેરમાંથી પસાર થતાં દાહોદ – ઈન્દૌર રોડ ખાતે એક પેસેન્જર ભરેલ લક્ઝરી બસ અકસ્માતે પલ્ટી કાઈ જતાં બસમાં સવાર અંદાજે ૪૦ જેટલા મુસાફરો પૈકી ૧૦ થી ૧૫ મુસાફરોને ઈજાઓ થતાં તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.સાંજના સાડા પાંચેક વાગ્યાના આસપાસ એક ખાનગી લક્ઝરી બસ અમદાવાદથી ઈન્દૌર ખાતે જઈ રહી હતી તે સમયે દાહોદ શહેરના ઈન્દૌર હાઈવે રોડ પર પેસેન્જર ભરેલ લક્ઝરી બસ જાેતજાેતામાં અકસ્માતે પલ્ટી ખાઈ જતાં અંદર સવાર અંદાજે ૪૦ જેટલા મુસાફરો પૈકી અંદાજે ૧૫ જેટલા મુસાફરોને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી.
ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. પોલીસ આવે તે પહેલા સ્થાનીક લોકોએ ઈજાગ્રસ્તો તથા અન્ય મુસાફરોને બસમાં બહાર કાઢવાની કવાયતો હાથ ધરી હતી અને થોડીક ક્ષણોમાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્શ સેવા મારફતે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સદ્નસીબે આ માર્ગ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી ત્યારે સમગ્ર મામલે પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.
ઝાલોદના ખેડા ગામે ટ્રેક્ટરની ટક્કરે બાઇકચાલકનું મોત
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખેડા ગામે એક ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજાનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી એક મોટરસાઈકલ પર સવાર દંપતિને અડફેટમાં લેતાં એકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.હવસીંગભાઈ તેરસીંગભાઈ સંગાડા અને તેમની સાથે તેમની પત્નિ અસનાબેનના પોતાના કબજાની મોટરસાઈકલ લઈ ખેડા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે એક ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજાનું ટ્રેક્ટર પુઝડપે હંકારી લાવી હવસીંગભાઈની બાઇકને અડફેટમાં લેતાં હવસીંગભાઈ અને તેમની પત્નિ અસનાબેન બંન્ને બાઇક પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે હવસીંગભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું.
પુંસરી નદીના પુલ પર કારની ટક્કરે બાઇકચાલક નદીમાં ખાબકતા મોત
દાહોદ: દાહોદના પુંસરી નદીના પુલ પર બાઈક ચાલકને કાર ચાલકે ટક્કર મારતા બાઈક ચાલક ફંગોળાઈ ને નદીમાં પડવાથી મોત નીપજ્યું દાહોદના પુંસરી નજીક પણ અકસ્માતોની વણઝાર રોકાવાનું નામ નથી લેતી ત્યારે ગઈ કાલે અમદાવાદથી ઇન્દોર તરફ જઈ રહેલી લક્ઝરી બસે અકસ્માતે પલ્ટી મારતા અંદર સવાર કેટલાક પેસેન્જરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી પરંતુ કોઈ જનહાની બનવા નહોતી પામી ત્યારે આજે ફરી વહેલી સવારે કાર ચાલક અને બાઈક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલક ફંગોળાઈ જતા તેનું મોત નીપજ્યું હતું ત્યારે બાઈક નો ખુરદો બોલાઈ ગયો હતો અને કાર પણ નદીના પુલની રેલિંગ સાથે આગળનો ભાગ ભરાઈ જતા કાર ચાલકને પણ ઈજાઓ પહોંચતા તેને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હોવાનું જાણવા મળી રહ્યું છે હાલતો મરણ જનાર બાઈક ચાલક કયા ગામનો છે અને ક્યાંથી કયા જઈ રહ્યો હતો તેની તપાસ પોલીસ કરી રહી છે. ત્યારે આ અકસ્માતને પગલે આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને 108 તેમજ પોલીસને જાણ કરાઈ હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.