સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું (VNSGU) નામ અને લોગોનો ઉપયોગ કરનારી વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કર્યા બાદ પેટીએમ (Paytm) બ્લોકની સાથે પાનકાર્ડ (Pancard) અપડેટ કરવાનો ટેક્સ મેસેજ પણ મળી રહ્યો છે. એટલું જ નહીં, એક લીંક પણ આવી રહી છે.
મેસેજમાં લખ્યું હતું કે તમારું પેટીએમ એકાઉન્ટ બ્લોક કરાયું છે, પાન કાર્ડ 24 કલાકમાં અપડેટ કરાવો અને એક લીંક મોકલી આપવામાં આવી, પરંતુ ફરિયાદીને શંકા જતાં લીંક ઓપન નહીં કરતાં સંભવત્ સાયબર ફ્રોડથી (CyberFraud) બચી ગયા
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નામ અને લોગોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ સાથે ઠગાઈનો પ્રયાસ મામલે ગુજરાતમિત્રએ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ રવિવારના અખબારમાં પ્રસિધ્ધ કર્યો હતો. જેના પગલે ગુજરાતમિત્રને એક ફરિયાદ મળતાં ફરિયાદ કરનાર વ્યકિતએ જણાવ્યું હતું કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નામ અને લોગોનો ઉપયોગ કરનારી વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કર્યું હતું. ત્યારબાદ ફોન આવ્યો હતો. જેમાં કોલેજો અને કોર્સ મામલે ચર્ચા કરી હતી.
જે પછી સાંજે એક અને રાત્રે એક એમ બે મેસેજ આવ્યા હતા. જેમાં પેટીએમ બ્લોક હોવાનું જણાવ્યું હતું અને તે સાથે પાનકાર્ડ અપડેટ કરવાની સૂચના આવી હતી તથા એક લીંક પણ આપવામાં આવી હતી. ઉપરાંત મેસેજ પણ કોઈ લોકલ નંબર પરથી આવ્યો હોવાનું જણાયું હતું. પરંતુ હું પેટીએમ યુઝ કરતો ના હોવાની સાથે લીંક વાંચતા અને નંબર જોતા મને શંકા ગઈ હતી. જેથી મેં તે લીંક ઓપન કરી ના હતી.
કોઇ ભેજાબાજ સાયબર ક્રાઇમ કરવાના ઇરાદે મેસેજ કર્યો હોવાની મને શંકા છે. મને આજ સુધી આવો કોઈ પણ મેસેજ આવ્યો નથી. પરંતુ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નામ અને લોગોનો ઉપયોગ કરનારી વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કર્યાના એક કલાકમાં આવો મેસેજ મળ્યો હતો. અહીં, કુલપતિ ડો. કે. એન. ચાવડા અને કુલસચિવ ડો. આર. સી. ગઢવીને આ મામલે ફરિયાદ મળતા તેમણે યુનિવર્સિટીનું નામ અને લોગોનો ઉપયોગ કરવાની વેબસાઇટ સામે કાર્યવાહી કરવાની તૈયારી હાથ ધરી છે.