Sports

રવિવારે ઈડન ગાર્ડન પર પોતાની છેલ્લી મેચમાં ધોની કેકેઆરને ધૂળ ચટાડવા તૈયાર

કોલકાતા: રવિવારે કોલકાતામાં (Kolkata) આઈપીએલની (IPL) મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) રમવા ઉતરશે તે પોતાની સતત 3 પરાજયની ચેઈનને તોડી વિજય નોંધાવવા માગશે. નીતિશ રાણાના નેતૃત્વવાળી ટીમે અગાઉ બહુ જ સારી શરૂઆત કરીને બેંગ્લોર અને ગુજરાતને હરાવ્યા હતા પણ ઓચિંતા તે પોતાનો માર્ગ ભૂલી ગઈ હતી.

  • કેકેઆરે મેચ જીતવી છે તો તેના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કરવું જ રહ્યું
  • ચેન્નાઈના બેટ્સમેન અને બોલર્સ બંને પોતાની લયમાં
  • ધોનીની નં. 7વાળી જર્સી પહેરેલા લોકોનું મહેરામણ ઈડન પર ઉમટવાની પૂરી શક્યતા

કેકેઆરના 6 મેચોમાં 4 પોઈન્ટ છે અને તેણે મેચ જીતવા દિલ્હી સામે ટીમમાં 4 ફેરફાર કર્યા હતા પણ તેનો લાભ થયો ન હતો. તેની તમામ હારમાં તેના બેટ્સમેનોએ સારો દેખાવ કર્યો ન હતો જ્યારે કે બોલર્સે સતત સારું પ્રદર્શન કર્યું હતું. હવે અડધી સીઝન બાકી છે ત્યારે કકેકેઆરે મેચ જીતવા નવેસરથી પોતાનો વ્યુહ ઘડવાની જરૂર છે. ઈંગ્લેન્ડનો ઓપનર જેસન રોય ટોચમાં સારું રમી રહ્યો છે, લિટ્ટન દાસે દિલ્હી સામે પોતાની પ્રથમ મેચમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું. તેણે સ્ટમ્પિંગની પણ બે તક ગુમાવી હતી. લિટ્ટનની જગ્યાએ અનકેપ્ડ ભારતીય ખેલાડી નારાયણ જગદીસનને લઈ શકાય છે જે વિકેટ કીપીંગની સાથે ઓપનિંગ પણ કરી શકે છે.

બીજી બાજુ કેપ્ટન એમ એસ ધોનીના પક્ષમાં લોકોની ભાવનાઓ પણ છે કારણ કે આ જાદુઈ ખેલાડીની ઈડન ગાર્ડન પર આ છેલ્લી મેચ હોઈ શકે છે. રવિવારની સાંજે ધોનીની નં. 7વાળી પીળી જર્સી પહેરેલા લોકોનું મહેરામણ ઈડન ગાર્ડન પર ઉમટવાની પૂરી શક્યતા છે. સીએસકેના ઓપનર ડેવોન કોનવે અને ઋતુરાજ ગાયકવાડ વચ્ચે સારી કેમેસ્ટ્રી છે અને બંને ટીમને સારી શરૂઆત આપી રહ્યા છે. સીએસકેની સ્પિન ત્રિપુટી મોઈન અલિ, રવિન્દ્ર જાડેજા અને મહેશ થીકશાના પણ ઈડન પર બોલિંગ કરવા આતુર હશે, જો કે ટીમનો એક્સ ફેક્ટર શ્રીલંકાનો પેસ સેન્સેશન મથીશા પાથીરાના છે. તેનામાં મલિંગા જેવી એક્શનની સાથે જ તેના જેવી જ સારી ગતિ અને વેરિએશન છે.

Most Popular

To Top