નવી દિલ્હી: હાલમાં IPL 2022 ની લીગ મેચો પૂરી થઈ ગઈ છે અને હવે માત્ર ચાર ટીમો પ્લેઓફમાં (Playoffs) રહી છે. હાલમાં સમગ્ર દેશમાં વાતવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે ઘણી બધી મોટી ઈવેન્ટ્સમાં મુશ્કેલીઓ આવી રહી છે. ત્યારે હવે ક્વોલિફાયર (Qualifier) અને એલિમિનેટરની (Eliminator) તૈયારી શરૂ થઈ ગઈ છે. પરંતુ આ વાતાવરણના પલટાને ધ્યાનમાં રાખી બીસીસીઆઈએ (BCCI) પ્લેઓફ મેચોને (Match) લઈને નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે.
બીસીસીઆઈએ પ્લેઓફ મેચોને લઈને નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા
હાલમાં આ વાતાવરણના પલટાના વાદળો માત્ર શહેરો કે રાજ્યોમાં જ અસર નથી કરી રહ્યા. પરંતુ હવે પ્લેઓફની પ્રથમ મેચ પર પણ સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. કારણે હાલમાં પૂર્ણ થયેલી IPL 2022 ની લીગ મેચો પછી ચાર ટીમો પ્લેઓફમાં રમવાની છે. જેમાં પ્રથમ ક્વોલિફાયર 24 મેના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. જે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હશે. પરંતુ કોલકાતામાં હવામાન બદલાઇ ગયું છે અને જબરદસ્ત વરસાદ થયો છે. આ સિવાય હવામાન વિભાગે આગાહી કરી છે કે કોલકાતામાં આગામી થોડા દિવસોમાં વરસાદ પડી શકે છે. આ વાતને લઈને બીસીસીઆઈ ચિંતામાં મુકાઈ ગયું હતું. તેથી બીસીસીઆઈએ પ્લેઓફ મેચોને લઈને નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે.
જો પ્લેઓફ મેચો પૂર્ણ નહીં થાય તો…
મળતી માહિતી અનુસાર, હવામાનના કારણે પ્લેઓફ મેચો પૂર્ણ નહીં થાય તો મેચનું પરિણામ સુપર ઓવર પરથી નક્કી કરવામાં આવશે. તેમજ જો સુપર ઓવર પરથી પણ પરિણામ નક્કી કરવાનું શક્ય નહિ બને તો IPL 2022ના પોઈન્ટ ટેબલમાં જે ટીમ સૌથી વધુ મેચ જીતી હશે અને જે ટીમ ટોપ પર હશે તેને વિજેતા જાહેર કરી દેવામાં આવશે. IPL 2022માં ટોપ ટેબલ પર ગુજરાત ટાઈટન્સ ટીમ છે. તેથી જો હવામાન બગડવાના કારણે મેચ શક્ય નહિ થાય તો ગુજરાત ટાઈટન્સ ડાયરેક્ટ ફાઈનલમાં પહોંચી જશે. ઉલ્લેખનીય છે કે IPLની તમામ લીગ મેચ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થતી હતી અને તેના અડધા કલાક પહેલા સાત વાગ્યે ટોસ થઇ જતો હતો. પ્લેઓફ મેચો માટે પણ આ જ શેડ્યૂલ રહેશે. પરંતુ જો વરસાદને કારણે હવામાન ખરાબ હશે તો પ્લેઓફની મેચો રાત્રે 9:40 વાગ્યા સુધી શરૂ થઈ શકે છે. આ મહત્તમ મર્યાદા છે, જો 9:40 વાગ્યા સુધી પણ હવામાન ખરાબ રહેશે તો આ સમય પૂર્ણ થયા બાદ મેચ રમાશે નહીં. આ સાથે સુપર ઓવરથી મેચનું પરિણામ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જો એ પણ શક્ય નહિ બને તો ઉપર જણવ્યા અનુસાર ટોપની ટીમને વિજેતા જાહેર કરી દેવામાં આવશે.
IPL 2022 ની ફાઇનલ મેચમાં પણ આ બદલાઓ આવી શકે છે
IPL 2022 ની ફાઇનલ મેચ 29 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યે શરૂ થશે. પરંતુ જો ફાઈનલ મેચમાં પણ વરસાદ અવરોધે તો આ મેચ રાત્રે 10.10 વાગ્યા સુધી શરૂ થઈ શકે છે. ત્યારબાદ મેચ મોડી શરૂ થવાના કારણે ઓછી ઓવરની મેચ રમી શકાશે. તેમજ વરસાદને કારણે મેચને મોડી શરૂ થશે, તેથી જો મેચ મોડી શરૂ થાય તો 12 વાગ્યા પછી મેચ યોજાય તેવી પૂરી સંભાવના છે. આ સાથે મળતી માહિતી મુજાબ, જો 29 મેના રોજ ફાઈનલ નહીં થાય તો તેના માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવશે. એટલે કે બીજા દિવસે 30 મેના રોજ મેચ રમાઈ શકે છે. એવું પણ શક્ય છે કે જો મેચ 29મી મેના રોજ શરૂ થાય અને વરસાદના અવરોધને કારણે એ દિવસ માટે મેચ સ્થગિત થાય અને બીજા દિવસે જયાંથી પહેલા દિવસે મેચ સમાપ્ત થઈ હોય ત્યાંથી તે બીજા દિવસે રમાઈ શકે છે. જો માત્ર 29મી મેના રોજ એક ઈનિંગ કરવામાં આવે છે અને બીજી ઈનિંગ કોઈ કારણસર કરવામાં આવી નથી, તો મેચનું પરિણામ ડકબર્થ-લુઈસ પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવશે.