નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા[એનએઆઈ] પર જોખમ ઊભું થયું છે. દેશના ઐતિહાસિક દસ્તાવેજને સુરક્ષિત રાખતું ‘એનએઆઈ’ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે જોખમમાં મૂકાયું છે. જો આમ થાય તો દેશના પ્રમાણિત દસ્તાવેજને નુકસાન પહોંચે અને ઇતિહાસની અનેક કડીઓના નામોનિશાન નહીં રહે. આ કારણે દેશ-વિશ્વની નામી 3800 જેટલી હસ્તીઓએ તેનો વિરોધ દર્શાવતી ઓનલાઈન પીટીશન દાખલ કરી છે. આ પીટીશનમાં ‘એનએઆઈ’ની ઇમારતને તોડી પાડવા અને તેની દેખરેખના હસ્તાંતરણ અર્થે ચિંતા જતાવવામાં આવી છે. 17 મેના રોજ થયેલી પીટીશનમાં ‘એનએઆઈ’ સંદર્ભે સરકાર વતી આવેલાં જુદા જુદા નિવેદનોથી અસ્પષ્ટતા નિર્માઈ છે તેને દૂર કરવા અંગે માંગણી કરવામાં આવી છે.
નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયાને બચાવવા કેમ દુનિયાભરથી લોકો આગળ આવી રહ્યાં છે? શું છે તેનું મૂલ્ય? ‘એનએઆઈ’ને જો નુકસાન થશે તો તેની ભરપાઈ કેમ નહીં થઈ શકે? આ સંસ્થાની સુરક્ષા પર કેમ એકાએક જોખમ આવી ગયું? ‘એનએઆઈ’ના નવનિર્માણથી શું દેશનો ઇતિહાસ અલગ દૃષ્ટિથી બતાવી શકાય? …આવી અનેક શક્યતાઓ દર્શાવીને ‘એનએઆઈ’નું મહત્વ લોકોને સમજાય તે અર્થે પ્રયાસ થઈ રહ્યા છે. આ પ્રયાસની પૃષ્ઠભૂમિકામાં જે તથ્ય છે તે હવે સમજીએ. એક અંદાજ મુજબ દેશની અનેક સદીઓનો ઇતિહાસ અહીં સચવાયેલો છે. આમાં 45 લાખ જેટલી ફાઈલો સંગ્રહીત છે; 25,000 અલભ્ય હસ્તલિખિત દસ્તાવેજ છે, એક લાખ નકશાઓ છે, કરારો છે, ત્રણેક લાખ અનુઆધુનિક દસ્તાવેજ છે અને હજારોની સંખ્યામાં ખાનગી દસ્તાવેજો અહીં છે. અહીં સુરક્ષિત દસ્તાવેજો વર્ષોથી, દાયકાઓથી અને સદીઓ જૂનાં છે. આવાં દસ્તાવેજોને લાંબા સમય સુધી સાચવવા અર્થે નિષ્ણાંતોની દેખરેખ જરૂરી છે. આ બધામાં એક કાગળની પણ હેરફેર થાય તો તે નુકસાન ભરપાઈ થઈ શકે એમ નથી.
નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયામાં દસ્તાવેજોની સંખ્યાથી સંભવત્ તેના મહત્ત્વને સ્થાપિત ન કરી શકાય, પણ આ સંસ્થાનો ઇતિહાસ જાણીએ-સમજીએ તો ખ્યાલ આવી શકે કે આ સંસ્થા દેશ માટે કેટલી અગત્યતા ધરાવે છે. જેમ કે, અહીં ઇ.સ. 1748થી વર્ષવાર રેકોર્ડ સચવાયેલા છે. અંગ્રેજી, અરેબિક, હિન્દી, પર્શિયન, સંસ્કૃત અને ઉર્દૂ જેવી વિવિધ ભાષાના અહીં દસ્તાવેજો છે. આ રેકોર્ડના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે.
આ વિભાગમાં પબ્લિક રેકોર્ડ્સ, ઓરિએન્ટ રેકોર્ડ્સ, મેનુસ્ક્રિપ્ટ્સ અને પ્રાઇવેટ પેપર્સ છે. 1998માં રાષ્ટ્રપતિ કે. આર. નારાયણ દ્વારા ‘એનએઆઈ’ના મ્યુઝિયમ વિભાગને લોકો માટે ખુલ્લુ મૂક્યું અને તે પછી જ લોકો તેની મુલાકાત લઈ શક્યા. આ સંસ્થા નિર્માણ પામી તેમાં અંગ્રેજોનું જ યોગદાન રહ્યું છે. અંગ્રેજો કોઈ પણ બાબતનું દસ્તાવેજીકરણ કરવામાં પાવરધા રહ્યા છે. બધું જ પદ્ધતિસર લખવું, સાચવવું તેમના લોહીમાં છે અને એટલે જ આજે પણ અંગ્રેજો દ્વારા તૈયાર થયેલાં અલભ્ય દસ્તાવેજ ઉપલબ્ધ છે, પરંતુ તે પછીના અનેક મહત્ત્વના દસ્તાવેજ આપણે સાચવી શક્યા નથી. અંગ્રેજો માનતા કે દરેક બાબત લખવી જોઈએ. તેમના માટે દરેક હૂકમ, યોજના, નીતિગત નિર્ણયો, સહમતિ, તપાસને સ્પષ્ટ શબ્દોમાં લખવાનું ખૂબ જરૂરી ગણાતું. આમ કરવાથી જ કોઈ પણ મુદ્દાનો અભ્યાસ થઈ શકે અને તે પછી તેના વિશે તર્ક-વિતર્ક પણ થઈ શકે.
આ જ કારણે સમજદારીપૂર્વક માહિતી એકઠી કરવાની, તે સંદર્ભે ટિકા-ટિપ્પણી કરવાની એક સંસ્કૃતિ જન્મી. તેઓના શાસનમાં આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયાનો જન્મ થયો. પહેલાં આ સંસ્થાનું ઠેકાણું કલકત્તા હતું અને 1891માં તેની સ્થાપના થઈ. પછીથી વીસ વર્ષે નેશનલ આર્કાઇવ્ઝને દિલ્હી લાવવામાં આવી અને 1926માં તેને નવી ઇમારત મળી. અંગ્રેજોના પ્રતાપે ભારતનો પણ અગાઉનો ગુમનામીભર્યો ઇતિહાસ તેમાં સચવાતો ચાલ્યો ગયો અને જ્યારે અંગ્રેજો અહીંથી વિદાય થયા ત્યારે તો નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા વિશ્વની સૌથી સમૃદ્ધ દસ્તાવેજો સાચવતી સંસ્થા તરીકે ખ્યાતિ પામી ચૂકી હતી.
દેશના દસ્તાવેજોને સાચવતી આ પ્રકારની આર્કાઇવ્ઝ એ રાજ્ય અને નાગરિકોનો સંબંધ પણ દર્શાવે છે. નાગરિકોની માહિતી નોંધવી, તેને સાચવવી અને સમય આવે તેનો ઉપયોગ કરવો તે વહિવટીકાર્ય માટે અત્યંત ઉપયોગી પ્રેક્ટિસ છે. અને જ્યારે નેશનલ આર્કાઇવ્ઝમાં કશુંક બદલાવ લાવવાની વાત આવે ત્યારે તે ચર્ચાનો વિષય બને છે. અમેરિકામાં જ હાલમાં જ્યારે ત્યાંની નેશનલ આર્કાઇવ્ઝ અન્ય શહેરમાં ખસેડવાની વાત આવી ત્યારે તે અંગે પૂરતો સંવાદ થાય તે માટે લોકોએ સરકાર પાસેથી ખાતરી માંગી હતી. સરકારે લોકોની આ માંગણીનો સ્વીકાર પણ કર્યો હતો.
નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા કેવી રીતે ઇતિહાસને આપણી સમક્ષ મૂકી આપે છે તે હાલમાં આવેલા એક ન્યૂઝ પરથી સમજી શકાય. કોરોનાની મહામારીમાં ગંગા અને અન્ય ઉત્તર ભારતની નદીમાં મૃતદેહ વહાવી દેવાની ઘટના બની હતી. હવે આ ઘટનાનો એક સંદર્ભ 1918ના ઇન્ફ્લુએન્ઝાની મહામારી દરમિયાન પણ મળે છે. તે વખતે અંગ્રેજ અધિકારીઓ વચ્ચે થયેલાં એક પત્રવ્યવહારમાં નર્મદા નદીમાં આ જ રીતે લોકો પોતાના સ્વજનોને વહાવી દેતાં તેવો ઉલ્લેખ છે. જો નેશનલ આર્કાઇવ્ઝ જેવી કોઈ વ્યવસ્થા ન હોય તો ભૂતકાળમાં આપણાં જ દેશમાં આવી ઘટના બની હતી તે આપણે જાણી ન શકીએ. નર્મદામાં મૃતદેહ વહાવાની વાત તત્કાલીન અંગ્રેજ અધિકારીઓએ ખૂબ જ વિસ્તૃત રીતે લખી છે અને તેમાં ક્યાં ક્યાં મુશ્કેલી આવી રહી છે તે પણ તેમણે રિપોર્ટમાં દર્શાવી છે.
નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયાના સુરક્ષિતતાને લઈને હાલમાં જ પ્રશ્ન ખડા થયા છે તેવું પણ નથી. અગાઉ પણ ‘એનએઆઈ’ ને દેખરેખને લઈને નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે. જેમ કે ‘વ્હાઇટ મુઘલ’ પુસ્તક લખનારા વિલિયમ ડાર્લીમ્પલ જ્યારે ‘એનએઆઈ’ની મુલાકાત લીધી ત્યારે તેમણે જોયું કે હૈદરાબાદ રેસિડન્સી રેકોર્ડના 600 જેટલાં ગ્રંથો અસ્તવ્યસ્ત પડ્યા હતા. વરસાદની સિઝનમાં પુસ્તકોની આ સ્થિતિ જોઈ વિલિયમે તેની સાચવણી થાય તે માટે અરજ કરી. યોગ્ય રીતે સાચવણી થાય તે માટે આ ગ્રંથો મોકલી આપવામાં આવ્યાં. જોકે વિલિયમનું કહેવું છે કે પછી તેમણે આ ગ્રંથોને ક્યારેય જોયા નથી. આ ઉપરાંત પણ ‘એનએઆઈ’માં ઉપલબ્ધ દસ્તાવેજના ટ્રેકિંગના પ્રશ્ન છે. ‘એનએઆઈ’ની અરાજક વ્યવસ્થા વિશે ધિ વાયર ન્યૂઝ પોર્ટલમાં વિસ્તૃત અહેવાલ આપ્યો છે.
નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયાનાં દસ્તાવેજોને હવે ઓનલાઈન કરવાનો એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ‘અભિલેખ પાતાલ’ નામની વેબસાઇટ પર ‘એનએઆઈ’ના ઓનલાઈન ડોક્યુમેન્ટશનની વિગત મેળવી શકાય છે. આ પહેલ થઈ છતાં તેનું કામ ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત રાજ્યવાર પણ આ રીતે ડોક્યુમેન્ટેશન સુરક્ષિત રહે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે. અત્યાર સુધી જે માત્ર દિલ્હીના નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયામાં જ સચવાય છે તે અન્ય રાજ્યોમાં પણ સુરક્ષિત રહી શકે તેવી વિકેન્દ્રીત વ્યવસ્થા ઊભી થાય તે માટે પ્રયાસ થઈ રહ્યા છે. જો કે ડોક્યુમેન્ટશનની બાબતમાં આપણા દેશની માનસિકતા નબળી રહી છે. વિશેષ પ્રયાસ કરીને આ પ્રકારના દસ્તાવેજોને સુરક્ષિત રાખવાની આપણી પ્રેક્ટિસ દેખાતી નથી. અંગ્રેજોના કારણે ડોક્યુમેન્ટેશન સાચવવાની પ્રથા આપણે ત્યાં આરંભાઈ.
ઇતિહાસ વિતેલા સમયને જોઈ શકવાનું દર્પણ છે જે આગળનો માર્ગ દર્શાવે છે. ભારતની સંસ્કૃતિના મૂળીયા ઊંડા છે અને વિશ્વની આરંભીક સંસ્કૃતિઓમાં ભારતનો સમાવેશ થાય છે. ભારતીય ઐતિહાસિક વારસો એટલો સમૃદ્ધ છે કે નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા જેવી અનેક સંસ્થાઓની આપણે ત્યાં આવશ્યકતા નિર્માય. અને આમ થવું એટલાં માટે જોઈએ કારણ કે ઇતિહાસનું મહત્ત્વ જે સમજ્યા છે તેઓ જ કાળક્રમ પૂર્વે થયેલી ભૂલોનું પ્રમાણ ઘટાડતા થયા છે. નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા ભારતીય વારસાનું પૂરું ચિત્ર ભલે ન આપી શકે પણ પાછલાં ચાર સદીનું અલભ્ય કહી શકાય તેવી અનેક બાબતો તેમાં સંઘરાયેલી પડી છે. આ સંગ્રહ સચવાય તેની જવાબદારી માત્ર સ્કોલરોની નથી, બલકે સામાન્ય જને પણ તેના અસ્તિત્વ ટકાવવા અવાજ બુલંદ કરવો જોઈએ. તેમ ન થાય તો આપણી આસપાસના જ કેટલાંક સત્યો ક્યારેય આપણી સમક્ષ આવી નહીં શકે.