Sports

ટી 20 વર્લ્ડ કપમાં ભાગ લેનાર દેશોને 15 ખેલાડીઓ અને 8 અધિકારીઓને લાવવાની મંજૂરી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (આઇસીસી) આગામી ટી 20 વર્લ્ડ કપમાં ભાગ લેનારા દેશોને યુએઈમાં 15 ખેલાડીઓ અને 8 અધિકારીઓને ટુર્નામેન્ટમાં લાવવાની મંજૂરી આપી છે. પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડ (પીસીબી)ના એક અધિકારીએ શુક્રવારે પુષ્ટિ કરી હતી કે, આઇસીસીએ ભાગ લેનારા દેશો માટે તેમના અંતિમ 15 ખેલાડીઓ અને કોચ અને સહાયક સ્ટાફના સભ્યોમાંથી આઠ અધિકારીની યાદી મોકલવા માટે 10 સપ્ટેમ્બરની સમયમર્યાદા નક્કી કરી છે.

ટી 20 વર્લ્ડ કપ આ વર્ષે ભારતમાં યોજાવાનો હતો. પરંતુ, કોરોના મહામારીના કારણે ટુર્નામેન્ટ યુએઈમાં આયોજિત કરવામાં આવી રહી છે. વર્ષ 2016 પછી પ્રથમ વખત ટી 20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ટુર્નામેન્ટ 17 ઑક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન ઓમાન અને યુએઈમાં રમાશે.

પીસીબીના અધિકારીએ કહ્યું કે, આઈસીસીએ ટી 20 વર્લ્ડ કપમાં ભાગ લેનારા દેશોને કોરોના મહામારી અને બાયો-બબલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ટી 20 વર્લ્ડ કપમાં વધારાના ખેલાડીઓ લાવવાની મંજૂરી આપી છે. પરંતુ, તેનો ખર્ચ સંબંધિત બૉર્ડ દ્વારા ઉઠાવવો પડશે. આઇસીસી માત્ર 15 ખેલાડીઓ અને આઠ અધિકારીઓનો જ ખર્ચ ઉઠાવશે.

Most Popular

To Top