સુરત : સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા અપાતા વિવિધ ચીજોના સપ્લાયના ઇજારા પણ ભ્રષ્ટાચારનો (Corruption ) મોટો રસ્તો મનાય છે. ત્યારે કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી (Grant) અપાતા બાંકડાઓ (Benches) હલકી ગુણવત્તાના હોવાની ફરિયાદ ભાજપના (BJP) કોર્પોરેટરો એજ કરતા આ મામલો સપાટી પર આવ્યો છે. એટલું જ નહીં સામાન્ય સભા પહેલાની સંકલન મીટિંગમાં બાકડાઓની હલકી ગુણવત્તા મામલે નગરસેવકોની રજુઆત છતા સંકલનની બેઠકમાં પૂર્વ મંજુરી વગર આવી રજુઆતો કરવી નહીં તેવું ઓરલી કહી દેવાતા નગર સેવકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.
- કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી અપાતા બાંકડાઓ હલકી ગુણવતાના હોવાની બુમ ઉઠી : કોર્પોરેટરોની ઉગ્ર રજુઆત
- જો કે સામાન્ય સભા પહેલા મળેલી સંકલન બેઠકમાં થયેલી રજુઆતને ધ્યાને લેવાઇ નહી હોવાની પણ નગર સેવકોમાં લાગણી
વિસ્તૃત વિગતો મુજબ 26 ડિસેમ્બરના રોજ મનપાની સામાન્ય સભાની ભાજપની સંકલન બેઠક મળી તેમાં નગર સેવક વિજય ચોમાલ સહિત કેટલાક કોર્પોરેટરોએ ઇજારદાર એજન્સી હલકી ગુણવત્તાના બાકડાંઓ કોન્ટ્રાક્ટર એજન્સી સપ્લાય કરી રહી હોવાની ફરિયાદ કરી હતી. તેમજ હલકી ગુણવત્તાવાળા બાકડા સપ્લાય કરનાર એજન્ની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની તથા હજુ જે બાકડાંઓનોસપ્લાય બાકી છે તે રોકવા માટેની રજૂઆતો પણ થઈ હતી.
વિસ્તૃત વિગતો મુજબ વિજય ચૌમાલે રજુઆત કરી હતી કે, જે બાકડાં સપ્લાય કરાયા છે તેના કરતા સારી ગુણવત્તાવાળા બાકડાંઓ બે-બે હજારમાં મળી શકે તેમ છે જોકે, મનપાનું તંત્ર હાલ પાંચ હજાર રૂપિયાના ભાવે જે બાકડાં લઇ રહી છે તે તેનાથી પણ ઊતરતી કક્ષાના છે. જો કે તેમની આ રજુઆતને હળવાશથી લઇ શાસકપક્ષ નેતા અમિતસિંહ રાજપૂતે એવી ટકોર કરી હતી કે હવે ચૌમાલને જ કોન્ટ્રાક્ટર માટેની જવાબદારી સોંપવી પડશે જો કે ત્યાર બાદ અન્ય નગર સેવકો દ્વારા પણ બાંકડાઓ મુદે રજુઆતમાં જોડાતા માહોલ ગરમ થઇ ગયો હતો. અને મેયરે દરમિયાનગીરી કરીને આ મુદ્દે કોઈપણ વિવાદ ઊભો ન કરવા અને સંકલન બેઠકમાં આ અંગે કોઈ સભ્યએ ચર્ચા ન કરવાની ટકોર કરી બધાને ચૂપ કરી દેવાયા હતાં.